કલાપીનો કેકારવ/હમીરજી ગોહેલ/સર્ગ-૨ નિમન્ત્રણ
← હમીરજી ગોહેલ:સર્ગ-૧ તારામૈત્રક | કલાપીનો કેકારવ હમીરજી ગોહેલઃ સર્ગ - ૨ નિમન્ત્રણ કલાપી |
હમીરજી ગોહેલ:સર્ગ-૩ મિજબાની → |
સર્ગ - ૨
નિમન્ત્રણ
જે વૃત્તિ - ચિનગી સદા પ્રણયમાં દાવા બની મ્હાલતી,
જેની જ્યોતિ અનેક રંગ પલટી લાલી પ્રસારી રહી;
જેની ઉજ્જવલતા યથાર્થ સઘળે સંબંધ જોડી વહે,
તે વૃત્તિ - ચિનગી તણી મધુરતા આ બીન ગાતું રહે!
***
ચાલતા સૈન્યને આજે ત્યાંનું ત્યાં ફરી રોકાવા,
દુઃખી કૈં મિત્ર યોધ્ધાનો ગયેલો છે પડાવમાં.
અકારણે જે ઉરને ગમેલી,
હૈયા તણા તખ્ત પરે રહેલી,
તે મૂર્તિમાં મગ્ન હમીર થાતો,
બને ફરી સુન્દરનો ચિતારો.
તે નેત્રને તે મુખની સુરેષા,
ભાવો સહુ જે હૃદયે ઘડેલા,
પ્રત્યેક તે છાપ ઊઠી રહી ઉરે,
પ્રત્યેકમાં સાધી રહ્યો સમાધિ.
વૃક્ષો, લતા, પુષ્પ,સમીર,વારિ,
વિશાલ ભૂરૂં નભ જે ઝુમી રહ્યું,
આ વિશ્વ આખું બનતું પ્રવાહી,
સ્વીકારવા છાપ ઉદાર સર્વ તે.
બ્રહ્માંડ પ્રેમી નિરખે પ્રિય વસ્તુ માંહી,
બ્રહ્માંડહર્મ્ય તણી એક જ પ્રેમ ચાવી;
તાળું ઊંડા ઉરનું એક જ ખોલતામાં
ભાગોળ વિશ્વતણી સૌ જ તૂટી પડે છે.
પૂરો વિશ્વ તણો મહાન રસ કો જે નેત્ર પામી શક્યાં,
તેને વિશ્વ તણા સહુ ય રસમાં છૂટી સદા મ્હાલવા;
જે હૈયે સઘળું ય વીરરસમાં રેડ્યું હતું રક્તને,
તેને આ કરુણા તણા જલધિને જાવું તળે સહેલ છે.
સફલ ઘડીઓ આવી કિન્તુ અનેક ન સાંપડે,
અમર બનવા આવું પૂરું સુધા ન મળી શકે;
તરુણ પ્રણયી! ત્હારે માટે હજો જરી દીર્ઘતા,
તુજ હૃદયમાં આવી લ્હેરી ધરો સ્થિરતા જરા.
પરંતુ કોણ છે ઊભું સામે ટેકરી ઉપરે?
આકૃતિ દૂરની એ કૈં જૂદા ભાવ ઉરે ધરે.
પાષાણની કોઇ શિલા પડી ત્યાં,
પાસે પડ્યા કંટક થોરના છે;
અહીં તહીં પિંજર હાડકાનાં -
પડી રહ્યાં કૈંક પશુ તણાં છે.
વૃક્ષો પરે લાલ ત્રિશૂલ ભાસે,
સિન્દૂરનાં સર્પ દિસે વળી કૈં;
નીચે સૂકાં ખેતરના પથારા,
કને જ મ્હોટો પટ ક્ષાર ભૂમિનો.
કરે ત્યાં ડોકિયાં છાનું ક્યારનું મુખ શ્યામ તે,
અને એ લાલ આંખો કૈં અંગારા સરખી ઝગે.
લાંબી સિસોટી તહીંથી સુણાતી,
સામી સિસોટી દૂરથી ય થાતી;
પક્ષી ય સૌ ચૂપ થતાં ઘડીક,
વાયુ વહે છે ફરી શાન્ત શાન્ત.
સમળી કોઇ ત્યાં ઊડે લાંબી ચીસ કરી કરી,
લાગતાં તીર પાંખે કો સામા તીર પરે પડી.
સરસ શુકન જોઇ આદમી તે હસે છે,
નયન કરી ઇશારો કોઇને તે બતાવે;
કુદરત પણ એથી લાજતી કૈં દિસે છે,
રવિ ઉપર છવાતી વાદળી એક કાળી.
સરરર સૂસવે છે એક બીજી સિસોટી,
ખળભળી તહીં ઊઠે ભીલની એક ટોળી;
ઝળહળ ઝળકંતા તીરનાં કૈં ફળાઓ,
સરતટ પર ચારે બાજૂથી દોડી આવે!
શું વાદળીના કટકા થઇને,
ઉપાડતા વિદ્યુત દોડી આવે!
પાષાણ વા આ ગિરિશૃંગના સૌ,
વર્ષાવતા હિમનું ઝાપટું શું?
દોડતા આવતા ભીલો વીંટી લેઇ હમીરને,
બોલતા બૂમ પાડીને 'મૂકી દે હથિયારને.'
જે લોકો પશુઓ શરીરબલને પ્રાધાન્ય આપી જીવે -
જેઓ આજીવિકા મહીં જ સઘળું આ ઝિંદગીનું ગણે -
પોતાનું સ્થૂલ પોષતાં હૃદય જે પોષ્યું ગણે વિશ્વને -
ઢાંકી સ્વાર્થ વડે સદા નયનને જે આયુ પૂરું કરે! -
તેઓ રાક્ષસ અન્યનું જ ઝુંટવી ખાતાં સદા રીઝતા,
પોતાના વ્યવહારની સફલતા તેમાં જ તે માનતા,
તેનાં આજીવિકા મહીં જ નયનો પૂરાં શકે છે ઠરી,
તે ઉચ્છિષ્ટ પદાર્થને જ પ્રથમે તે આંખ નિહાળતી.
ભાવો અન્ય મહીં કદી નયન એ ના ના ઉડે આંધળાં,
એવા પામર જીવડા જગત આ જોઇ કદી ના શક્યા;
નીતિમાર્ગ ત્યજી રહે હૃદય એ આજીવિકા પામવા,
તેની પ્રાપ્તિ પછી સદા ય સહજે નીતિ ય તે પાળતા.
તેને જીવિત રક્ષવાથી અધિકી ના ના અપેક્ષા કશી,
તેથી કાર્ય પરાર્થનાં ચલવવા પામ્યા બલે કૈં નથી;
નિન્દા વા સ્તુતિથી ય તે હૃદયના તારો નહીં કમ્પતા,
ઓહો! આ અસુરો હજુ જડ થકી થોડા જ કૈં છે વધ્યા.
જ્યારે આ જડનાં કઠિન પશુઓ ઘેરાઇ જાતાં કદી -
જ્યારે શૌર્ય તણા મહાન કરમાં આવી જતાં કોઇ દી -
ત્યારે તે શકતાં સમાન બલને નાસી જતાં દાખવી,
સ્ત્રી પાસે નિજ એ પરાક્રમ તણી શ્લાઘા કરે છે વળી.
તેઓના દઢ શ્યામ સૌ અવયવે એ સ્થૂલ લોહી વહે,
તેનાં બાલક કૈંક દીર્ઘ યુગથી એ રક્ત પામ્યાં કરે;
તેની દેવી ય માંસ ને રુધિરમાં તૃપ્તિ સદા માનતી,
જેને એ તલવાર બાલક તણું લોહી કુણું હોમતી.
ક્ષત્રી ઉભો આ રણવીર આંહીં,
નેત્રો ઠરી ત્યાં મુજ જાય છે કૈં;
ન તાર તૂટ્યો હજી પ્રેમનો છે,
હજી ય ખડ્ગે કર એ ઠર્યો છે.
કો ધૈર્યના ઉગ્ર મહાન સિન્ધુ,
શાન્તિ તણા કો દઢ પ્હાડ મેરૂ,
વા હર્ષના કો સ્થિર કેન્દ્ર જેવું,
હૈયું દિસે કૈં યુગથી ઘડેલું.
એ વૃત્તિને ધારી રહેલ અંગો,
એ ભાવને દાખવતાં દિસે છે;
એ ધૈર્ય એનું સ્મિત એ હસે કૈં,
વીરત્વમાં વીર દિસે તરંતો.
ક્ષત્રિત્વને જીવન માનનારૂં -
પરાર્થમાં ખડગ ઉપાડનારૂં -
બ્રહ્માંડનો વિક્રમ ધારનારૂં -
નસેનસે રક્ત વહી રહ્યું છે.
જે વિષ્ણુના બાહુ થકી વહેલું -
ઉદાત્તવૃત્તિ ગૃહી ઊતરેલું -
જેને સુધા ચંદ્ર થકી મળેલું -
તે રક્તનું ભૂષણ આ દિસે કો.
આ સિંહ જે જાતિથી ઉતરેલો,
જે ભવ્યતામાં જ સદા વસેલો,
તેમાં ય જૂદો જ કંઈ વટીલો,
પિછાન તે આકૃતિ સર્વ આપે.
તે અંગનાં ભૂષણ શસ્ત્ર સર્વે,
તે કન્યકાના ઉરમાં વસ્યાં છે -
આ ભીલની લાલચ કૈં બન્યાં છે,
આશ્ચર્ય કે કઈં જ નવું નહીં એ.
સૌ ભિન્ન વૃત્તિ - સહુ ભિન્ન દ્ષ્ટિ -
ઊંચા નીચા કૈંક અનેક હેતુ -
બ્રહ્માંડના ચક્રની ભિન્નતાને
સૌન્દર્યનો મોહ સમાન કાંઈ.
સાંભળી બોલ એ તીખો 'મૂકી દે હથિયારને' -
ફરી કૈં જાય છે જૂદું લોહી એ મુખ ઉપરે.
એ જાય હસ્ત ઉછળી નિજ ખડ્ગમૂઠે,
એ વીજળી ધગધગી ફુફવાટ દે છે;
એ ખડ્ગબિંબ ધ્રુજતા જલમાં છવાતાં,
અંગારથી ધખધખ્યું સર એ દિસે છે.
શું આજ ક્ષત્રિ પર પામર આમ ફાવ્યા?
શું એક સિંહ પર વાનર લાખ ફાવ્યા?
એ યોધનું વદન એ જ વિચાર બોલે,
એ યોધનાં નયન એ જ હસી રહ્યાં છે.
વીરત્વથી પુલકતાં સહુ અંગ અંગો,
એ ખેલવા રમત તત્પર હર્ષ સાથે;
જ્યાં જ્યાં પરાક્રમ તણો પ્રિય સાદ થાતો,
ત્યાં સજ્જ છે હૃદય વીર તણું સદા એ.
ક્ષણમાં રક્ત એ ઊનું હૈયામાં ધગતું હતું,
ક્ષણમાં શાન્ત જૂદું કૈં એ હૈયે દ્રવતું બન્યું.
અહો! એ કો જેણે નિજ હૃદયનું અર્પણ કર્યું,
હર્યું મીઠી લૂટે નિજ હૃદય જેણે પલક્માં
છબિ એ જાગે છે ફરી નયનને આર્દ્ર કરતી,
વહે પાછી લ્હેરી સદય અનિલે એ શઢ ભરી.
નિઃસ્વાર્થ ક્યાં હૃદયઅર્પણ એ રસીલું?
ક્યાં મોહનિ સભર એ દરિયાવ જેવી?
બાલાની એ રસિક ક્યાં ઉપકારવૃત્તિ?
ક્યાં ઉચ્ચ એ જિગરતખ્તની બાદશાહી?
આ ક્યાં શરીર પરનું ય લૂટી જનારા,
વિશ્વે સદા અધમ આમ જ ઘૂમનારા,
અન્ધાર આ જગતનિ હૃદયે પીનારા?
આવો વિરોધ નિરખી નયનો હસે એ.
ખુલ્લી થઇ ચમકતી અસિ હાસ્ય આપે
ને મ્યાન ખડ્ગ કરવા કર એ વળે છે,
છોડી દઇ કમરબન્ધ અને અસિને
વ્હાલું દરેક હથિયાર નીચે ધરે છે.
જેનો સ્વભાવ નવ પીઠ બતાવવાનો -
જેનો સ્વભાવ નવ શીષ નમાવવાનો -
તે પ્રેમથી હૃદય મીણ થઈ જઈ ને,
હા - નોતરે સહુ ય આયુધ લેઈ જાવા!
બાલાની મુગ્ધ રતિને ધરનાર હૈયે
જાદુઈ એ રસભરી છબીની સ્મૃતિમાં
જે દૃષ્ટિ છે સબલ સર્વ બચાવવાને
તે નોતરે સહુ ય આયુધ લેઇ જાવા!
જે ખડ્ગનો અસુર ત્રાસ ધરી ધ્રુજે છે -
જે ખડ્ગનો સુર સહુ ઉપકાર ગાતા -
તેનો જ બાલપણનો ત્યજી મિત્ર તેને
આજે કૃપા અવર યાચતી આ કરે છે!
જે આ પ્રવાસ તણી અર્પણની ઘડીમા
સંસારસંપદની પુણ્ય કૃતાર્થતા છે -
તેથી વિમુખ હતભાગી ઉરો નિહાળી
હૈયું મહાન હસતાં અનુકમ્પતું કૈં.
એ યોધનું હૃદય કૈં વહને પડ્યું છે,
એ મૂછ કાંઈ ફરકી હસવા ચડે છે;
ભીલો ભણી નયન શાન્ત રસાલ ચોટે,
ઉચ્ચાર કાંઇ કરતું મુખ એ દિસે છે -
'ઓહો! કો સદ્ભાગ્ય આજ તમને લાવ્યું ઉપાડી અહીં!
'ઓ ભોળા મુજ ભાઇઓ! હરખજો સૌ આજ ફાવી જઇ!
'ગોહેલો સુણવા કદી ય તમને ના ના પ્રસંગો મળ્યા!
'ક્ષત્રિના સમશેરને નિરખવા ના કાળ આ યોગ્ય વા!
'આજે કો ઇતિહાસનો દિવસ આ મ્હોટો તમે માનજો!
'ક્ષત્રિનાં હથિયાર આમ મળતાં ફૂલાઇ ના ના જજો;
'આવાં સાહસથી હવે જીવિતને દૂરે સદા રાખજો,
'ભોળા! લૂટ મહીં હવે અનુભવી કાંઇ વધારે થજો.
'અત્યારે તલવારથી રુધિરને ઇચ્છા નહીં ઢોળવા,
'કો પ્રાણી પર આજ કૈં ઉપડવા નારાજ છે હસ્ત આ;
'મ્હારા ખડ્ગ વતી જીવાડી શકું તો ઇચ્છા જ જીવાડવા,
'આ લોહી સઘળું ય ત્યાં હૃદય આ તૈયાર છે અર્પવા.
'આ હોમાઇ જતી જહાં પ્રતિ પળે મૃત્યુ તણા મ્હોં મહીં -
'તેને પોષણ આપવા અમર કો મીઠી વહે વીરડી;
'તેનું પાન કરી અહીં હૃદય આ અજે હતું મ્હાલતું,
'કોઇનેય બચાવવા મગજ આ વિચાર છે ઘોળતું.
'આ મ્હારી તલવાર, આ હૃદયનું વીરત્વ ને શૌર્ય આ,
'ને ક્ષત્રીવટના પરાક્રમ તણી ચાલી જતી નીક આ -
'એ સૌથી ઉર માત્રથી જગતને જે કો બચાવી શકે,
'તેમાં પૂર્ણ વિશેષ કાંઇ પ્રભુતા દૈવત્વ કાંઇ દિસે.
'ભાઇ! આ સમશેરથી નવીન કૈં શીખાય તો શીખજો,
'હા! તેના ઉપયોગમાં તમ ઉરો કાંઇ વિશાળાં થજો;
'ક્ષત્રિની પ્રિય જોગણી ગૃહ મહીં રાખી સદા પૂજજો,
'ને આ ખડ્ગ ઉપાડવા હૃદયથી કૈં કેળવાતા થજો.'
વેગડો ભીલનો રાજા આવે પાસ હમીરની,
વૃધ્ધ એ આકૃતિ ભાસે જૂદી કૈં સહુ ભીલથી.
મૂછો અને શીષ સહુ રૂપેરી
કૈં પ્રૌઢ, કૈં ગંભીર શાન્ત ભાસે;
તોફાન કૈંના મુખમાં લિસોટા,
વાતો કહે છે ગત ક્રૂરતાની.
છે કાળથી પાઠ કંઇક લીધો,
છે મૃત્યુમાં આંખ હવે ઠરેલી;
છે વૈર પ્યાલો બહુ યે પીધેલો,
પીવા હવે તે થઇ કૈં અરુચી.
તોફાનમાં સર્વ વીતેલ આયુ
વીતી ગયું સ્થૂલ જ પોષવામાં;
કાળે કર્યો છે કૈં પણ ઘસારો
હૈયા પરે કોમલતા તણો એ.
કૈં કાળથી ઝાલિમતા બજાવી,
નીકો કંઇ રક્ત તણી વહાવી;
જે કૈં કર્યું તે સહુ પૂર્ણ કીધું.
તૃપ્તિ તણું રાજ્ય દિસે લીધેલું.
સૌ ભિન્ન વૃત્તિ - સહુ ભિન્ન દૃષ્ટિ -
ઊંચી નીચી કૈંક ગતિ જનોની -
સંસારના ચક્રની ઉગ્રતાઓ
તૃપ્તિ પછી શાન્ત ઉદાર થાતી.
ટોળી તણું રાજ્ય ચલાવવાને
ધીમે ધીમે નાયક એ થયો'તો;
કૈં ઉચ્ચતાહીન સ્વભાવ કોઇ
સત્તાતણું તખ્ત સ્વીકારતું ના.
લૂંટે જ છે ઉત્કટ અંગ કીધાં,
લૂંટે જ અંગો દૃઢ છે રહેલાં;
ના કૈં હજુ રક્ત વિના રુચે છે,
લૂંટે હજુ તત્પર હસ્ત એ છે.
કિન્તુ બલે જે કંઇ પ્રાપ્ત થાતું
તેમા હતો એ સ્થિર ભાવ કીધો;
વિના પ્રયાસે મળતું હતું જે
કૈં ભાવ કે લોભ થતો ન તેમાં.
હતો વળી આશ્રમધારી કાંઈ,
વ્હાલાં હતાં એ ઉરને થયાં કો;
જે કૈં મળે આશ્રમને નિવાસે
આનન્દ તેને મળતો હતો તે.
પ્યારો હતો તે ઉરને અતિથિ
તેને સદા આદર આપતો તે,
એ વજ્ર હૈયું તહીં આર્દ્ર થાતું
ને આર્દ્રતા એ રુચતી હતી કૈં.
જે કોઇ તેના બલને સપાટે
સામે થઇ ટક્કર ઝીલતું'તું,
વા કોઇ તેને સપડાવતું'તું,
તેના ભણી માનની દૃષ્ટિ થાતી.
શોભાવતું જે હથિયાર તેને
ખાહેશથી તે કરતો અતિથિ;
સમાન ભાવો જરી સ્પર્શતામાં,
પ્રીતિતણી જાગ્રત જ્યોતિ થાતી.
જે શાન્તિથી દૃઢ તહીં રજપૂત ઊભો,
વીરત્વનો મુખ પરે સ્થિર વાસ જે છે;
જે ઉગ્ર શક્તિ રુધિરે વહતી દિસે છે,
તે વેગડો સહુ ય જોઇ શક્યો હતો કૈં.
પોતા સમા ઝપટના કરનાર સામે
જે બેતમાઈ મુખ દાખવતું હતું એ;
જે શૌર્ય, ધૈર્ય,હૃદયે ઝળકી ઉઠ્યાં'તાં,
તે નેત્ર એ સહુ ય જોઇ શક્યાં હતાં કૈં.
જે મિષ્ટ બોલ સ્મિતથી જ યુવાન બોલ્યો,
ઉત્કૃષ્ટતા હૃદયની સમજ્યો તહીં કૈં,
જે ભાવથી ખડગ ભૂમિ પરે ધર્યું'તું,
તેમાં શક્યો નિરખી એ ઉરનો પ્રભાવ.
માહાત્મ્ય જે નિજ કરે વસતું હતું, ને
જે મેળવી નિપુણતા બહુ વર્ષ વીત્યે;
તેને હતો ઉચિત કાળ નિરૂપવાને,
આ એકથી જ બલને અજમાવવામાં.
જ્યારે, પરન્તુ, હથિયાર ત્યજી ઉભો તે,
ને નોતર્યો ભૂષણ સર્વ ઉતારી લેવા;
તે તો પ્રસંગ તહીંથી જ રહ્યો હતો ના,
વીત્યો હતો સમય ખડ્ગ ઉપાડવાનો.
જેમાં હતું હૃદયશૌર્ય ભજાવવાનું,
હૈયે હતું નવીન જ્યાં કંઈ શીખવાનુ;
ભાસ્યાં સહુ ભૂષણ યત્ન વિના મળ્યાં તે,
એ લૂટમાં કશીય લિજ્જત ના રહી'તી.
'કો માનવીજીવન ખાતર પ્રેમ અર્થે
છે યોગ્ય રક્ત મહીં ખડ્ગ ઝબોળવાનું -
એવી જ એક દૃઢતા ઉઅપરે ઊભો જે,
તેને જ યોગ્ય સહુ એ હથિયાર ભાસ્યાં.
ભીલો તણો લૂટ મહીં સરદાર થાતાં,
ભાસ્યો થતો અતિથિને પણ લૂટનારો;
જે ઉચ્ચ સ્થાન ઉરથી વિહરી શકાયું,
ત્યાંથી ગમે ન પડવું કદિ કોઇને યે.
વળી જે આંખની મીટે ના ના ભીલ સહી શકે,
હસ્ત એ અંગની સામે શી રીતે ઉપડી શકે?
કાંઇ આર્દ્ર થતો હવે હૃદયથી એ ભીલ નીચે નમે,
લેઇ ભૂષણ,અસ્ત્રશસ્ત્ર સઘળાં દેતો ફરી યોધને;
જેને લેઇ જવા નિમંત્રણ હતું આભૂષણો સર્વ એ,
તે આમન્ત્રણ આપતો હમીરને થાવા અતિથિ ગૃહે.
'નહીં આજે મ્હારૂં પતિત ઘર શું પાવન થશે?
'પ્રવાસી આવાનું પૂજન કરી કાં ભીલ ન શકે?
'અહો શૂરા! આજે ઘટિત નવ આ સ્થાન તજવું,
'અમો આવાને યે ઘટિત નવ ઠેલી વહી જવું.
'દિવાળીના જેવો અમ નગરમાં ઉત્સવ થશે,
'અમારા ભીલોને રજપૂત તણાં દર્શન થશે;
'પ્રવાસીનો આંહીં જરૂર કંઈ થાકે ઉતરશે,
'વિસામા માટે એ ક્યમ ન મુજ ઘેરે અટકશે?
'હવે તો આજ મધ્યાહ્ને ધોમ આ તડકો ધખ્યો,
'આજ તો દૂર આંહીંથી જાવાનું નવ નામ લ્યો.'
સાનન્દઆશ્ચર્ય હમીર ઊભો,
એ ભીલના ભાવ નિહાળતો કૈં;
એ લૂટનારા પર આર્દ્ર હૈયું
સ્નેહે ભર્યું કાંઇ વહી રહ્યું છે.
તે ભીલને કાંઇ વિશેષ જોવા
ઔત્સુક્ય છે નેત્ર મહીં તરન્તું;
તે સ્થાનને કાંઈ વિશેષ જોવા
મોજું વહે છે હૃદયે કુદન્તું.
તે સિન્ધુમાં તે તરતી છબીલી,
મુક્તાભરી ઊઘડી છીપલી શી!
જ્યોત્સ્ના મહીં વિદ્યુતના પ્રકાશે,
તે યોધ પ્રેમે દ્રવતો રહે છે.
જે ઘાટમાં એ લલના નિહાળી,
તે ઘાટ પાસે જ હજુ ય ર્હેશે;
ન યોધને કૈં જ ત્વરા જવાની,
તે સ્થાનમાં કાં નવ ઠેરશે તે?
તે સ્વર્ગ - તે સુન્દરના પ્રદેશો,
તે પ્રેમભીની દિસતી લતાઓ;
પ્રત્યેક જ્યાં પર્ણ દિસે રસીલું,
ત્યાં પ્રેમને સ્વલ્પ ક્ષણો યુગો એ.
છે નેત્ર ભીલે, ઉર કામિનીમાં,
છે જાગ્રતિ કાંઇ સુષુપ્તિ જેવી;
યત્ને ફરી ચેતન મેળવીને,
હમીર સત્કાર સ્વીકારી લે છે.
'હું તો મૃત્યુ તણો મુસાફર બની દોરાઇ જાનાર છું,
'એ મીઠો દિન આજથી જ નજરે પ્રેમે જ જોનાર છું;
'ત્યાં વા જ્યાં લઇ જાય ભાવિ મુજને ત્યાં ના અરુચિ મ્હને,
'કોઇ એક દિશા પરે નયન આ ના ઠારવાનાં મ્હને.
'આ મ્હારા સમશેરનો સમય તો છે દૂર કાંઇ હજૂ,
'આવું આસ્થળ છોડવા હૃદયને ના કૈં ત્વરા છે હજુ;
'ભાઈ! હું સુખથી કરીશ સ્થિરતા આજે તમારી સહે,
'જોતાં ભીલ તણી વિચિત્ર નગરી આનન્દ થાશે મ્હને.
'ઠેલશે મૃત્યુમાં યે ના સ્નેહી આદર સ્નેહનો,
'નિર્ગુણી હું સમાને તો કાળનો હોય લોભ શો?'