લખાણ પર જાઓ

અખેગીતા/કડવું ૭ મું - માયાથી બ્રહ્માંડની ઉત્પત્તિ

વિકિસ્રોતમાંથી
←  કડવું ૬ ઠું - માયાથી જીવને સંસારબંધન અખેગીતા
કડવુ ૭ મું - માયાથી બ્રહ્માંડની ઉત્પત્તિ
અખો
કડવું ૮ મું - માયાથી ઉત્પત્તિ ને નાશ →


કડવું ૭ મું - માયાથી બ્રહ્માંડની ઉત્પત્તિ

રાગ ધન્યાશ્રી

માયા મોટી જગમાંહે નટીજી[],
તે આગળ કોઇન શકે ખટીજી[];
હરિહર અજથી આગલ વટીજી[],
સમઝી ન જાયે એવી માયા અટપટીજી. ૧

પૂર્વછાયા

સમઝી ન જાયે એવી માયા, દીસે નહી ને બલવતી;
ચૌદ લોકની આદિ માતા,ૐકારથી પહેલી હતી. ૧

ત્રિગુણ પહેલી શૂન્ય-સ્વામિની[], તેણેં ગુણ જનમી ઉભા કર્યા;
પછે જનની થૈ યોષિતા[], બલ પોષિ પોતે વર્યા. ૨

ચિદ્દ્‍શક્તિ[] ચતુરા ચરાચર, ગુણસાથે ભજે વલી;
દેવ દાનવ નાગ માનવ, રમે રમાડે એકલી. ૩

ઉર્ણનાભ[] જેમ ઊર્ણા[] મૂકી, તે મૂકીને પાછી ભખે;
તેમ માયા ચિદ્દ્‍શક્તિ માટે. મોહોટું સામર્થ્ય એ વિષે. ૪

ત્રિગુણ થઇ ચોવીશ રૂપેં, તેહનો ભેદ કહૂં કથી;
જ્યમ જલ જમાય[] શીતયોગે, તેહને જડતા પ્રગટે માહેંથી, ૫

સત્ત્વ રજ તમ રૂપે થઇ માયા, પછે એકેએકના બહુ થયા;
પંચભૂત ને પંચમાત્રા[૧૦], તામસના નિપજી રહ્યા. ૬

રાજસનાં ઇંદ્રિ દશે, અને દશે તેના દેવતા;
ઇંદ્રિયે ઇંદ્રિયે તે વશ્યા, આપ આપણું સ્થલ સેવતા. ૭

મન બુધ્ધિ ચિત્ત અહંકાર જે, તે સત્ત્વગુણ્થી ઉપના;
એ સૃષ્ટિનાં ચિવિશ કારણ, માયા-સમલિત[૧૧] રૂપના. ૮

પ્રકૃતિ તે પંચવીશમી, પરિવાર સર્વ તેહેનો કહ્યો;
પણ છવીશમો પરમાતમા, તે યથારથ જ્યમ-ત્યમ [૧૨] રહ્યો ૯

કહે અખો સહુ કો સુણો, એ કહ્યું છે ધીમંતને[૧૩];
એ સમઝે તો કામ સરે નરનું, જો સેવો હરિ-ગુરુ-સંતને. ૧૦


  1. નાચ કરનારી
  2. જય પામી શકે
  3. ગઇ છે
  4. માયા
  5. સ્ત્રી
  6. ચૈતન્યની શક્તિ
  7. કરોળીઓ
  8. લાળ
  9. જામી જાય
  10. શબદાદિ પાંચ તન્માત્રા
  11. માયાથી મળેલા
  12. જેમનો તેમ - સર્વદા એકરૂપ
  13. બુધ્ધિમાનને