લખાણ પર જાઓ

કલ્યાણિકા/દર્શનની ઝંખના

વિકિસ્રોતમાંથી
← આતમાનો સગો કલ્યાણિકા
દર્શનની ઝંખના
અરદેશર ખબરદાર
તદ્રૂપતા →



દર્શનની ઝંખના

. રાગ સારંગ - તાલ દાદરો *[].

કેમ પામું રે કેમ પામું મારા નાથનાં દિદાર ?
સંત બોલો રે સંત બોલો, દીઠો નાથને કો વાર ? - (ધ્રુવ)

ઉરે ઉદધિ ઉભરાય, એક તાનમાં તણાય;
ઊઠે અણગણ્યા તરંગ, ઊઠી ઊઠી થાય ભંગ :
ઊર્મિ ભરે આભે ફાળ, તોય મળે ના કો ભાળ :
કૂદી કૂદી રે કૂદી કૂદી અંતે વિરમવું કિનાર !
કેમ પામું રે કેમ પામું મારા નાથનાં દિદાર ? ૧

ઊડે વીજળીની પાંખ, ત્યાં હું બેસી માંડું આંખ ;
વીંધું આભનાં ઊંડાણ, ખોદું સૃષ્ટિઓની ખાણ;
કૈંક રત્ન આવે હાથ, પણ ન જોઉં ક્યાંહિં નાથ ;
આવે આવે રે આવે આવે મટ્ટી ને અંધાર !
કેમ પામું રે કેમ પામું મારા નાથનાં દિદાર ? ૨

સૂર્ય ચંદ્ર કેરી પીઠ, બેસી જાઉં હું અદીઠ;
કિરણ કિરણ ખોળી જોઉં, નભ નવીનતાએ મોહું;
બોળું હાથ આભનીર, કંઇક ખેંચી લાવું તીર :
નાથ ક્યાં છે રે નાથ ક્યાં છે ? આ તો વધ્યો વ્યર્થ ભાર !
કેમ પામું રે કેમ પામું મારા નાથનાં દિદાર ? ૩


ઝાલું વાયુ કેરા વાળ, ફૂંકું સ્વર્ગ ને પાતાળ;
ઊડે કાળ કેરી રાખ, ખુલી જાય ભેદ લાખ;
ખોલે આંખ જરી આશ, હવે થશે આ પ્રકાશ :
ભૂલ્યો ભૂલ્યો રે ભૂલ્યો ભૂલ્યો, ફૂંકી હોલવ્યા અંગાર !
કેમ પામું રે કેમ પામું મારા નાથનાં દિદાર ? ૪

ગૂંથી તારકોની વેલ, સ્વર્ણફળફૂલે લચેલ ;
પ્રાણપંખીડાંના બોલ, મહીં કરી રહે કલ્લોલ ;
કહિંક નાથ કેરી છાય, પલક પલકીને છુપાય :
શોધું શોધું રે શોધું શોધું, આવે ક્યાંથી એ પલકાર !
કેમ પામું રે કેમ પામું મારા નાથનાં દિદાર ? ૫

ઉષા સંધ્યા કેરે કુંડ, મેઘમાળ કેરે ઝુંડ,
ઇંદ્રધનુ તણે મહેરાબ, રજની દિવસને કિતાબ,
જેનાં હાસ્ય રહે રેલાઈ, તે જ ક્યાં ગયો છૂપાઈ ?
ક્યારે ક્યારે રે ક્યારે ક્યારે ફળશે ભક્તના ચિતાર ?
કેમ પામું રે કેમ પામું મારા નાથનાં દિદાર ? ૬

હશે ભીતર કે બહાર ? એનો કલ્પું શો આકાર ?
હુંમાં તુંમાં સૌમાં એ જ, ક્યાંથી નોખું જોવું તેજ ?
વસ્યો કીકીમાં સદાય ; ક્યાં તું અદ્દલ જોવા જાય ?
કોઈ ખોલો રે કોઈ ખોલો મારી કીકીનાં રે દ્વાર !
કેમ પામું રે કેમ પામું મારા નાથનાં દિદાર ? ૭

  1. *"વીજ ચમકે મીઠા મેહુલાની માંહ્ય" – એ રાહ.