લખાણ પર જાઓ

અખેગીતા/કડવું ૧૩ મું - જીવન્મુક્તની દશા - ૧

વિકિસ્રોતમાંથી
← કડવું ૧૨મું - સર્વાત્મભાવ જ્ઞાનતુર્ય પદ અખેગીતા
કડવું ૧૩ મું - જીવન્મુકતની દશા - ૧
અખો
કડવું ૧૪ મું - જીવન્મુકતની દશા - ૨ →


કડવું ૧૩ મું - જીવન્મુક્તની દશા - ૧


રાગ ધન્યાશ્રી

જે નર સમજ્યા તેણેએમલહ્યુંજી, આપવિષેથી [] આપોપું ગયુંજી;
બ્રહ્મઅગ્નિમાં દ્વૈત સર્વે દહ્યુંજી, મરમ સમજ્યાથી હતું તેમ થયુંજી []

પૂર્વછાયા

થયું જેમ તેમ હુતું આગે, જાણણહારો [] જાણિયો;
જે ૐકારની આદ્ય [] હતો, વળી વેદ પુરાણે વખાણિયો. ૧

ક્યારે દેખે ધ્યેય [] ને ધ્યાતા [], ક્યારે ધ્યેય રહેને ધ્યાતા ટલે;
તટ્સ્થ ઉપનું જ્ઞાન જેહને, એમ સુરત [] ચલે વલે. ૨

ક્યારે ઇંદ્રિ-આરામ [] વસ્તે, ક્યારે [] વર્તવોણી સુર્ત્ય [૧૦] છે;
તટસ્થકેરું [૧૧] એજ લક્ષણ, જ્ઞાનકેરી તે મૂર્ત્ય [૧૨] છે. ૩

જીવનમુકત તેહજ કહાવે, જેહને એહ વૃત્તિ ઉપની;
આકાશવત્ તે રહે સદા, ક્યારેક સ્થિતિ તે રૂપની. ૪

જેમ મહાજલમાંહિલો મકર મોટો, [૧૩]અંબુ-મધ્ય આઘો રહે;
ઊંચો આવી અલ્પ વરતે, વળિ મહાનિધિ [૧૪] જાતો રહે. ૫

જીવન્ મુક્ત યોગીશ્વર, એમ વર્તે દેહવિષે;
જેમ નાગને અંગ જરા [૧૫] પાકી, અળગી થઇ રહી [૧૬]નખશીખે. ૬

તે ચલણ-વલણ કરે ખરી, પણ અંગથી એકતા ટલી;
તેમ જીવન્ મુક્તને દેહ જાણો, જે, [૧૭]ભુયંગને કાંચળી. ૭

ઉપની તે સહજમાંહે, અન્ આયાસે અંગથી;
જ્યારે [૧૮]વીરમીને થયો વેગળો, ત્યારે ભિન્ન દીઠી ભૂજંગથી. ૮

એમ જીવન્ મુકત જાણજો, ભાઇ દેહનો સંગ;
છે ને છે ને નથી સરખી, જેમ દ્રષ્ટાન્ત ફણંગ[૧૯]. ૯

કહે અખો સહુકો સુણો, એમ જાણો જીવનમુક્તને;
એ દશાને હીંડો પામવા, તો સેવો હરિ–ગુરુ–સંતને. ૧૦


  1. હુંપણું
  2. પ્રથમ બ્રહ્મસ્વરૂપ હતું તેમ થયું.
  3. જાણનાર
  4. પ્રથમ
  5. ધ્યાન કરવા યોગ્ય વસ્તુ-બ્રહ્મ
  6. ધ્યાન કરનાર
  7. મનોવૃત્તિ
  8. ઇંદ્રિયોમાં પ્રીતિવાળી
  9. બાહ્ય વૃત્તિવિના
  10. આત્માકારવૃત્તિ
  11. બ્રહ્મ તથા સંસારને જાણનાર જ્ઞાનીનું
  12. મૂર્તિ
  13. પાણીમાં
  14. ઉંડા પાણીમાં
  15. વૃદ્ધાવસ્થા
  16. નખથી શિખા સુધી-મુખથી પૂછડી સુધી
  17. સાપને
  18. મૂકી દઈને
  19. સાપ