સર્વોદય/૨.દોલતની નસો

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
← ૧.સાચનાં મૂળ સર્વોદય
૨.દોલતની નસો
મોહનદાસ કરમચંદ ગાંધી
૩.અદલ ન્યાય →




૨.
દોલતની નસો


આમ અમુક પ્રજામાં પૈસાનું ચક્કર તે બદનમાં લોહી ફરવાની માફક છે. લોહી ઝપાટાથી ફરે છે તે યા તો તંદુરસ્તી અને કસરતની નિશાની હોય અથવા તો શરમ ઊપજવાની કે તાવની નિશાની હોય. શરીરની ઉપર એક જાતની લાલી તે તંદુરસ્તી બતાવે છે. બીજી લાલી તે ઘાસણીના રોગનું ચિહ્‌ન હોય. વળી એક જગ્યાએ લોહીનો ભરાવો થાય તો શરીરને નુકશાન થાય છે, તેમ એક જગ્યાએ પૈસાનો ભરાવો થાય તે પ્રજાની નુકસાનીનું કારણ થઈ પડે છે.

ધારો કે બે ખલાસી વહાણ ભાંગવાથી એક વેરાન કિનારા પર આવી પડ્યા છે. ત્યાં તેઓને પોતાની મહેનતે ખોરાક વગેરે નિપજાવવો પડે છે. જો તેઓ બંને તંદુરસ્ત રહી સાથે કામ કરે તો સારું ઘર બાંધે, ખેતર ખેડે ને ભવિષ્યમાં કંઈક બચાવે. આને આપણે ખરી દોલત કહી શકીએ. અને જો બંને સારી રીતે કામ કરે તો બંનેનો તેમાં સરખો હોસ્સો ગણાય. એટલે તેઓને જે શાસ્ત્ર લાગુ પડ્યું તે એ જ કે તેઓની મહેનતનાં ફળ તેઓને વહેંચી લેવાનો હક થયો. હવે ધારો કે થોડી મુદત પછી તેમાંથી એક જણને અસંતોષ થયો. તેથી તેઓએ જમીનના ભાગ પાડ્યા ને દરેક જણ પોતાને હિસાબે ને પોતાની મેળે કામ કરવા લાગ્યો. વળી ધારો કે અણીને વખતે એક જણ માંદો પડ્યો. એમ થવાથી તે બીજાને પોતાની મદદે બોલાવશે. ત્યારે બીજો કહી શકશે, 'હું એટલું કામ તમારે સારુ કરવા તૈયાર છું, પણ એવી શરતે કે જ્યારે કામ પડે ત્યારે તમારે મારે સારુ તેટલું જ કરવું. તમારે મને લખી આપવું પડશે કે જેટલા કલાક હું કામ કરું તેટલા કલાક તમારે મારી જમીન ઉપર ખપ પડ્યે કામ કરવું.' વળી ધારો કે માંદાની માંદગી લાંબી ચાલી ને દરેક વેળાએ પેલા સાજા માણસને ઉપર પ્રમાણે લખત આપવું પડ્યું. ત્યારે માંદો સાજો થાય તે વેળા દરેક જણની શી સ્થિતિ થઈ ? બંને જણ ગરીબ થયા ગણાય. કેમકે માંદો માણસ ખાટલે રહ્યો તે દરમ્યાન તેના કામનો લાભ ન મળ્યો. પેલો ભાઈબંધ ખૂબ વધારે કામ કરનારો છે એમ પણ માની લઈએ. છતાં તેણે જેટલો વખત માંદાની જમીનને આપ્યો તેટલો પોતાની જમીનમાંથી ગયો એ તો ચોક્કસ વાત કરી. એટલે બંને જણાની જે મિલકત હોવી જોઈએ તેમાં ઘટાડો થયો.

એટલું જ નહિ પણ દરેક જણ વચ્ચેનો સંબંધ બદલાયો. માંદો માણસ પેલાનો કરજદાર થયો ને પોતાની મજૂરી આપીને જ પોતાનું અનાજ લઈ શકે. હવે ધારો કે સાજા માણસે પોતાને મળેલા દસ્તાવેજનો ઉપયોગ કરવા ધાર્યું. જો તેમ કરે તો તે પોતે તદ્દન આરામ લઈ શકે - અળસુ થઈ શકે; તેની મરજી પડે તો સાજા થયેલા માણસની પાસેથી બીજાં લખત લે. એમાં કંઈ ગેરકાયદેસર થયું એમ કોઈ નહિ કહી શકે. હવે જો કોઈ પરદેશી આવી ચડે તો તે જોશે કે એક માણસ દોલતવાન થયો છે ને બીજો માંદો પડ્યો છે. તે વળી જોશે કે એક તો એશાઅરમ કરતો આળસમાં પડ્યો રહે છે ને બીજો મજૂરી કરતો છતો તંગી ભોગવે છે. આમાંથી વાંચનાર જોઈ શકશે કે બીજાની મજૂરી મેળવવાના હકનું પરિણામ એ આવે છે કે ખરી દોલતનો ઘટાડો થયા છે.

હવે બીજો દાખલો લઈએ. ત્રણ જણે એક રાજ્ય સ્થાપ્યું ને ત્રણે જણા નોખા રહેવા લાગ્યા. દરેકે જુદો જુદો પાક ઊતાર્યો કે જેનો ઉપયોગ બધા કરી શકે. વળી ધારો કે તેમાંથી એક માણસે બધાના વખતનો બચાવ કરવા સારુ પોતે ખેતી છોડીને એકનો માલ બીજાને પહોંચાડવાનું માથે લીધું ને બદલામાં અનાજ લેવાનું ઠરાવ્યું. જો આ માણસ નિયમસર માલ લાવે લઈ જાય તો બધાને લાભ થાય. હવે ધારો કે આ માણસ માલની આપલે કરવામાં ચોરી કરે છે. પછી તંગીનો વખત આવે છે તે વેળા તે દલાલ પોતે ચોરેલો દાણો બહુ આકરે ભાવે આપે છે. આમ કરતાં છેવટે તે માણસ બેઉ ખેડૂતને ભિખારી કરી મૂકી શકે છે ને છેવટે તેઓને પોતાના મજૂર બનાવે.

ઉપરનો દાખલો ચોખ્ખો અન્યાય બતાવે છે. છતાં આમ જ હાલના વેપારીઓનો મામલો ચાલે છે. વળી આપણે એમ પણ જોઈ શકીશું કે આમ ચોરીનો બનાવ બન્યા પછી ત્રણે જણની મિલકત એકઠી કરીશું તો પેલો માણસ પ્રામાણિક હોત ને થાત તેના કરતાં ઓછી થશે. પેલા બે ખેડૂતોનું કામ ઓછું મળવાથી તેમની મહેનતનું સંપૂર્ણ ફળ તેઓ નહિ લાવી શક્યા. અને પેલા ચોર દલાલના હાથમાં જે ચોરીનો માલ આવ્યો તેનો પૂરો ને સરસ ઉપયોગ નહિ થયો.

એટલે આપણે ગણિતના જેવો હિસાબ કરી શકીએ છીએ કે, અમુક પ્રજાની દોલત તપાસતાં તે દોલત કેમ મળી છે તેની ઉપર, તે પ્રજાને પૈસાદાર ગણવી કે નહિ, તેનો આધાર રહ્યો છે. પ્રજાની પાસે આટલા પૈસા છે તેથી તે તેટલી પૈસાદાર છે એમ નહિ કહી શકાય. અમુક માણસના હાથમાં અમુક પૈસા તે ખંત, હોશિયારી ને આબાદાનીની નિશાની હોય; અથવા તો નાશકારક મોજમજા, અતિ જુલમ અને દગાની નિશાની હોય. અને આમ હિસાબ કરવો તે માત્ર નીતિ બતાવે છે એટલું જ નહિ, પણ અંકગણિતથી ગણાય તેવો પૈસો બતાવે છે. એક દોલત એવી કે જે પેદા થતાં બીજી દસ ગણીનો નાશ થયો હોય.

એટલે નીતિ અનીતિનો વિચાર કર્યા વિના દોલત એકઠી કરવાના ધારા ઘડવા એ તો માત્ર માણસની મગરૂરી બતાવનારી વાર્તા થઈ. 'સસ્તામાં સસ્તું ખરીદી મોંઘામાં મોંઘું વેચવું' એવો જે નિયમ છે તેના જેવું બીજું કશું માણસને નામોશી લગાડનારું નથી. 'સસ્તામાં સસ્તું લેવું' એ તો સમજ્યા. પણ ભાવ કેમ ઘટ્યા ? આગ લાગ્યા પછી પડી ગયેલા ઘરની ઈંટો સોંઘી હોઈ શકે છે. પણ તેથી આગ અને ધરતીકંપ એ પ્રજાના લાભને સારુ થયાં એમ કહેવાની કોઈની હિંમત નહિ ચાલે વળી 'મોંઘામાં મોંઘું વેચવું' એ સમજ્યા. પણ મોંઘવારી કેમ આવી ? રોટીનું દામ તમને આજે સારું મળ્યું. પણ તમે શું તે દામ મરતા માણસની છેલ્લી કોડી લઈને લીધું ? અથવા તો તમે તે રોટી કોઈ શાહુકારને આપી કે જે કાલે તમારું બધું પડાવી લેશે ? કે શું તમે તે કોઈ સિપાહીને આપી કે જે સિપાહી તમારી બૅંક લૂંટવા જનારો છે ? આમાંના એકે સવાલનો જવાબ તમે વખતે ન આપી શકો એવું બની શકે છે, કેમકે તમે જાણતા નથી. પણ તમે વાજબી દામે નીતિસર વેચી કે નહિ તે તો કહી શકો છો; અને વાજબી ન્યાયની જ દરકાર રાખવાની જરૂર છે. તમારા કામથી કોઈને દુઃખ ન થાય એટલું જ જાણવું ને તે પ્રમાણે કરવું, એ તમારી ફરજ છે.

આપણે જોઈ ગયા કે પૈસાની કિંમત માણસોની મજૂરી તે વડે મેળવવા ઉપર છે. જો મજૂરી મફત મળી શકે તો પૈસાની ગરજ રહેતી નથી. પણ માણસોની મજૂરી વગર પૈસે મળી શકે તેવા દાખલા જોવામાં આવે છે. અને પૈસાબળ કરતાં બીજું નીતિબળ વિશેષ કામ કરે છે એવા દાખલા આપણે જોઈ ગયા. પૈસા જ્યાં કામ નથી કરી શકતા ત્યાં સદ્‍ગુણ કામ કરે છે એમ પણ આપણે જોયું. ઇંગ્લંડમાં ઘણી જગોએ પૈસાથી માણસોને ભોળવી શકાતા નથી.

વળી જો આપણે કબૂલ કર્યું કે માણસોની પાસેથી કામ લેવાની શક્તિ તે દોલત છે, તો આપણે એમ પણ જોઈ શકીએ કે તે માણસો જેટલે દરજ્જે હોશિયાર અને નીતિવાન હોય તેટલે દરજ્જે દોલતનું માપ વધ્યું. એમ વિચારતાં આપણે જોઈશું કે ખરી દોલત તે સોનુંરૂપું નથી પણ માણસો પોતે છે. દોલતની ખોળ ધરતીનાં આંતરડાંમાં નથી કરવાની, પણ માણસના દિલમાં કરવાની છે. અને એ વાત ખરી હોય તો અર્થશાસ્ત્રનો ખરો નિયમ તો એ થયો કે જેમ બને તેમ માણસોને તનમાં, મનમાં ને માનમાં આરોગ્ય રાખવા. એવો અવસર પણ આવે કે જ્યારે ઇંગ્લંડ ગોવળકોંડાના હીરાથી ગુલામોને શણગારી પોતાની દોલતનો દેખાવ કરવાને બદલે, ખરા ગ્રીસના નામાંકિત માણસે કહેલું તેની માફક, પોતાના નીતિમાન મહાપુરુષોને બતાવી શકે કે,

'આ મારી દોલત છે.'