લખાણ પર જાઓ

રચનાત્મક કાર્યક્રમ/ખાદી

વિકિસ્રોતમાંથી
← દારૂબંધી રચનાત્મક કાર્યક્રમ
ખાદી
મોહનદાસ કરમચંદ ગાંધી
બીજા ગ્રામઉદ્યોગો →


૪. ખાદી

ખાદીનો વિષય ચર્ચાસ્પદ છે. ઘણાં લોકોને એમ લાગે છે કે, ખાદીની હિમાયત કરવામાં હું સામે પવને હોડી હાંકવાની મૂર્ખાઈ કરું છું, તેથી આખરે સ્વરાજનું વહાણ ડુબાડવાનો છું ને દેશને પાછો અંધકારના જમાનામાં ધકેલી રહ્યો છું. આ ટૂંકા અવલોકનમાં મારે ખાદીની તરફેણની દલીલો કરવી નથી. એ દલીલો મેં બીજે પૂરેપૂરી કરેલી છે. અહીં તો દરેક મહાસભાવાદી અને આમ જુઓ તો એકેએક હિંદી ખાદીકાર્યને આગળ વધારવાને શું કરી શકે તે જ બતાવવાનો મારો ઇરાદો છે. ખાદી એટલે દેશના બધા વતનીઓની આર્થિક સ્વતંત્રતા તેમ જ સમાનતાની શરૂઆત. પણ કોઈ વસ્તુ કેવી છે તે વાપરવાથી જણાય, ઝાડનું પારખું તેનાં ફળથી થાય. તેથી હું જે કંઈ કહું છું તેમાં સાચી વાત કેટલી છે તે દરેક સ્ત્રીપુરુષ જાતે અમલ કરીને શોધી લે. વળી ખાદીમાં જે જે બાબતો સમાયેલી છે તે બધી સાથે ખાદીનો સ્વીકાર કરવો જોઈએ. ખાદીનો એક અર્થ એ છે કે, આપણે દરેકે પૂરેપૂરી સ્વદેશ વૃત્તિ કેળવવી જોઈએ ને રાખવી જોઈએ; એટલે કે જીવનની સઘળી જરૂરિયાતો હિંદમાંથી અને તેમાંય આપણાં ગામડાંઓમાં રહેનારી આમજનતાની મહેનત તથા બુદ્ધિથી નીપજેલી ચીજો વડે પૂરી કરી લેવાનો દૃઢ સંકલ્પ કરવો જોઈએ. અત્યારે આ બાબતમાં આપણો જે ક્રમ છે તે ઉલટાવી નાખવાની આ વાત છે. એટલે કે આજે હિંદુસ્તાનનાં સાત લાખ ગામડાંઓને ચૂસીને પાયમાલ કરી હિંદનાં તેમ જ ગ્રેટ બ્રિટનનાં મળીને પાંચ પંદર શહેરો ગબ્બર થાય તેને બદલે તે બધાં ગામડાંઓ સ્વાવલંબી તેમ જ સ્વયં સંપૂર્ણ થાય અને બંને પક્ષને લાભ થાય તે રીતે પોતાની ખુશીથી હિંદનાં શહેરોને અને બહારની દુનિયાનેયે ઉપયોગી થાય.

આનો અર્થ એવો થાય છે કે આપણામાંથી ઘણાએ પોતાના માનસમાં તેમ જ રુચિમાં ધરમૂળથી પલટો કરવો જોઈશે અહિંસાનો રસ્તો ઘણી બાબતોમાં બહુ સુતરો છે તો વળી બીજી ઘણી બાબતોમાં બહુ કપરો છે. તે હિંદુસ્તાનનાં એકેએક વતનીના જીવન પર ઊંડી અસર કરે છે, પોતાની અંદર સૂતેલી ને આજ સુધી અણછતી રહેલી શક્તિઓનું તેને ભાન કરાવી તે શક્તિ ને સત્તા આપણી પાસે છે એવા જ્ઞાનથી તેને ઉત્સાહ આપે છે અને હિંદી માનવસમૂહનાં મહાસાગરનાં અનેક ટીપાં માંનું હું પણ એક છું એવા અનુભવથી તે મગરૂબ થાય છે. જમાનાઓથી જે માંદલી વૃત્તિને આપણી ભૂલમાં આપણે અહિંસા કહેતા હતા ને મનતા હતા તે અહિંસા આ નથી. માનવજાતિએ આજ સુધી જે અનેક શક્તિઓ જોઈ છે તે બધી કરતાં આ અહિંસા વધારે જોરાવર શક્તિ છે, ને તેના પર જ માનવજાતિની હયાતીનો આધર છે. વળી આ અહિંસા તે શક્તિ છે જેનો મહાસભાને અને તેની મારફતે આખી દુનિયાને પરિચય કરાવવાનો મેં પ્રયાસ કર્યો છે. મારે મન ખાદી હિંદુસ્તાનની આખી વસ્તીની એકતાનું, તેના આર્થિક સ્વાતંત્ર્ય ને સમાનતાનું પ્રતીક છે અને તેથી જવાહરલાલના કાવ્યમય શબ્દોમાં કહું તો ‘હિંદની આઝાદીનો પોશાક છે.’

વળી ખાદીમાનસનો અર્થ થાય છે જીવનની જરૂરિયાતોની પેદાશ તેમજ વહેંચણીનું વિકેન્દ્રીકરણ. તેથી આજ સુધીમાં જે સિદ્ધાંત ઘડ્યો છે તે એ છે કે, દરેકેદરેક ગામે પોતપોતાની સઘળી જરૂરિયાત જાતે પેદા કરી લેવી અને ઉપરાંત શહેરોની જરૂરિયાતો પૂરી કરવાને ખાતર થોડીક વધારે પેદાશ કરવી.

મોટા ભાગના ઉદ્યોગો તો અલબત્ત એકકેન્દ્રી તેમ જ રાષ્ટ્રને હસ્તક રાખવા પડશે. પણ આખું રાષ્ટ્ર મળીને જે વિરાટ આર્થિક પ્રવૃત્તિ ગામડાંઓમાં ચલાવશે તેનો આ તો નજીવો ભાગ રહેશે.

આટલે સુધી ખાદીમાં કઈ કઈ બાબતો સમાયેલી છે તેની સમજૂતી આપીને હવે તેનું કાર્ય આગળ વધારવાને મહાસભાવાદીઓ શું શું કરી શકે ને તેમણે શું શું કરવું તે મારે બતાવવું જોઈએ. ખાદીની બનાવટમાં આટલી બાબતો આવે છે: કપાસ ઉગાડવો, કપાસ વણવો, તેને ઝૂડવો, સાફ કરવો ને લોઢવો, રૂ પીંજવું, પૂણીઓ બનાવવી, કાંતવું, સૂતરની પવાયત કરવી કે તેને કાંજી પાવી, સૂતરને રંગવું, તેનો તાણો પૂરવો ને વાણો તૈયાર કરવો, વણાટ અને ધોલાઈ. આ માંથી રંગાટી કામ સિવાયનાં બાકીનાં બધાં કામો ખાદીને અંગે જરુરી તેમ જ મહત્વનાં છે, ને કર્યા વિના ચાલે તેવાં નથી. એમાંનું એકેએક કામ ગામડાંઓમાં સારી રીતે થઈ શકે તેવું છે, અને હકીકતમાં અખિલ ભારત ચરખા સંઘ હિંદભરનાં જે અનેક ગામડાંઓમાં કાર્ય કરે છે તે બધાંમાં એ કામો આજે ચાલુ છે . સંઘનાં છેલ્લા અહેવાલ મુજબ આ કામોને લાગતા નીચે મુજબનાં રસિક આંકડાઓ છે.

૧૯૪૦ની સાલમાં ૧૩,૪૫૧થીયે વધારે ગામડાંઓમાં વેરાયેલાં, ૨,૭૫,૧૪૬ ગામડાંનાં વતનીઓને કાંતણ, પીંજણ, વણાટ વગેરે મળીને કુલ ૩૪,૮૫,૬૦૯ રૂપિયા મજૂરી પેટે મળ્યા હતા. આ સંખ્યામાં ૧૯,૬૪૫ હરિજન અને ૫૭,૩૭૮ મુસલમાનો હતા, અને કાંતનારાંમાં મોટા ભાગની સ્ત્રીઓ હતી.

પણ મહાસભાવાદીઓ સાચા દિલથી ને ઊલટથી ખાદીનો કાર્યક્રમ અમલમાં મૂકે તો જેટલું કામ નીપજે તેનો આ બહુ તો સોમો ભાગ થાય. ગામડાંઓમાં ચાલતા અનેક ઉદ્યોગો પૈકીના આ મુખ્ય ઉદ્યોગનો અને તેની આજુબાજુ વીંટળાયેલા હાથ કારીગરીના અનેક ધંધાઓનો વગર વિચારે ને ફાવે તેમ તેમ જ નિર્દય પણે નાશ કરવામાં આવ્યો ત્યારથી આપણાં ગામડાઓમાંથી બુદ્ધિ ને નૂર ઊડી ગયાં, તે બધાં ઝાંખા ને ચેતન વગરનાં થઈ ગયાં, અને તેમની દશા તેમનાં પોતાનાં ભૂખે મરતાં ને દૂબળાં ઢોર જેવી થઈ ગઈ.

ખાદીના કામને અંગે મહાસભા તરફથી જે હાકલ કરવામાં આવી તેને મહાસભાવાદીઓ વફાદાર રહેવા માગતા હોય તો ખાદી કાર્યની યોજનામાં તેમણે કેવી રીતે ને કેટલો ભાગ લેવાનો છે તે વિશે જે જે સૂચનાઓ અખિલ ભારત ચરખા સંઘ તરફથી વખતો વખત કાઢવામાં આવે છે તેમનો તેમણે બરાબર અમલ કરવો જોઈએ. અહીં તો હું થોડાક સામાન્ય નિયમો જણાવું.

૧. જે જે કુટુંબ પાસે નાનો સરખોયે જમીનનો કકડો હોય તેણે ઓછામાં ઓછો પોતાના વપરાશ પૂરતો કપાસ ઉગાડી લેવો. કપાસ ઉગાડવાનું કામ પ્રમાણમાં બહુ સહેલું છે. એક જમાનામાં બિહારના ખેડૂતો પર કાયદાથી એવી ફરજ લાદવામાં આવી હતી કે પોતાની ખેડી શકાય તેવી જમીનના ૩/૨૦ ભાગમાં તેમણે ગળીનું વાવેતર કરવું. આ ફરજ પરદેશી નીલવરોના સ્વાર્થને ખાતર ખેડૂતો પર નાખવામાં આવી હતી. તો આપણે રાષ્ટ્રના હિતને ખાતર આપણી જમીનના થોડાં ભાગમાં આપમેળે સમજીને ખુશીથી કપાસ કેમ ન કરીએ? આહીં વાચકના ધ્યાન પર એ વાત આવી જશે કે ખાદી કામના જુદાં જુદાં અંગોમાં વિકેન્દ્રીકરણનું તત્ત્વ છેક પાયામાંથી દાખલ થાય છે. આજે કપાસનું વાવેતર ને ખેતી એક જ ઠેકાણે મોટા પાયા પર કરવામાં આવે છે અને હિંદના દૂર દૂરના ભાગોમાં તે મોકલવો પડે છે. લડાઈ પહેલાં એ બધો કપાસ મોટે ભાગે ઇંગ્લંડ અને જાપાન મોકલવામાં આવતો હતો. પહેલાં કપાસની ખેતી કપાસનું વેચાણ કરીને રોકડ નાણું મેળવવાના હેતુથી કરવામાં આવતી હતી અને હજી યે તેમજ થાય છે, અને તેથી કપાસ કે રૂના બજારની તેજીમંદી ખેડૂતની આવક પર અસર કરે છે. ખાદીકાર્યની યોજનામાં કપાસની ખેતી આ સટ્ટામાંથી ને જુગારના દાવ જેવી હાલતમાંથી ઊગરી જાય છે. એ યોજનામાં ખેડૂત પ્રથમ પોતાની જરૂરિયાતની વસ્તુઓની ખેતી કરે છે. પોતાની જરૂરિયાતની ચીજોની ખેતી કરવાની પોતાની સૌથી પહેલી ફરજ છે એ વાત આપણા ખેડૂતોએ શીખવાની છે. આટલું શીખીને ખેડૂતો જો તે પ્રમાણે પોતાનું કામ કરતા થાય તો બજારની મંદીથી તેમને પાયમાલ થવાનો વારો નહીં આવે.

૨. કાંતનારની પાસે પોતાનો કપાસ ન હોય તો તેણે લોઢવાને માટે જોઈએ તેટલો કપાસ વેચાતો લઈ લેવો. લોઢવાનું કામ હાથચરખાની મદદ વિના પણ બહુ સહેલાઈથી થાય તેવું છે. એક પાટિયું ને એક લોઢાનો ટૂંકો સળિયો દરેક જણને પોતાનો કપાસ પીલી લેવાને પૂરતું સાધન છે. જ્યાં આ કામ ન બની શકે ત્યાં કાંતનારે હાથે લોઢેલું રૂ ખરીદી લેવું ને તેને પીંજી લેવું. પોતાના વપરાશ પૂરતું પીંજણ નાનકડી ધનુષ પીંજણ પર ઝાઝી મહેનત વગર સરસ થાય છે. અનુભવ એવો છે કે મજૂરીની મહેનતની વહેંચણી જેટલી વધારે એટલે કે કામ જેટલા વધારે હાથે થાય તેટલા પ્રમાણમાં તેને માટે જરૂરી ઓજારો ને હથિયારો સોંઘા ને સાદાં. પીંજેલા રૂની પૂણીઓ બનાવી લીધી કે કાંતણ શરૂ થાય. કાંતવાને માટે હું ધનુષ તકલીની ખાસ ભલામણ કરું છું. મેં તે ઘણીવાર વાપરી છે. તેના પર મારી કાંતવાની ઝડપ લગભગ રેંટિયાના જેટલી જ છે. વધારામાં રેંટિયા પર મારું સૂતર જેવું નીકળે છે તેના કરતાં ધનુષ તકલી પર વધારે ઝીણું, વધારે વળદાર ને વધારે સરખું ઊતરે છે. બધા કાંતનારાઓનું એમ ન પણ બને. હું રેંટિયાને બદલે ધનુષ તકલી વાપરવાનો આગ્રહ કરું છું તે આટલાં કારણસર કે કે ધનુષ તકલી બનાવી લેવાનું વધારે સહેલું છે, રેંટિયા કરતાં સોંઘી પડે છે ને રેંટિયાની માફક તેમાં વારેવારે સમારકામ કરવું નથી પડતું. કાંતનારને જાડી ને પાતળી બન્ને માળ બનાવી લેતાં અને તે ઊતરી જાય કે સરકી જાય ત્યારે બરાબર બેસાડી લેતાં ન આવડતું હોય, અથવા રેંટિયો બરાબર કામ ન આપે ત્યારે તેને સુધારી લેતાં ન આવડતું હોય તો તે ઘણી વાર બેકાર પડી રહે છે. વળી આજે એમ લાગે છે કે લાખો લોકોએ એકીસાથે કાંતવા માંડવું પડશે ને તે વાત સાચી પડી તો ધનુષ તકલી સહેલાઈ થી બની શકે તેવી ને વાપરવામાં સરળ હોવાથી તે જ એક ઓજાર એવું છે જે એવે વખતે ઝટ કામ આવે. ખુદ તકલી કરતાં પણ આ ધનુષ તકલી બનાવવાનું સહેલું છે, અને તે મેળવવાનો સૌથી સહેલો, સૌથી સારો ને સૌથી સોંઘો રસ્તો જાતે બનાવી લેવાનો છે. વળી એક વાત યાદ રાખવા જેવી છે કે આપણે દરેકે સાદાં ઓજરો બનાવવાનું ને વાપરવાનું શીખી લેવું જોઈએ. હવે કાંતણ સુધીના જુદાં જુદાં કામોમાં આપણો આખો મુલક એકી સાથે મંડી જાય તો આપણા લોકોમાં કેટલી એકતા થાય ને તેમની કેટલી કેળવણી થાય તેનો ખ્યાલ કરો! વળી ગરીબ ને તવંગર સૌ એકજ જાતનું કામ કરે તો તેમાંથી નીપજતા પ્રીતિના બંધથી બંધાઈ પોતપોતાના ભેદો ભૂલી ને કેટલાં સરખાં થાય તેનો ખ્યાલ કરો!

આ રીતે કંતાયેલું સૂતર ત્રણ રીત વપરાય : એક તો ગરીબોને ખાતર ચરખા સંઘને ભેટ આપી દેવું, અથવા બીજું, પોતાના વપરાશને માટે વણાવી લેવું, અથવા ત્રીજું, તેના બદલામાં જેટલી મળે તેટલી ખાદી વેચાતી લેવી. એતો દેખીતું છે કે સૂતર જેમ ઝીણું ને બીજી રીતે સારું તેમ તેની કિંમત વધારે. એટલે મહાસભાવાદીઓ ખરા જિગરથી આ કામમાં લાગે તો કાંતવાના ને બીજા ઓજારોમાં નવા નવા સુધારા કરતા રહેશે ને ઘણી નવી નવી શોધ ખોળ કરશે. આપણા દેશમાં બુદ્ધિ ને મજૂરીની છેક ફારગતી થઈ ગઈ છે. પરિણામે આપણું જીવન બંધિયાર ખાબોચિયાના પાણી જેવું થઈ ગયું છે. મેં અહીં સુધી દર્શાવ્યું છે તે ધોરણે તે બંનેનું એટલે કે બુદ્ધિનું ને મજૂરીનું અતૂટ લગ્ન થાય તો તેના જે ફળ આવશે તેનો આંક બંધાય તેવો નથી.

સેવાને અર્થે કરવાના કાંતણની આ રાષ્ટ્રવ્યાપી યોજના પાર પાડવાને આપણાં સામાન્ય સ્ત્રી અથવા પુરુષે રોજ કલાકથી વધારે વખત આપવાની જરૂર રહેશે. એમ મને નથી લાગતું.