શીલવંત સાધુને વારે વારે નમીએ

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
ગંગાસતીના ભજનો
શીલવંત સાધુને વારે વારે નમીએ
ગંગાસતી



શીલવંત સાધુને વારે વારે નમીએ

શીલવંત સાધુને વારે વારે નમીએ, જેનાં બદલાય નહીં વ્રતમાન જો;
રામભરુસો રાખે હૃદયમાં જેને, મહારાજ થયા મહેરબાન રે…..

સ્નેહ કે શત્રુ કોઈ નથી, જેના દિલમાં પરમારથ ઉપર પ્રીત રે;
સતગુરૂ સાનમાં પૂરણ સમજે ને, રૂડી રૂડી પાળે રીત રે…… શીલવંત સાધુને…

વહેવારની વાતો જેને ગમતી નથી, ભજનમાં રહે ભરપૂર રે;
અલખને લખ કહી લાભ જ લેતાં, જેનાં નેણલામાં વરસે નૂર રે….. શીલવંત સાધુને….

પર ઉપકારમાં કરવા પ્રવૃત્તિ ને, નિવૃત્તિમાં નિજ રૂપ રે;
પોતે રહીને પોષે બીજાને, એવાં સંત સાહેબના સ્વરૂપ… શીલવંત સાધુને….

સંગત કરો તો એવા નરની કરજો, પમાય એથી ભવ પાર;
ગંગાસતી કહે સાંભળો પાનબાઈ, દેખાડે અલખના દ્વાર… શીલવંત સાધુને….