રસિકવલ્લભ/પદ-૮૭

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
← પદ-૮૬ રસિકવલ્લભ
પદ-૮૭
દયારામ
પદ-૮૮ →


પદ ૮૬ મું

સુખ દુ:ખ કર્તા હર્તા કોણજી ? અવર કોઈ કહે પુરુષ પુરાણજી;
કર્મ કાલ ગ્રહ કેટલા કહે છે જી? મન સ્વભાવ જીવને પણ લે છે જી.
સંશય ટાળો નિશ્ર્ચે થાયજી, એ ભ્રમજાળે બહુ અથડાયજી;
એ વણ વૈષ્ણવને જે લેવુંજી, તે સહુ વણ પૂછયે પણ કેવુંજી.

ઢાળ

કે'વું ખરું સહુ સ્વલ્પમાં ને, શુદ્ધ સ્ફુટ સમજાય;
વે રીતથી મુજને કૃપા કરી, કહો શ્રીગુરુરાય.

એમ સુણી શ્રીઆચાર્ય વાયક ઉચ્ચર્યા પછી એહ;
સુણ પ્રતિ ઉત્તર ક્રમે કરી, તેં પૂછયાં જેહ.
શ્રી સ્વામિની શું સ્વરૂપ તે, સુણ કહું સહિત વિવેક;
શ્રીકૃષ્ણ રાધા નામ બે, વસ્તુત: તો જોતાં એક.
જ્યમ અગ્નિ જ્વાલા, ચંદ્ર કૌમુદી, [કુમુદ] સિંધુ ને વળી છોળ;
કહેવાય ભિન્ન અભિન્ન બધે, વસ્તુ એક જ ખોળ.
જે "એકમેવાદ્વિતીયં બ્રહ્મ" કહ્યું શ્રુતિ જુગ જાણી;
નહિ તો થયું ધ્રુવ"એવ" શબ્દે, અદ્વિતીય શિદ વાણી?
ભાસે જુગલ વૈ એક બે મળી, હેતુ એ પુનરુક્તિ
જન દયાપ્રીતમ કૃષ્ણ રહ્યા એક બે એ યુક્તિ.