લખાણ પર જાઓ

કલાપીનો કેકારવ/હમીરજી ગોહેલ/સર્ગ-૧ તારામૈત્રક

વિકિસ્રોતમાંથી
← હમીરજી ગોહેલ કલાપીનો કેકારવ
હમીરજી ગોહેલ/સર્ગ-૧ તારામૈત્રક
કલાપી
હમીરજી ગોહેલ/સર્ગ-૨ નિમન્ત્રણ →


સર્ગ-૧
તારામૈત્રક

'સીતે! આ તુજ ક્રૂર નાથ મૂકશે આજે અરણ્યે ત્હને,
'ને એ વજ્ર સમું સદા હ્રદય તો અગ્નિ વતી દાઝશે;

'તોયે એ તુજ મ્હોં કદી જિગરથી દેશે ન છૂટું થવા
'આશા હર્ષ ઉમંગને અસુરના સંહારમાં પામવા.'

'જે પ્રીતિ રઘુનાથના મુખ મહીં આ બોલ બોલાવતી,
'જે પ્રીતિ સુખથી સુતી સતી પરે અશ્રુ ય રેડાવતી;
'તે પ્રીતિ મુજ બીનમાં રસભરી લ્હેરો વહાવો સદા,
'તે પ્રીતિ મુજ અશ્રુમાં ખડક આ મ્હારૂં ડુબાવો સદા.
           * * *

સુગન્ધી વાયુની લ્હેરી, થંડી મન્દ વહી જતી,
ચોપાસે માનવીનો કો આવે ના શ્રવણે ધ્વનિ.

તહીં પૂર્વે ગોળો ક્ષિતિજ ઉપરે લાલ લટકે,
દિશાઓ પ્રાણી સૌ, ખડક, તરુ ત્યાંથી રસ ગ્રહે;
નભે ધારેલું કૈં મનહરપણું નૂતન દિસે,
હવા આછી પીળી ગરક દિસતી ચમ્પકરજે.

દિસે તાજું કાંઈ પ્રતિ ગતિ મહીં તે સ્વર મહીં,
નથી ક્યાં શાંતિ? આ ઘટ વન મહીં ના સુખ કહીં?
અહીં આ કાસારે પગ પણ ધરૂં છું ડરી ડરી,
રખે આ શાન્તિમાં રજ પણ થતો ધ્વંસ મુજથી!

તટે ચોપાસે છે મધુર કળી ખીલી કુસુમની,
તહીં પાંખે પાંખો લથબથ કરે છે શુક કંઈ;
અરીસો ધ્રુજન્તાં કુદરત ધ્રૂજાવે નિજ ઉરે,
અને તે ગોળો તે ખળભળ થતો ત્યાં ગતિ કરે.

હવે ધીમે ધીમે જનપદ ફરે છે તટ પરે,
હવે ધીમે ધીમે રવિ પણ તરુને બથ ભરે;
હવે આ બિન્દુડાં રજનીજલનાં ઘાસ ઉપરે
પ્રતાપી ભાનુને નિજ હ્રદયનું અર્પણ કરે.

તહીં સામે તીરે દિનકર તણી પાંખ સરખી,
ભરી લેવા વારિ યુવતિ કંઈ આવે સ્મિતમુખી;

અહો! કેવું મીઠું સુરૂપ સુરૂપે ઐક્ય ધરતું!
વધાવી શી લેતી કુદરત દિસે કામિની સહુ!

ધીમે ધીમે કોઈ સરસીહ્રદયે હંસ તરતો,
હશે શું ગંગાનો બરફ કટકો કો સરકતો!
ગતિ માપેલીથી જરી જરી ધીરે નાજુક પગો,
ખરે! એ શાન્તિમાં રજ પણ થતાં ભંગ ડરતો!

અહો! કેવું મીઠું કુદરત તણું આ રમકડું!
દિસે એ આનન્દી પ્રણયમય ચૈતન્યમય શું!
પ્રદેશો આ સૌનો મગરૂર પતિ આમ ફરતો -
સરેથી, સૂર્યેથી, કુદરતથી મીઠો રસ પીતો.

આ હંસની ઉપર નેત્ર રસાળ કોઈ,
ચોંટી રહ્યાં પ્રણયીથી બહુ કાળથી છે;
જ્યાં હંસ જાય તહીં પાછળ ચાલતાં તે,
કો શાન્તિની લહરીએ ગરકાવ થાતાં.

છે શાન્ત તોય નયનો અતિ ઉગ્ર ભાસે,
શોભે વિશાલ ભ્રમરે કરડાઈ દૈવી;
ઉત્સાહમૂર્તિ રમણીય પ્રભાત કેરી -
તેવો જ રમ્ય, દૃઢ, આર્દ્ર યુવાન દીસે.

ઝૂલે નીચે ખડ્ગ કેસરી શી કટિથી,
છે વામ હસ્ત દૃઢ મૂઠ પરે ઠરેલો;
એ ખડ્ગ એ જ કરને નકી યોગ્ય ભાસે,
ક્યાં મેઘમાળ વિણ વીજળી અન્ય સ્થાને?

જે બાણ રામ કદિ યે કરતા ન દૂરે,
તે બાણ દક્ષિણ કરે ચમકી રહ્યું છે;
છાતી વિશાલ, દૃઢ છે કવચે કસેલી -
જેની દરેક કડી સૂર્યથી ખેલ ખેલે.

કો છેક મસ્ત વનમાં ફરનાર ગેંડો,
જેનો શિકાર શત તીર વતી થયેલો;
ઉચ્ચંડ તેની લટકી રહી ઢાલ પીઠે,
જ્યાં પંચ તારક સમા ઝબકે ફળાં છે.

ભાલે ત્રિપુંડ્ર્ વિભૂતિ તણું છે કરેલું,
છે ઓષ્ઠની ઉપર નૂતન ગાઢ મૂછો;

બીજો જ કોઈ શશી રમ્ય કલંકવાળો
વા અન્ય કામ નકી વલ્લભ રુદ્રનો આ.

આ સિંહ કો ગરીબડાં મૃગ પાળનારો,
આ ખડ્ગ માત્ર યવનોશિર છેદનારૂં,
આ વીરનાં ભૂષણ ને મુખ વિશ્વ સાથે
મૈત્રી ધરી સુરસ ચિત્ર જમાવી દેતાં.

વિશ્વ છે વીરનું આખું, ના ક્યાં વીર ભળી શકે?
વીરને પૂજતું પ્રેમે આ બ્રહ્માંડ સ્થલે સ્થલે.

આંહીં આમ હમીર આ કુદરતે નિઃસ્વાર્થ સ્વાદે ચડી
જોતાં હંસ મહીં ય એ રસિકતા આનન્દ પીતો હતો;
તેનું સૈન્ય પ્રયાણ કાજ હવણાં તૈયાર થાતું હતું,
જેના શબ્દ અનેક આ વન મહીં ઘૂંચાઈ ચાલ્યા જતા.

લેઈ ભોજન, શસ્ત્ર લેઈ સઘળાં તૈયાર પોતે હતો,
કિન્તુ, વિશ્વની સૌ ગતિ મગજ એ હાવાં ભૂલેલું હતું;
મૈત્રી હંસની સાથ એ જીગર તો સાધી હતું મ્હાલતું,
આનન્દી ઝરણું કરી નવીન કો તેમાં રહ્યું ચાલતું.

વીજળી શો થયો આ શો ઝબકારો જલની મહીં?
ઊડતાં હંસ ચોંકીને પાંખો એ નભમાં ચડી.

નેત્રો ઉડે હંસની સાથ ઊંચે,
આહા! તહીં કૈં વચમાં મધુરું;
ના ચાલતી આંખ હવે અગાડી,
જરા ચડી, ત્યાં જ ઠરી ગઈ તે.

માથે બ્હેડું લઈ ઉભી સામે કો નવયૌવના,
મુખે છે હસ્ત એ ન્હાનો ઝરી સ્વેદની લૂછવા.

એનું જ બિમ્બ જલમાં પડીને ઉડ્યું'તું,
એથી જ વ્યર્થ ડરી હંસ ગયેલ ઉડી;
એ વીરનાં નયન એ જ ચડાવનારૂં,
લૂટી જનાર દ્રવતું ઉર એ જ, એ, એ.

હંસ એ દૂર હૈયેથી હાવાં છેક તૈયાર થયો હતો;
ઉરે આ વીરને એ તો વસ્યો તે 'ન વસ્યો' બન્યો.

જેને નિહાળી નયનો ઠરતાં હતાં ત્યાં,
તેનો જ હંસ બનવા દિલ હાલ ઈચ્છે;
તેના જ પાદ મહીં પાંખ પડી ગઈ સૌ,
તેને જ કાજ ઉરતખ્ત થયું જ ખાલી.

પાંખાળા પ્રિય હંસ! કેમ ઉડી તું આકાશ ચાલ્યો ગયો?
ત્હારાથી ઉપકાર જે થઈ શકે તે કેમ ચૂકી ગયો?
દેવી'તી તુજ પાંખ આ પ્રણયીને ઊડી તહીં બેસવા
એ ન્હાની કરની લતા પર અને એ મ્હોં જરી ઝાંખવા!

સ્થમ્ભી જરી વદન એ નવ કોણ જોશે?
ચાલ્યાં જશે નયન એ નિરખ્યા વિના કો?
એવી ન કાર્ય તણી કાંઈ જ તીવ્રતા છે,
કર્તા તણો અહીં ન જે ઉપકાર ગાશે.

સૌન્દર્ય આવું ધરતી ઉપરે નિહાળી
હર્ષે ક્યું હ્રદય ના મગરૂર થાશે?
તો, છો યુવાન પણ આ નિજ આંખ ઢાળે,
છો પાંખને નવીન આ લહરી ઉડાડે.

હજુ એ કન્યા છે નવીન મૃદુ હા પુષ્પ ખીલતું,
કહીં પાંખો ખીલી, કહીં હજુ બિડાઈ, કહીં ખીલે;
સુગન્ધીની વેળા મધુતર હશે કોઈ જ નહીં,
સુરંગોની લક્ષ્મી વધુ વળી હશે સુન્દર કહીં?

જે ક્રીડા, મૃદુ ઉગ્રતા, સભરતા, લાવણ્ય જાદુભર્યા
રૂપે યૌવનની સ્વતંત્ર રસિલી મૂકી દશા જે શકે,
તે કો તાન મહીં ઉંડા હ્રદયના એકાગ્રતા ધારતાં,
જોનારાં નયનો અને ઉર નહીં એકાગ્ર કોનાં કરે?

વિનિમય મધુ એવો યોધ સાધી રહ્યો છે,
પૂર મહીં ઉર વ્હેવા છૂટ છે પૂર્ણ પામ્યું;
ખડક જગત કેરૂં આજ પાણી થઈને,
વિપુલ રસ તણા કો ધોધમાં જાય ચાલ્યું.
            * * *

ભરે છે દૂર ત્યાં વારિ કન્યાની સખી તો હજી;
ફરે છે તીરની કુંજે ભોળી એ મૃદુ આંખડી.

થોભી ઉભી જરીક એ સખી કાજ બાલા,
પ્હાની રહી પગ તણી જરી એક ઊંચે;
તેને અડી ફરફરે અનિલે નિમાળા,
બ્હેડા પરે અલક એક વીંટાઈ ઉડે.

સામે જ ગૌર મુખ છે સ્થિરતા ધરીને
ને નેત્ર કાંઈ તિરછાં બનતાં ફરે છે;
પ્હોંચી હતી નજર એ તહીં યોધ પાસે,
જ્યારે હતાં નયન હંસ પરે ઠરેલાં.

પાદને આંખડી એ તો હતાં ત્યાં સ્થિર થૈ રહ્યાં,
હૈયાનાં આંસુડાં મીઠાં, સામેની છબીએ ઢળ્યાં.

મનહર છબિ ભાળી નેત્રે અને હ્રદયે ઢળી,
પરવશ થતાં લ્હેરી મીઠી નસેનસમાં ઢળી,
હ્રદય કુમળું એ યોદ્ધામાં જડાઈ ગયું, અને
સહુ અરપવા - અર્પી દીધું છતાં - અધીરૂં બને.

શપથ હ્રદયે લેવા કાંઈ ન કાળ રહ્યો જરા,
ઉર ધડકતે વિચારોથી ન ધ્વંસ સહ્યો જરા,
નયન બનતાં અંગે અંગો સુમુગ્ધ બની રહે,
જલકણઝરી આવી આવી કપોલ થકી ખરે.
            * * *

આંખડી સાથે હાવાં વાત કરી રહી;
હૈયાના દ્વારની સર્વે ભાગોળો ઊખડી પડી.

યોદ્ધાની તો નજર હજુ છે ત્યાં જ ચોંટી રહેલી,
તો યે તાજું તનમન થતું સૂચવે આંખ કાંઈ;
'હું એવું એ'ઉર સમજી એ કાંઈ આનન્દ માને,
સંસારીને પ્રણયસુખની એ જ સીમા અહીં છે.

ક્ષણ થઈ અને બાલાનાં એ ઢળી નયનો જતાં;
પણ ભુરકી કો ગુલાબી શી છવાઈ કપોલમાં;
ધડ ધડ થતું હૈયું લોહી વહાવી રહ્યું બધે,
થર થર થતાં ગાત્રો સર્વ ધ્રુજે બની મુગ્ધ છે.

જાદુભર્યો નેત્ર વહાવી જાદુ
કો અન્યનાં જાદુ મહીં ફસાતાં;

તે જાદુનું ઝેર ઉતારવાનું,
કોની કને ઔષધ કૈં મળે ના!

શિરે ય બ્હેડું સખીએ ચડાવ્યું,
તળાવના તીર પરે ય પ્હોંચી;
પ્રેમાળ એ મ્હોંય સમીપ આવ્યું,
એ કન્યકાની ય સમક્ષ ઊભી.

ઊભી સખીની હતી રાહ જોતી -
નિમિત્ત હૈયેથી સર્યું હતું એ;
જાદૂઈ એ પૂતળી જાદૂ માંહીં,
પડી હતી ભાન બધું ભૂલીને.

ધુણાવે છે હવે તેને ગ્રહીને કરની લતા,
અને, એ જાગ્રતિ દેતાં સખી હાસ્ય કરે જરા.

અરર! રસમાં, ભોળી! આવો ન ભંગ કર્યો ઘટે,
મૃદુ વદનના આવા ભાવો કહીં ફરી ઝાંખશે?
પરવશ થયું તેને તું ના હજુ સમજી શકે.
પ્રણયરસનું આવું લ્હાણું તને ન મળ્યું હશે!

પણ, તુજ સ્મિતે ઊંડું ઊંડું કંઈક ભર્યું દિસે,
હ્રદય સમજે, તે શા માટે ઉતાવળ આ કરે?
અરર! ઠપકો એ બ્હેનીને રખે કદિ આપતી,
પરવશ થતાં. ના નારાજી પ્રભુ તણી કશી.

બિચારી કન્યાથી, અરર! નવ કાંઈ થઈ શકે,
ગતિ છૂટી તેના પગ પણ કહીંથી કરી શકે?
જવું દૂરે તો યે- હ્રદય પણ છોડી વહી જવું,
વિના આશા કાંઈ લથડી પડતાં યે નકી જવું.

કન્યા એ જાય છે લેતી સાથે આંખ હમીરની,
જાય છે - જાય છે એ તો, ને એ દોર પડ્યો તૂટી!

એ માર્ગને નિરખતો હજુ યોધ ઊભો,
છે નેત્રની ઉપર કો પડદો ઢળેલો;
'એ દૂર છે! નથી હવે! ફરી ત્યાં જ એ છે'!
સાચું જૂઠું નયન એમ નિહાળતાં કૈં!

એ તો ગઈ જ, નયનો ફરી અન્ધ થાતાં,
અન્ધત્વમાં કંઈક વીજળી શું ઝબૂકે!
ઊભી કરે નયન એ જ મૃદુ પ્રતિમા!
ત્યાં થાય છે હ્રદય એ સ્થિર ભાન ભૂલી.

અંગો શિથિલ બનતાં ઉર મન્દ હાંફે,
ને ખડ્ગ છોડી કર છાતી પરે ગયો છે;
છૂટી રહી લટકતી તલવાર નીચે,
એ તો ઉભો અડગ ચિત્ર સમો યુવાન.

ઘડીક દૃષ્ટિ અલકે ભરાય છે,
ઘડી કપોલે અધરે સરી પડે;
ઘડી ચુમે છે પદની ગુલાબીને,
ઘડી સ્તનોની સહ મન્દ કમ્પતી.

જહીં પડે ત્યાં પરતંત્રતા ખડી,
ક્ષણ પ્રતિ પિંજરની ઘડે સળી;
ન જાણતો કેમ ઘડાય પિંજરૂં!
ન જાણતો કેમ પડાય છે તહીં?!

પોતાના પ્રિય તાનના વિનિમયે એકાગ્ર જેણે કર્યો,
પોતાની પરતંત્રતા ય દઈ તે ચાલી ગઈ કન્યકા;
જે જે પિંજરની સળી હ્રદયમાં ત્યાં છે ઘડાઈ રહી,
તે તે પિંજરની સળી હ્રદયમાં આંહીં ઘડાતી બની.

વીતી ગયો પ્રહર એ મૃદુ તાન માંહીં,
જાતું ફરી પ્રતિ પળે ઉરનું સુકાન;
જાદુઈ પ્રેમઝલકે લડવા વળન્તાં,
ઝૂલી રહ્યું હ્રદય નૂતન લ્હેરીઓ કૈં.

તે ઉરના ભાવ સદા પીનારો
આવે કને મિત્ર પડાવમાંથી;
છવાયેલું છે મુખ આર્દ્રતાથી
હમીરને દૂરથી જોઈને એ.

ઝુલન્તું ખડ્ગ ધીમેથી ખેંચી મિત્ર તણું લઈ,
હસીને તે વદે છે કૈં મિત્રને જાગ્રતિ દઈ:

'વ્હાલા! કાં તલવાર વીર પુરુષે દીધી ત્યજી આજ છે?!
'આજે અન્ય જ હસ્ત કોઈ પણ તે ખેંચી લઈ કાં શકે?!
'ત્હારૂં આ શમશેર આમ ગ્રહવા જે હામ ધારી શકે?
'હાં! તેને નવ સર્વ આ જગતમાં શું રાજ્ય દેવાં ઘટે?'

નિદ્રાથી જાગતો તેવો કરે તે મ્યાન ખડ્ગને,
વદે છે મેઘ શી વાણી મિત્રનો કર ચાંપીને :-

'સખે! ભાઈથી તો બહુ સમય રીસે વહી ગયો,
'વસીને મેવાડે સુખથી પરદેશી પણ થયો;
'ઘણાં વર્ષો જેને મુજ હ્રદય 'ભાઈ' કહી શક્યું,
'હવે શું તેથી યે નિરમિત હશે રૂસણું થવું?

'મજેદારી કાંઈ જગત પર મ્હારે નવ રહી,
'રહી ન કૈં ઇચ્છા જીવિત ધરવાની પણ, સખે!
'અહો! તું આ મ્હારૂં હ્રદય સમજી કેમ શકશે?
'ગ્રહી આ ભાવોને તુજ હ્રદય સાથી ક્યમ થશે?

'હવે ત્હારો મ્હારો નહિ નહિ - સખે! રાહ સરખો,
'થયો આજે જૂદો મુજ હ્રદયમાં કાંઈ થડકો;
'વહે આજે મ્હારૂં ધગધગ થતું રક્ત સળગી,
'પરંતુ એ જુદો તુજ જિગરથી જોશ સઘળો.

'સખે! ત્હારી તો છે નજર હજુ આ ખડ્ગ ઉપરે,
'ગમે ઊન્હા રક્તે તુજ હ્રદયને સ્નાન કરવું;
'સખે! તુંને પેલી શૂરવીર તણી હાક ગમતી,
'હજુ એ સૌ ખેલો તુજ જિગરને છે રુચી રહ્યા.

'કહું શું, ભાઈ! હું મુજ હ્રદયનો રાહ તુજને?
'સખે! આંહીં કૈં એ અનુભવ વિના કોણ સમજ્યું?
'દિલાસો દેશે તું - હ્રદય કદિ ત્હારૂં પિગળશે,
'નહીં છાપો કિન્તુ મુજ ઉરની ઊઠે તુજ ઉરે.

'મજા ક્હેવાની તો ગત થઈ ગઈ આજથી - સખે!
'હવે આ હૈયાની જગત પર આલમ્બ ન મળે;
'હવામાં ફેંકાતી નજર મમ કાંઈ નવ ગ્રહે,
'વિના ટેકો ક્યાંથી જીવિત કદિ પ્રાણી ધરી શકે?

'સખે! મેવાડે તો મુજ હ્રદય આ ના ઠરી શક્યું,
'મનાઈ ત્યાંથી મ્હેં ગૃહ ભણી જવાનું નકી કર્યું;
'નિમિત્તો એ સર્વે! મુજ ગૃહ કશું ના જગતમાં,
'પ્રભુ પાસે જાવા મુજ હ્રદયનું વાંચ્છિત હતું.

'ચડે છે શંભુની ઉપર યવનો એ ગિઝનવી,
'હજુ ક્ષત્રી સામે મહમુદ દિસે હામ ભીડતો;
'કદી ક્ષત્રીબચ્ચો સહન કરતો ના સુઈ રહી,
'નકી એ મ્લેચ્છો સૌ અણસમજુ છે બાલક હજી.

'અહો! કિન્તુ એવો સમય મળવો ના સહજ છે,
'મહાયુદ્ધો એવાં નયન સદ્ભાગી જ નિરખે;
'સખે! ગંગા જેવું યવનરુધિરે સ્નાન કરવું,
'અને શંભુ પાસે નિજ રુધિરનું અર્પણ થવું.

'સ્વદેશી ખડ્ગો જે સુભટકરની છે મગરૂરી,
'સખે! ત્યાં તેનો છે પ્રલયઉદધિ કો ઉછળવો;
'મહાભાગી કો એ ઉદધિ તણું મોજું થઈ શકે,
'ગડેડાટોમાં એ વિરલ વિરલા બાહુ મળશે.

'હજારો સ્વપ્નોથી મુજ હ્રદય ત્યાં છે ઉછળિયું,
'મહા એ દાવામાં ચિનગી બનવા ઉત્સુક થયું,
'સુણ્યું એ ત્યાંથી આ રુધિર નવ ઠંડું થઈ શક્યું,
'પ્રતિ રાત્રે ચિત્રો સ્વપન મહીં એ એ જ નિરખું.

'પ્રભુ નિદ્રામાં યે મુજ જીવિતનું સાર્થક કહે,
'જહીં નિર્માયું ત્યાં મુજ રુધિર વ્હેવા ગતિ કરે;
'પિતાએ બક્ષેલું ખડગ મુજ આ એ જ સૂચવે,
'વિચારો એ આવ્યે બખતર સુધાં યે કસકસે.

'ન કાં ઢોળું તો હું મમ રુધિર એવી રજ મહીં
'અહીં જેની વિશ્વે કદર કરવા કોઈ જ નહીં -
'ન કો મારૂં તેમાં નકી કંઈ હશે હેતુ હરિનો
'અને તેમાં ઊંડે હ્રદય મમ સાક્ષી પણ પૂરે.

'હતું જેનું તેને મુજ રુધિર આ સૌ અરપવા -
'ઝનૂની મ્લેચ્છોને રજપૂતપણું કૈં શિખવવા

'મહા એ હોળીનો શૂરવીર સહે ગેલ કરવા -
'ખપી ત્યાં જાવાને દૃઢ મુજ ઉરે નિશ્ચય હતો.

'ભગિની-માતાનું યવનકરથી રક્ષણ થવા -
'કટાતાં ખડ્ગો ને શિથિલ કરને સજ્જ કરવા -
'હરિ હાથે આપે અતિ મધુર વેળા સુભટને,
'ખપી ત્યાં જાવાનો દૃઢ મુજ ઉરે નિશ્ચય હતો.

'અહીં અત્યારે આ કુદરત તણું પાન કરતાં -
'પ્રભુની લીલામાં હ્રદય વહવી મગ્ન બનતાં -
'વિચારો ઘોળન્તું મુજ મગજ એ એક જ હતું,
'હતું કો આનન્દે મુજ ઉર સમાધિમય થતું.

'હતો હું વૃક્ષોમાં શૂરવીર તણો નાદ સુણતો,
'હતો હું મૃત્યુનું રમણીયપણું કૈં નિરખતો;
'હતો હું જોતો આ રવિકિરણમાં ખડ્ગ ઉડતાં
'અને દૈવી જુસ્સો ધડધડ થતો'તો જિગરમાં.

'અશાન્તિ, પીડા કે કશીય પરવા કિન્તુ ન હતી,
'પ્રભુ દોરે ત્યાં આ હ્રદય વળવા તત્પર હતું;
'પ્રભુ જાણે ક્યાં આ હ્રદય દ્રવતું'તું કુદરતે,
'પ્રભુ જાણે શાથી સજળ મમ નેત્રો પણ હતાં.

'તહીં પંખી ઊડ્યું! કંઈક નજરે અમૃત પડ્યું,
'પ્રભુ જાણે શાથી મુજ જિગરપ્યાલું તહીં ઢળ્યું;
'જહાંને જોવાની મુજ ઉરની દૃષ્ટિ ય પલટી,
'પ્રવાસીને નૌકા નવીન વળી કોઈ મળી ગઈ.

'હશે શા માટે એ મુજ હ્રદય આલમ્બ મળવો -
'નવું જોઈ કાંઈ નવીન ધબકારો ઉપડવો?
'પ્રભુએ કાં આવું મરણસમયે અમૃત ધર્યું -
'પ્રભુ જાણે તેણે વહન મુજ આવું ક્યમ કર્યું?

'હતું મૃત્યુ મીઠું! રુદન વળી વ્હાલું ક્યમ થયું!
'હવે શું નિર્માયું રુદન કરવું બાલક સમું?
'સખે! ભાઈ! ક્ષત્રીનયન રડતાં તું નિરખશે,
'અરે ભોળા! તેથી તુજ હ્રદય શું લજ્જિત થશે?

'હવે શું જાણું છું રુદન કરવું પાતક નહિ,
'પ્રભુની વચ્ચે કાં જનહ્રદયની ટેક ધરવી?
'પ્રભુ ખોલે ત્યારે નયન શીદને બન્ધ કરવાં?
'અરે! એ ઘેલાં જે પ્રણય નિરખી લજ્જિત થયાં.

'હજુ મૃત્યુ વ્હાલું, પણ મરણમાં ના રસ હવે,
'ભરેલાં રક્તે સૌ સ્વપન મુજ હાવાં દૂર થશે;
'દિસે બચ્ચાંના આ ઘડમથલના ખેલ સઘળા,
'રમે મૃત્યુમાં એ સમજણ વિનાનાં રમકડાં.

'હવે નિદ્રામાં યે હ્રદય મુજ કૈં અન્ય રટશે,
'મૃદુ સૌ સ્વપ્નોની મુજ હ્રદયને લ્હાણ મળશે;
'નકી નિદ્રાનું એ પ્રણયી દિલડું રાજ્ય કરતું,
'અને એવું મીઠું તખત સહજે મેળવીશ હું.

'અહો! ઔદાર્યની ઉપકૃતિ તણા ભાવ મધુરા
'ન જોનારી એવી જગત પર કૈં આલમ વસે;
'વસે છે, જીવે છે, ગતિ પણ કરે ને મરી જતી,
'ન જાણે શું જીવ્યું? રસિક ગતિ શું? ને મરણ શું?

'અહીં કિન્તુ બીજું જગત મધુરૂં છે રસભર્યું -
'સદા નિઃસ્વાર્થે જે હ્રદય અરપીને સુખી થતું;
'સખે! જેની દૃષ્ટિ લશકર હજારો વશ કરે,
'સખે! જેથી યોદ્ધા ખડગ નિજ છોડી પદ પડે.

'અકેકા સૌન્દર્યે નજર કરતાં જે પિગળતું,
'અકેકી દૃષ્ટિથી જગત સઘળું આર્દ્ર કરતું;
'પ્રતિ હૈયું પ્રેમે અમર બનતું અમૃત બની -
'પ્રતિ વ્યક્તિ પ્રેમે હ્રદય દ્રવતાં જ્યાં પ્રભુ થતી.

'પહેલી સૃષ્ટિનો અનુભવ મ્હને છે હજુ સુધી,
'સખે! ખોયું આયુ હજુ સુધી ઉરે બાલક રહી;
'સખે! બાલ્યાવસ્થા ગત થઈ અને મૃત્યુ જ મળે,
'તહીં એ શું મીઠું, મુજ હ્રદય તે ખૂબ સમજે.

'નથી કૈં પસ્તાવો ગત વય તણો આ જિગરને,
'સખે! આ હૈયાને નવ અણગમું વા મરણ છે;

'સખે આ હૈયાની લહરી સુખી સંતુષ્ટ સઘળી -
'બધી છે તૈયારી મરણવશ થાવા ક્ષણ મહીં.

'નવું જોવું છે તે મુજ નયન ના જોઈ શકશે,
'જતાં મૃત્યુ પાસે અનુભવ નકી એ રહી જશે;
'સખે! એ કાંટો એ મુજ જિગરમાં કૈં ખટકશે,
'છતાં એ કાંટાની પ્રતિ ખટક માધુર્ય ધરશે.

'ન જે કૈં જાણે છે ઉપકૃતિ તણા ભાવ મધુરા,
'ન છે જેની પાસે કદર કરવા સાધન જરા;
'સખે! તેને માટે રુધિર નિજ અર્પી સળગવું -
'મજા શી છે તેમાં? મરણ મહીં એવા રસિક શું?

'વહાવી વ્હેળાંને રુધિરમય આ વિશ્વ કરવું -
'બતાવી બાહુને શૂરવીરપણાને ભજવવું -
'અરે! વા કંટાળી કટુ જગતથી દૂર પળવું -
'સખે શું તેનાથી મધુતર નહીં અર્પણ થવું?

'સખે! શસ્ત્રો ત્યાગી, જીવન વધુ આશામય કરી -
'સખે! મૃત્યુને એ મધુર ઝળકે રંગીન કરી;
'સખે! નિઃસ્વાર્થે જે હ્રદય અરપે, કૈં જ અરપે,
'ઇશારે તેને ના ક્યમ હ્રદય આધીન કરવું?

'મજા એ મીઠી તો મુજ હ્રદયને સ્વપ્ન સરખી,
'છતાં એ સ્વપ્નું તો મુજ જીવિતની સૌ સફલતા;
'નવું મીઠું કાંઈ મુજ નયન પીતાં પ્રતિ પળે,
'ઘડી, બે દ્હાડા કે જીવિત મુજ આ વા યુગ રહે.

'પ્રભુ એ અર્પેલી મધુર ચિનગી વ્યર્થ ન હશે,
'કદી કોઈથી યે કુદરત રમે ના મશકરી;
'પ્રભુની દૃષ્ટિ ના નિષફળ પડી કે ન પડશે.
'પછી મ્હારે માટે ક્રમ ફરી જશે કાં કુદરતી?

'નવો કાંઈ યુદ્ધે મુજ હ્રદય આલમ્બ ધરશે,
'નવો હેતુ કાંઈ હ્રદયબલનો પ્રેરક થશે;
'નવી મીઠી મૂર્તિ મુજ હ્રદય કૈં પૂજી મરશે,
'સખે! ઈશે ઇચ્છયું નવીન કંઈ તો તે બની જશે.

'આ સ્થાનની કો નવયૌવનાએ-
'તેની મૃદુ પ્રેમભરી નિગાહે -
'કહી શકું ના પણ કોઈ તેણે -
'નવીન આ સૌ શિખવ્યું મ્હને - સખે!

'આ શીર્ષ તેનું જ થઈ ચૂક્યું છે,
'વ્રણો વિના રક્ત તહીં વહ્યું છે;
'હૈયા તણું સર્વ ઢળી ગયું છે.
'ન જીવમાં જીવ રહ્યો હવે - સખે!

'હવે રુચે ના યશની કથાઓ,
'એ સૌ થયા દૂર જ બાલભાવો;
'પીતું થયું આ ઉર અન્ય લ્હાવો,
'ઘટે સહુ તે સુખથી કહે - સખે!

'ભલે ગમે તો ઠપકો દઈ લે,
'હસી શકે તો સુખથી હસી લે;
'પ્રેરે દયા તો જરી રોઈ વા લે,
'કહી જનારૂં કહી સૌ ગયું - સખે!

'ન દાહ કૈં વસમો મ્હને આ,
'રે! વ્યર્થ હૈયું તુજ બાળતો ના;
'શંભુ પરે છે હજુ એ જ શ્રદ્ધા,
'ન કોઈ શ્રદ્ધા દુખણી કદી - સખે!

'સદા સહ્યું તે સુખથી સહે છે,
'આવું સહેવું પ્રભુ સર્વદા દે;
'સૌન્દર્યના સ્નેહ તણાં દુઃખી તે
'સુખી બીજાંથી વધુ કૈં સુખી - સખે!

'સહુ સ્થળો એક જ હર્ષ આપે,
'સૌ કાલનાં પ્રેમ પડો ય કાપે;
'અહીં તહીંનો નવ ભેદ પ્રેમે,
'જવું અહીંથી પણ આજ ના - સખે!

'પ્રભુ તણાં દર્શન જ્યાં થયાં છે,
'જ્યાંથી ગ્રહાયાં મૃદુ આંસુડાં છે,

'જ્યાં અન્ધતાના પડદા તૂટ્યા છે,
'તે કાલ સ્થાનો પ્રિય પ્રેમીને - સખે!

'આ કૂચ મોકૂફ કરીશ આજે,
'આ સ્થાનમાં કાંઈ ઠરીશ આજે;
'હૈયે મૃદુ કાંઈ ઘડીશ આજે,
'પ્રયાણ કાલે કરશું સુખે - સખે!'

ખભો એ મિત્રનો ટેકી, ઉભો શાન્ત હમીરજી;
સખાની અશ્રુથી ભીની ઢળે છે કંઈ આંખડી.
સુગન્ધી વાયુની લ્હેરી થંડી મન્દ વહી જતી,
ચોપાસે માનવીનો કો આવે ના શ્રવણે ધ્વનિ.