સોરઠ, તારાં વહેતાં પાણી/૨૦. ઝુલેખાને જોઈ આવ્યો

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
← ૧૯. મારી રાણક સોરઠ, તારાં વહેતાં પાણી
૨૦. ઝુલેખાને જોઈ આવ્યો
ઝવેરચંદ મેઘાણી
૨૧. બહેનની શોધમાં →


20. અમલદાર આવ્યા


"વડી બધી સત્તા સરકારની - કે મારે મારી બાયડિયું ને કેમ રાખવી કેમ ન રાખવી, મારી નાખવી કે જીવતી રાખવી, એ બધી મારા ઘરની વાતુંમાં ઈ માથું મારે! ના, ના; ઈ નહિ બને."

વડલા-મેડીના રાજગઢના ગોદડ દરબારનું આ પ્રકારનું તત્ત્વાલોચન ચાલતું હતું.

"પણ આપણે શા માટે એમ કહેવું પડે -" વાણિયા કારભારી દરબારને સમજાવતા હતા : "કે બાઈઓને કોઈએ માર્યા છે?"

"ત્યારે શું મારે સગે હાથે ઝાટકા નથી માર્યા? હું શું નામર્દ છું?"

કામદારને જાણ હતી કે આ મરદ નશાની અસરમાં બોલે છે. એણે કહ્યું: "રાણીસાહેબને માર્યા તો છે તમે જ, વીરતા તો તમે જ કરી છે; પણ આપણે આપણી વીરતા આપણે મોઢેથી શા માટે ગાવી? શૂરવીર તરીકે આપણે તો શરમાવું જોઈએ."

"શાબાશ!" દરબારે હવામાં હાથનો પંજો થાબડ્યો. કામદાર તદ્દન બીજી જ બાજુએ બેઠા હતા. "મેં કોઈ અમથો તું જેવો કારભારી રાખ્યો હશે? નવાનગરને ઘેરેય તારું દીવાનપદું દીવડા કરે. મહારાજ ભાવસંગજી માગણી કરે તોય તને હું ન છોડું."

"હવે જુઓ, બાપુ, આપણે તો એમ જ કહેવાનું કે બેઉ બાઈઓ સામસામા કપાઇ મૂઆ, કેમકે બેઉ વચ્ચે ખાર અને ઇર્ષ્યા હતા."

"બસ, બરાબર છે. એ સલાહ લાખ રૂપિયાની છે. એ સલાહ બદલ તમને, કામદાર, હું રાજવડું ગામ પેઢાનપેઢી માંડી આપું છું."

"એ હવે સવારે વાત." કામદારને ખબર હતી કે અત્યારે બોલનાર પ્રભાતે પાળનાર બે જણા આ એક જ માનવ-શરીરની અંદર નિરાળા છે.

વડલા-મેડી ગામની રાજદેવડીમાં તે વખતે એક ફકીર દાખલ થતો હતો, આટલો બૂઢો સાંઇ દેવડી પરના આરબોએ જિંદગીભર કદી દેખ્યો નહોતો. એ ફકીર લાંબા વાળ રૂપાનાં પતરાં જેવા સફેદ અને ચળકતા હતા. મોં બોખું હતું. હાડકા ખખળેલાં હતાં. ગલોફામાં ખાડા હતા. કમ્મરની કમન વળી ગઈ હતી. હાથમાં લોબાનની ભભક દેતું ધૂપિયું હતું, ને બીજા હાથમાં મોર-પીંછાની સાવરણી હતી.

આરબોની સલામોને 'બાપુ! બાપુ! જીતે રહો!" એવા ગંભીર અને સુકોમલ બોલોથી ઝીલતો સાંઇ, કોઇ જંગમ વડલા જેવો, દેવડી પછી દેવડી વટાવતો અંદર ચાલ્યો ગયો. પાછળ એક ગોલી ચાલી આવતી હતી. દરવાનોએ માન્યું કે સાંઇબાપુને અંદર ભાવરાણી માએ જ તેડાવેલ હશે. દરબારને માથે સરકારી તહોમતનામાની તલવાર કાચા સૂતરની તાંતણે લટકી રહી હોવાથી નવાં ભાવરણી મા અનેક જાતની ખેરાતો, માનતાઓ તેમજ બંદગીઓ-તપસ્યાઓ કર્યા જ કરતાં હતાં.

ભાવરાણી ઝુલેખા વીસેક વર્ષની હોવા છતાં, ને એક ભ્રષ્ટ મનાતી રખાત હોવાં છતાં, દરબારગઢની અંદરના એંશી-એંશી વર્ષના બુઝુર્ગોના મોંથી પણ 'મા' શબ્દે સંબોધાતી.

બુઢો સાંઈ જ્યારે અંદરના ગાળામાં ગયો ત્યારે એણે ત્રણ ડેલીઓ વટાવી હતી. ત્રીજી દેવડીના ઘાવાખાનામાં તો સો વર્ષના જૈફ આરબો ચોકીદાર હતા. તેઓ ઝીણી નજરે જુએ તે પહેલાં તો 'બાપુ! બાપુ! જીતે રહો! નેકી-ઇમાન તુમારા સલામત રહો!' એવા ગંભીર બોલ લલકારતો ફકીર અંદર દાખલ થઇ ગયો.

અંદરનું દૃશ્ય દેખીને ફકીરે તાજુબી અનુભવી. પરસાળ ઉપર થાંભલીને અઢેલી એક ચાકળા ઉપર વીશ વર્ષની ઝુલેખા અદલ કાઠિયાણી વેશે, પુનિત દીદારે બેઠી છે. સામે ત્રણ પુરુષ-વેશધારી બાળકો શાંત મુખમુદ્રા ધારણ કરીને બેઠા છે. તેમના વેશ સુરવાલ તેમજ પહેરણના છે : માથા પર ઝીક ભરેલી ટોપીઓ છે, પણ કેશના મોટા અંબોડા છે : હાથમાં ચૂડીઓ - બંગડીઓ છે, ને પગમાં ઝાંઝર-ત્રોડા છે : નાકમાં ચૂકો ને છેલકડીઓ છે. એક છ વર્ષની, બીજી આઠેક વર્ષની ને ત્રીજી નવ વર્ષની - એ ત્રણે ગોદડ દરબારની મૂએલી સ્ત્રીઓની પુત્રીઓ છે. સામે એક બ્રાહ્મણી સ્ત્રી બેઠી બેઠી મહાભારત લલકારે છે.

તાજુબ ફકીર પોતાની ચેષ્ટાઓ ચૂકી ગયો. મોરપિચ્છનો ઝુંડ તેમ જ લોબાનનું ધૂપદાન એના હાથમાં જ થંભી રહ્યાં. સાંભળેલી વાત સાચી પડી : આ લબાડ ગણાતી ઓરત પોતાની શોક્યોની પુત્રીઓને તાલીમ આપે છે. માતાઓ જીવતી હતી ત્યારથી જ પુત્રીઓએ અહીં રહેવાનું પસંદ કર્યું છે.

બ્રાહમણી વિધવાને માથે મુંડન હતું. સફેદ વસ્ત્રો એના ગંભીર, ગમગીન, તોયે તાજા મુંડને તેજસ્વી લાગતા મોંને વિના વાળ-લટોએ પણ શોભાવતાં હતાં. મહાદેવને મસ્તકે ચૈત્ર-વૈશાખની જળાધરી ગળે તેમ એના ગળામાંથી મહાભારતના શ્લોકો ટપકતા હતા. એનું રસપાન કરતી ભાવરાણીનાં નેત્રો મીટ પણ નહોતાં ભાંગતાં. વચ્ચે વચ્ચે જ્યારે દ્રૌપદીના ધા-પોકારવાળા શ્લોકો આવતા ત્યારે એનું મોં ધીરે રહીને પેલી પુરુષવેશધારી ત્રણ કન્યાઓ તરફ ઢળતું ને મલકાતું.

ફકીર તરફ ઝૂલેખાનું ધ્યાન થોડી વાર પછી ગયું. એક મુસ્લિમ પંથના ધર્મપુરુષને આવી અદબ રાખી હિન્દુ ગ્રંથ સાંભળતો દેખી ઝુલેખા પણ ચકિત થઈ. એને મહાભારત વાંચનારી વિધવાને હાથની ઇશારત કરી. વાજાની ધમણ ધીમે ધીમે પડે તે રીતે બાઇના લલકાર ધીમા પડ્યા.

ઝુલેખાએ ઊઠીને ફકીરને બે હાથની કુરનસ કરી : "પધારો સાંઇબાપુ!"

"દાતાર આબાદ રખે, બચ્ચા!" ફકીરે સન્મુખ જોયા વગર જ પંજો ઊંચો કરી દુવા પોકારી.

"દાતારને ડુંગરેથી પધારો છો, બાપુ?"

"હાં બેટી! જમિયલશા કા હુકમ હુવા. આના પડા."

ફકીરની આંખો ધરતી પરથી ઊખડતી નહોતી. આટલી વૃદ્ધાવસ્થાએ પણ સાંઇ ઊંચી નજર નથી કરતો, એટલે હોવો જોઈએ કોઇક પરમ સંત, એમ સમજી ઝુલેખાએ વિશેષ સન્માનની લાગની અનુભવી કહ્યું :

"ફરમાવો સાંઇબાપુ!"

થોડીવાર થઇ, એટલે ચતુર ઝુલેખાએ ત્યાંથી સર્વને રજા આપી. નાની કન્યાઓએ એક પછી એક અપરમાના ખોળા સુધી વાંકા વળી હાથજોડ કરી કહ્યું : " મા, રામરામ!"

"રામરામ બેટા! માલુબા! રામરામ! જાવ, હવે ઘોડિયું કઢાવો સામાન મંડાવો."

ઝુલેખાએ એમ કહી મોટી કન્યાના મોંએ હાથ પસાર્યો.

વચેટે આવીને કહ્યું: " મા, રામરામ!"

ત્રીજી સહુથી નાનીએ કશો જ બોલ બોલ્યા વગર ઝટપટ જેમ તેમ હાથ જોડી લીધા.

"કેમ બેટા જસુબા!" કહેતાં કહેતાં ઝુલેખાએ નાની કન્યાને પોતાના હૈયા પાસે ચાંપવા નજીક ખેંચી, પણ નાની કન્યા કોઇ જડબાં ફાડીને બેઠેલ અજગરથી ડરી ભાગે તેમ જોર કરી છૂટી થઈ નાસી ગઈ.

"માલુબા!" ઝુલેખાએ પછવાડેથી ભલામણ કરી: "જોજો હો, આજ રેડીનું ચોકડું ડોંચશો નહિ. નીકર ઇ ઘોડી સાંકળની ઝોંટ મારશે તો ડફ દેતાં પડશો હેઠાં."

"એ હો, મા."

"ને બાલુ." ઝુલેખાએ વચેટ કન્યાને કહ્યું :" તું ચીભડાંની ફાંટની જેમ બાવળા ઉપર ન ખડકાતી હો! ઘોડે સવારીમાં તો ડિલને ટટાર રાખીએ."

"જી હો, મા!" વચેટ કન્યા વધુ વિનયશીલ હતી.

"ને જસુને આજ હરણ-ગાડી હાંકવાની છે. બહુ તગડાવે નહિ, હો કે!"

એ દિવસોમાં કાઠી રજવાડા બોકડા-ગાડી, હરણ-ગાડી, કૂતરાં-ગાડી વગેરે જાતજાતના પ્રાણીઓ જોતરેલાં વાહનો પોતાનાં બાળકો માટે વાપરતાં હતાં.

સર્વને વળાવી પોતાના મલીરને ભરાવદાર છાતીનાં ડોક નીચેનાં બનેલાં છૂંદણા ઉપર ઓઢાડી દેતી દેતી ઝુલેખા સાંઇની પાસે આવી. પોતે ચાકળા પર બેઠી. સાંઇએ ચાકળા પર બેસવાની ના પાડી:

"નહિ બેટા! ફકીરો કું તો જમી કા જલેસા જ ખપે, મેરા બાપ!"

એટલું કહીને ફકીરે પહેલી વાર નેત્રો ઊંચા કર્યાં, ને ઝુલેખાની મુખમુદ્રા સામે નોંધ્યા. એની ઝાંખી આંખોનાં કોડિયામાં કોઇએ નવું દિવેલ પૂર્યું હોય તેમ ડોળાની દિવેટ-કીકીઓ સતેજ થઇ. ફકીર બોલ્યો : "એક જ સવાલ ફકીર પૂછેગા. જવાબ દેગી બેટા?"

ભાવરાણી સામો ઉત્તર આપે તે પહેલાં તો ફકીરે પોતાનો સવાલ છોડી નાખ્યો : "તું સુખી છે?"

"કેમ?" ઓરતે ગુજરાતી વેણ સાંભળીને ત્રાઠી હરણીની પેઠે કાન ઊંચા કર્યાં.

"એક આદમીએ પૂછાવ્યું છે."

"બાપુ!" સ્ત્રીએ પોતાની મોટી આંખોનાં ભવાં ચડાવ્યાં : "તમે જોગી છો, કે દલાલ છો કોઈના?"

"હું સિપાઈ છું." એટલું કહેતાં ફકીરે પૂરાં હોડ ઉઘાડ્યા, ને બત્રીસે દાંતની હાર એ બોખા મોં માં ડોકિયાં કરી ઊઠી. ગલોફાના ખાડા ઓચિંતી કોઈ સરવાણી ફૂટી હોય તેમ ઉપસી આવ્યા, ને ભાવરણી ચમકે તે પહેલાં તો એણે કહ્યું : "સિપાઈ છું, ને સિપાઈ બચ્ચાનો સંદેશ પૂછવા આવેલ છું - એવો સિપાઇ બચ્ચો, જેનું કલેજું ચિરાય છે ને જેણે પોતાનું સત્યાનાશ કરનારને પણ માફી બક્ષી છે."

ઝુલેખા નરમ પડી. એનું મોં ભોંઠામણના ભારે ફિક્કું પડ્યું. એની સૂરત લોહી વિનાની થઇ પડી.

ફકીરે મક્કમ સૂરે કહ્યું : "તને ભોળવવા નથી આવ્યો. તારો છાંટોય લેવા એ તૈયાર નથી. પણ એને જાણવું હતું - મુખોમુખ જાણવું હતું - કે તું સુખી છો કે નહિ?"

"એ બાયલો મને પુછાવે છે?" ઝુલેખાએ તુચ્છકારભર્યું હાસ્ય કર્યું.

"બાયલો! તમને માફી આપનાર બાયલો કે?"

"સાંઇસાબ!" ભાવરાણીએ ઠેકડી કરી: "તમે ક્યાંથી સમજી શકો એ મરમ? હું તો વાટ જોતી'તી કે ભાવર મને ને દરબારને - બેયને બંદૂકે દેશે; પણ હું તો નાહકની એ નામર્દની વાટ જોતી'તી."

ફકીર ચૂપ થયો.

"એને કેમ છે? - એ દિલાવરીના દાતારને?" ઓરતે મર્માઘાતો ચાલુ જ રાખ્યા. પણ ઝુલેખાનો અવાજ હવે જૂના જામેલા તંબૂરાના તારોની પેઠે જરીક ધ્રુજારી ખાવા લાગ્યો.

"તેની તને હવે શી નિસ્બત છે?"

"અને, મારાં સુખદુઃખ પુછાવીને એ શું કરશે?"

"સુખી સાંભળીને સળગી જશે; ને દુઃખી જાણશે તો દરબારને ગૂડી નાખી તને છૂટી કરશે."

"સાંઇબાપુ, એને ફકીરી જ વધુ શોભશે. એણે કાંટિયા વરણને લજવ્યું છે."

"એને હું સિપાઇ બનાવીશ."

"સિપાઈ! હા! હા!" કહીને ઓરતે નિસાસો નાખ્યો. એ નિઃશ્વાસનો અવાજ કોઇ ઓરિયાની ખાડના ધસી પડતા ગંજાવર થરના પછડાટ જેવો બોદો હતો.

"કહેજો એને - કે સુખદુઃખના હિસાબ હવે નથી રહ્યા; કડવામીઠાનો સ્વાદ જ હારી ગઈ છું."

"શાબાશ!" કહીને ફકીરવેશધારી ઊઠ્યો. "હવે હું રજા લઈશ, દીકરી!"

ફકીર તરીકે બનાવટીય નક્કી થઈ ચૂકેલો છતાં આ આદમી "દીકરી" જેવા નિર્મળ લાડ-શબ્દે બોલાવે છે, તેનું શું કારણ હશે?

"તમે કોણ છો?"

"તારા નવા ચૂડલાનો કાળ છું."

"હેં!!!" ઝુલેખાના મોંમાંથી શ્વાસ નીકળી ગયો.

"ચૂપદીદી રાખજે." ફકીરે નાક પર આંગળી મૂકી. "મારી પછવાડે આખી શહેનશાહત છે. મારું રૂંવાડુંય ખાંડું થયે તારો દરબાર માંડલેના કાળાં પાણી સુધી પણ નહિ પહોંચે. રાઈ-રાઈ જેવડા એના ટુકડા વહેંચાઈ જશે."

એમ બોલીને ફકીરે પાછા હોઠ લાંબા કર્યા, આંખોના પડદા ઢીલા મૂકી દીધા. કમરથી ઉપરનો ભાગ ઝુકાવીને એ ચાલતો થયો.

ઝુલેખા ઊંચી પરસાળની એક થાંભલી જોડે, એ થાંભલીના લાકડામાંથી કોતરામણ કરી કાઢેલી પૂતળી હોય તેવી ઊભી થઈ રહી, ને એના ચીસ પાડવા આતુર મનને કોઈ ચેતાવતું રહ્યું : 'મારી પછવાડે આખી શહેનશાહત છે!'

'મારી પછવાડે આખી શહેનશાહત છે!' એવી ખુમારી જન્મ પામ્યાનો એ જમાનો હતો. પ્રથમ પહેલા સરકારી પોલીસની નોકરીમાં જોડાનારા બ્રાહ્મણ-વાણિયાઓને એ ખુમારી ગોરા અધિકારીઓએ આપી હતી. નાનાં - મોટાં રજવાડાંની જ વસતીમાંથી પેદા થયેલા આ નવા અમલદારોએ જીવનમાં પહેલી જ વાર આ ઠકરાતોના ઠાકોરો તાલુકદારોને 'અન્નદાતા' શબ્દ કહેવો બંધ કર્યો. એજન્સીની નોકરી કરનાર અનેકના હ્રદયમાં એક જ પ્રકારની ઉમેદ જાગી કે ફલાણા ફલાના દરબારને ક્યારે હાથક્ડી પહેરાવીએ!

રાજકોટના સિવિલ સ્ટેશનમાં શહેરની નોકરી કરનાર સહુ કોઈ સિપાઈને ખબર પડી કે પોતાનો એક હાથ ઊંચો થયે જામ, બાબી કે જાડેજા નરેશોની આઠ-આઠ ઘોડાળી ગાડીઓને ખડી થઈ રહેવું પડે છે. રાતની રૉન (રાઉન્ડ) ના 'હૉલ્ટ, હુ કમસ્જ ધૅર'નો પ્રત્યેક પડકારો મોટા ચમરબંધીને મોંએથી પણ 'રૈયત!' કહેવરાવનારો બની ગયો. અને જ્યુબિલી બાગના હૉલમાં એક દિવસ ગવર્નર સાહેબનો દરબાર હતો તે દિવસે મુકરર કરેલ વખતથી એક મિનિટ પણ મોડા આવનાર દરબારની ગાડીને ન પેસવા દેવી એવો હુકમ લઇ ઊભેલા એક પોલીસે દાજીગઢના ઠાકોર સાહેબની ગાડી પાછી વાળી હતી. સપાઇ-બેડાનાં નાનાં-નાનાં છોકરાં થાણે થાણે આવી વીરકથાઓ રટતાં, ને આ જાતની ખુમારીમાં ઊછરતા એ ખુમારીનો લલચાવ્યો જ વઢવાણ-લીંબડીનો બ્રાહ્મણ જુવાન, ધારી-અમરેલીનો વેપારી વાણિયો, કે હરકોઈ ગામડાનો કાંટિયો જુવાન રાજકોટની સડકે ચાલી નીકળતો, સોળ શેરની બંદૂક ખભા પર ઉઠાવતો, શરીર કસતો, પરેડ શીખવનાર સૂબેદારના ઠોંસાને પણ વહાલા ગણી જ્યુબિલીને દરવાજે કોઇક વાર- કોઇક ગવર્નરની સવારી વખતે - કોઈક એકાદ ઠાકોરની ગાડી પાછી કાઢવાના સ્વપ્નાં સેવતો. લશ્કરી તૉર પેદા થયાનો એ જમાનો હતો. એ જમાનાએ કાંટિયા તેમ જ બ્રાહ્મણ-વાણિયાના ભેદ જ ભાંગી નાખ્યા.

એ જમાનાનો પ્યાલો પીનાર મહીપતરામે વડલા-મેડીના ઝાડવાંને વટાવી જઇ રાતના બીજા પહોરે એક નાના ગામડાની અંદર એક ઘર ઊઘડાવ્યું. ફકીરનો વેશ ઉતારી પોતાના કપડાં ચડાવ્યા. ભાવર જુવાન નીચે બેસીને મહીપતરામના પગની પિંડીઓ ઉપર કાળા 'બાંડિસ' (બેન્ડેજ) લપેટી રહ્યો હતો, ને મહીપતરામ ઝુલેખાના શા સમાચાર લાવ્યા છે તે જાણવા તલપાપડ થઇ રહ્યો હતો.

મહીપતરામે પૂછ્યું : "અલ્યા, તારા વંશમાં કોઇ પીર ઓલિયો પાકેલો ખરો કે?"

"હા જી; મારો દાદો ભરજુવાનીમાં કફની ચડાવી ચાલી નીકળેલા." જુવાન ભાવરે છાતી ફુલાવીને જવાબ દીધો.

"શા કારણે?"

"મારી દાદીની જુવાનીમાં એક ભૂલ થઈ ગયેલી તેને કારણે."

"હવે હું સમજી શક્યો."

"શું સાહેબ?"

"આજની મારી હાર."

"હાર? કોનાથી?"

"તારી રાંડથી."

"શી રીતે?"

"મેં તારી સિપઈગીરી ને દિલાવરી ગાઇ. એણે તને 'બાયલો' કહ્યો."

ભાવરે નિઃશ્વાસ નાખ્યો. મહીપતરામે કહ્યું : "ને મનેય હવે ઘડ્ય બેસે છે."

"શાની?"

"તને ઝનૂન ન ચડ્યું તે વાતની."

ભાવર ભય પામ્યો. એના દિલના ઊંડા ઊંડા કૂવાને કાંઠે ઊભીને મહીપતરામ જાણે પાણી પારખતા હતા.

"ને એને હવે સુખદુઃખની લાગણી નથી રહી. દરબારના દીકરીઓને કેળવે છે, ને હિંદુનાં શાસ્ત્રો સાંભળે છે. એની ચિંતા કરીશ મા. ને હવે કોઇક મીરાં-દાતાર જગ્યાએ ચાલ્યો જજે."

"દરબારને દીઠા?"

"ના; હાથક્ડી લઇને જઇશ ત્યારે જોઇ લઈશ."

" આ કાળી નાગણથી ચેતજો."

"એની દાઢ તો મેં નિચોવી લીધી છે."

ઘોડીએ ચડીને ચાલી નીકળેલા મહીપતરામના મનમાં એક વાતનો વલોપાત રહી ગયો : સાળું, ઝુલેખાને એટલું સંભાળવું રહી ગયું કે, 'તારા દરબારને પહેરેલ હાથકડીએ ભદ્રાપુરની બજાર સોંસરો કાઢું તો તો કહેજે કે બ્રાહ્મણ હતો; નીક તને પાલવે તે કહેજે.

ઘણાં માણસોને આવા વસવસા રહી જાય છે - કહેવું હોય તે ન કહી શકાયાના.