લખાણ પર જાઓ

હિંદ સ્વરાજ/૭. હિંદુસ્તાન કેમ ગયું?

વિકિસ્રોતમાંથી
← ૬. સુધારાનું દર્શન હિંદ સ્વરાજ
૭. હિંદુસ્તાન કેમ ગયું?
મોહનદાસ કરમચંદ ગાંધી
૮. હિંદુસ્તાનની દશા →




૭.
હિંદુસ્તાન કેમ ગયું?


वाचक : તમે સુધારાને વિશે તો બહુ બોલ્યા : મને વિચારમાં નાખી દીધો. હવે મારે યુરોપની પ્રજા પાસેથી શું લેવું ને શું ન લેવું ને શું ન લેવું એ સંકટ આવી પડ્યું, પણ મને એક સવાલ તો તરત ઊગી આવે છે. સુધારો એ કુધારો છે, એ રોગ છે, તો અંગ્રેજ આવા સુધારામાં પડેલા તે હિંદ કેમ લઈ શક્યા? તેમાં કેમ રહી શકે? अधिपति : તમારા આ સવાલનો જવાબ હવે કંઈક સહેલથી આપી શકાશે અને હવે આપણે સ્વરાજનો વિચાર પણ થોડી વારમાં કરી શકીશું. તમારા એ સવાલનો જવાબ મારે હજુ આપવાનો છે એ કંઈ ભૂલ્યો નથી. પણ તમારા છેલ્લા સવાલ ઉપર આપણે આવીએ. હિંદુસ્તાન અંગ્રેજે લીધું એમ નથી, પણ આપણે તેને દીધું છે. હિંદુસ્તાનમાં તેઓ પોતાના બળે નથી ટકી શક્યા, પણ આપણે તેઓને રાખ્યા છે. તે કેમ, એ જોઈએ. તમને યાદ આપું છું કે આપણા દેશમાં તેઓ અસલમાં વેપાર અર્થે આવ્યા. તમારી કંપની બહાદુરને યાદ કરો. તેને બહાદુર કોણે બનાવી? તેઓ બિચારા રાજ્ય કરવાનો ઇરાદો પણ નહોતા રાખતા. કંપનીના માણસોને મદદ કોણે કરી? તેઓનું રૂપ જોઈને કોણ મોહાઈ જતા? તેઓનો માલ કોણ વેચી આપતું? ઇતિહાસ પુરાવો આપે છે કે આપણે જ તે બધું કરતા. પૈસો જલદી મેળવવાના હેતુથી આપણે તેઓને વધાવી લેતા. આપણે તેઓને મદદ કરતા. મને ભાંગ પીવાની આદત હોય અને ભાંગ વેચનારો મને ભાંગ વેચે તેમાં મારે વેચનારનો વાંક કાઢવો કે મારો પોતાનો? વેચનારનો વાંક કાઢવાથી મારું વ્યસન કંઈ જવાનું છે? તે વેચનારને હાંકી કાઢીશું તો શું બીજા મને ભાંગ નહીં વેચે? હિંદુસ્તાનના ખરા સેવકે બરોબર શોધ કરી મૂળ તપાસવું પડશે. મને બહુ ખાવાથી અપચો થયો હશે તો હું પાણીનો દોષ કાઢી અપચો દૂર નહીં કરી શકું. તબીબ તો એ કે જે દરદનું મૂળ શોધે. તમે હિંદી રોગીના તબીબ થવા માગો છો તો તમારે દરદનું મૂળ શોધ્યે જ છૂટકો છે.

वाचक :

તમે ખરું બોલો છો. હવે તમારે મને સમજાવવાને દલીલ કરવાની જરૂર નહીં રહે. હું તમારા વિચાર જાણવા અધીરો બન્યો છું. આપણે હવે અત્યંત રસિક ભાગ ઉપર આવ્યા છીએ એટલે મને તમારા વિચારો જ વતાવો. મને તેમાં શંકા આવશે ત્યારે હું તમને અટકાવીશ.

अधिपति : બહુ સારું, પણ મને ધાસ્તી છે કે આગળ ચાલીશું ત્યારે વળી આપણને મતભેદ તો થશે જ. છતાં તમે અટકાવશો ત્યારે જ દલીલમાં ઊતરીશ. આપણે જોયું કે અંગ્રેજી વેપારીને આપણે ઉત્તેજન આપ્યું ત્યારે તેઓ પગપેસારો કરી શક્યા. તેમ જ જ્યારે આપણા રાજાઓ માંહોમાંહે લડ્યા ત્યારે તેઓએ કંપની બહાદુરની મદદ માગી. કંપની બહાદુર વેપારમાં ને લડાઈના કામમાં કુશળ હતી. તેમાં તેને નીતિ-અનીતિની નડતર ન હતી. વેપાર વધારવો ને પૈસા કમાવા એ તેનો ધંધો હતો. તેમાં જ્યારે આપણે મદદ આપી ત્યારે તેણે મદદ લીધી ને પોતાની કોઠીઓ વધારી. કોઠીઓનો બચાવ કરવા તેણે લશ્કર રાખ્યું. તે લશ્કરનો આપણે ઉપયોગ કર્યો, ને હવે તેની ઉપર દોષ રાખીએ તે નકામું છે. આ વખતે હિંદુ-મુસલમાન વચ્ચે વેર પણ ચાલતું હતું. તેમાં કંપનીને લાગ મળ્યો. આમ બધી રીતે કંપનીનો કાબૂ હિંદુસ્તાનમાં જામે તેવું આપણે તેને સારુ કર્યું. એટલે આપણે હિંદુસ્તાન અંગ્રેજને આપ્યું એમ કહેવું એ હિંદુસ્તાન ગયું એમ કહેવા કરતાં વધારે સાચું છે.

वाचक :

હવે અંગ્રેજો હિંદુસ્તાન કેમ રાખી શકે છે એ કહો.

अधिपति :

જેમ આપણે તેઓને આપ્યું તેમ આપણે હિંદુસ્તાન તેઓની પાસે રહેવા દઈએ છીએ. તેઓએ હિંદુસ્તાન તલવારથી લીધું એમ તેઓમાંના કેટલાક કહે છે, અને તલવારથી રાખે છે એમ પણ કહે છે. આ બંને વાત ગલત છે. હિંદુસ્તાનને રાખવામાં તલવાર કંઈ જ કામ આવે એમ નથી; આપણે જ તેઓને રહેવા દઈએ છીએ.

નેપોલિયને અંગ્રેજોને વેપારી પ્રજા કહી છે એ તદ્દન વાજબી વાત છે. તેઓ જે દેશને રાખે છે તે દેશ વેપારને અર્થે રાખે છે એ જાણવા જેવું છે. તેઓનાં લશ્કર કે કાફલા માત્ર વેપારની રક્ષા કરવા અર્થે છે. જ્યારે ટ્રાન્સવાલમાં વેપાર નહોતો ત્યારે મિ. ગ્લૅડસ્ટનને તરત સૂઝી આવ્યું કે ટ્રાન્સવાલને અંગ્રેજોએ નહીં રાખવું જોઈએ. જ્યારે ટ્રાન્સવાલમાં વેપાર જોયો ત્યારે તેની સાથે લડાઈ કરી અને મિ. ચેમ્બરલેને શોધી કાઢ્યું કે ટ્રાન્સવાલની ઉપર અંગ્રેજની હકુમત છે. મરહૂમ પ્રેસિડન્ટ ક્રૂગરને કોઈએ સવાલ પૂછ્યો : 'ચાંદમાં સોનું છે કે નહીં?' તેણે જવાબ આપ્યો કે, 'ચાંદમાં સોનું હોવાનો સંભવ નથી; કેમ કે જો હોત તો અંગ્રેજો તેને પોતાના રાજ્ય સાથે જોડી દેત.' તેઓનો પરમેશ્વર પૈસો છે, એ ધ્યાનમાં રાખવાથી બધા ખુલાસા થઈ શકશે.

ત્યારે અંગ્રેજોને આપણે હિંદુસ્તાનમાં રાખીએ છીએ તે માત્ર આપણી ગરજે. આપણને તેઓનો વેપાર પસંદ આવે છે. તેઓ કાવાદાવા કરી આપણને રીઝવે છે ને રીઝવીને આપણી પાસેથી કામ લે છે. તેમાં આપણે તેઓનો દોષ કાઢવો એ તેઓની સત્તા નિભાવવા જેવું છે. આમાં વળી આપણે માંહોમાંહે તકરાર કરી તેઓને વધારે ઉત્તેજન આપીએ છીએ.

જો તમે ઉપરની વાત બરાબર માનો તો આપણે સાબિત કર્યું કે અંગ્રેજો વેપારને અર્થે આવ્યા, વેપારને અર્થે રહે છે, ને તેઓને રાખવામાં આપણે જ મદદગાર છીએ. તેઓનાં હથિયાર તે તદ્દન નકામાં છે.

આ પ્રસંગે તમને હું યાદ આપું છું કે જાપાનમાં અંગ્રેજી વાવટો ઊડે છે એમ તમે માનજો. જાપાનની સાથે અંગ્રેજે કરાર કર્યો છે તે તેના વેપારને સારુ; અને જાપાનમાં તમે જોશો કે અંગ્રેજો પોતાનો વેપાર ખૂબ જમાવશે. અંગ્રેજ પોતાના માલને સારુ દુનિયાને પોતાની બજાર બનાવવા માગે છે. આમ નહીં કરી શકે એ બરોબર છે. તેમાં કંઈ તેઓનો વાંક નહીં ગણાય. તેઓ પોતાની મહેનતમાં કચાશ રાખવાના નથી.