લખાણ પર જાઓ

કલ્યાણિકા/દૂરની ઘંટડી

વિકિસ્રોતમાંથી
← દૂર જતાં ડગલાં કલ્યાણિકા
દૂરની ઘંટડી
અરદેશર ખબરદાર
ટિપ્પણ →





દૂરની ઘંટડી


• ધોળ[]


વહાલાં ! મીઠી મીઠી વાગે દૂર કો ઘંટડી !
ધીરે ધીરે સરતા આવે એના સૂર ;
ઊંડા અનંત પથ પરથી સુણું કંઈ આવતા
તારકપગલીશા પડઘા અંદર ને દૂર !
વહાલાં ! મીઠી મીઠી વાગે દૂર કો ઘંટડી !

સંધ્યાનાં ફૂલો વેરાતાં સૂરજવાટમાં,
ત્યાં તો ઉઘાડે રજની અંજનમય આંખ ;
લાખો રૂપેરી ઘંટડીઓ ભરી રણકારતી
ઊડતી આવે અદ્‌ભુત કાળતણી ત્યાં પાંખ !
વહાલાં ! મીઠી મીઠી વાગે દૂર કો ઘંટડી !


ઊડ્યાં સ્વપ્ન ઉષાનાં સુરવનકુંજ સ્મરાવતાં,
પરમ પ્રભાતતણાંય વિલોપ્યાં મોતનચિત્ર ;
વિરમ્યા તેજલ હય ખૂંદી શિખરો મધ્યાહ્‌નનાં,
સંધ્યાનયને હાવે ઝૂમે શાંતિ પવિત્ર !
વહાલાં ! મીઠી મીઠી વાગે દૂર કો ઘંટડી !

સ્નેહ અને જીવન કેરાં આતિથ્ય મળ્યાં ભલાં,
પગમાં ભાંગ્યા કંટક ત્યમ આવ્યાં કર ફૂલ ;
મટ્ટીની કાયામાં મહોર્યો પ્રાણ પ્રભાભર્યો ;-
ફૂટે દીવી : થાય ભલે દીપક પણ ગૂલ !
વહાલાં ! મીઠી મીઠી વાગે દૂર કો ઘંટડી !

ભાગે આવ્યું તે સૌ ભાગ્ય પ્રમાણે ભોગવ્યું,
પ્રભુએ દીધું તે સૌ લીધું બંને હાથ ;
જીવનની નાવડીએ બેસી ફરજ અદા કીધી;-
એ ડૂબે : પણ ત્યાં મુજ કર ધારે મુજ નાથ !
વહાલાં ! મીઠી મીઠી વાગે દૂર કો ઘંટડી !

ધરતીમાતા કરી દેશે કાયાનું ફૂલડું,
પ્રાણે કો નવતારક ચેતવશે આકાશ ;
મારાં ગીત વસંત‌ઉરે નવફાગ ઉડાવશે,
તેમાં ખીલશે ને ટમટમશે મારી આશ !
વહાલાં ! મીઠી મીઠી વાગે દૂર કો ઘંટડી !



પેલાં દિવ્યપ્રભાદ્વારો અધ‌ઊઘડ્યાં દીસતાં,
પેલા ઘંટડીના સરતા વધુ મધુરા સૂર ;
મારા આત્માની પાંખો ઊડવા પહોળી થતી,
મારી આંખોમાં ઊગતાં નવનંદનનૂર !
વહાલાં ! મીઠી મીઠી વાગે દૂર કો ઘંટડી !

ગુર્જરીકંઠ થકી આ મોતનમાળા ગીતની,
બહેનો બંધુ થકી આ મારો નિર્મળ સ્નેહ ;
પરમાત્મા માટે આ મારો આત્મ અદ્દલ બધો-
વહાલાં ! ઘેર જવાની છે લાખેણી લેહ !
વહાલાં ! મીઠી મીઠી વાગે દૂર કો ઘંટડી !




સમાપ્ત
  1. “માતા જશોદા ઝુલાવે પુત્ર પારણે,” —એ રાહ.