લખાણ પર જાઓ

કલ્યાણિકા/દૂર જતાં ડગલાં

વિકિસ્રોતમાંથી
← પ્રભુનાં તેડાં કલ્યાણિકા
દૂર જતાં ડગલાં
અરદેશર ખબરદાર
દૂરની ઘંટડી →





દૂર જતાં ડગલાં

• રાગ ભૈરવી — તાલ ત્રિતાલ •


આવે આવે આછાં તેજ ને વિલાય :
સતાવો હજી શાને, ભલાં ?
મારા જીવનનો દીવડો ઝુમાય :
સતાવો હજી શાને, ભલાં ?— ( ધ્રુવ )

કોટિક દીવાભરી આવી દીવાળી,
રૂપાળી ને રઢિયાળી રે ;
કાળી કાળી રજનીને કરતી અજવાળી, તોય
નિરખું નિરાળી ન્યાળી ન્યાળી :
સતાવો હજી શાને, ભલાં ?

દૂર દૂર દિશા ખુલતી દેખાય :
સતાવો હજી શાને, ભલાં ?
આવે આવે આછાં તેજ ને વિલાય :
સતાવો હજી શાને, ભલાં ? ૧

ઊગ્યો, તપ્યો ને આભે આથમણે ઊતર્યો
સૂર્ય દિગંત-ઉછંગે રે :
ઉષા સંધ્યાના રંગે રમ્યો ઉમંગે, હાવે
રમશે તારા સિતારા સંગે !
સતાવો હજી શાને, ભલાં ?

દૂર દૂર વીજ ઝબકી છુપાય :
સતાવો હજી શાને, ભલાં ?
આવે આવે આછાં તેજ ને વિલાય :
સતાવો હજી શાને, ભલાં ? ૨

લીંપી ગૂંપીને પેલાં આંગણ અજવાળ્યાં,
ઊંડેરાં હાલ્યાં મારાં સોણાં રે ;
ધારી ધારીને આંખો જોતી રહે મારી, ત્યાં
પાછાં ફરી તે કેવાં જોણાં ?
સતાવો હજી શાને, ભલાં ?

દૂર દૂર મારાં ડગલાં મંડાય :
બોલાવો હજી શાને, ભલાં ?
આવે આવે આછાં તેજ ને વિલાય :
સતાવો હજી શાને, ભલાં ? ૩