કલ્યાણિકા/માલિકને દરબાર
← અગમની ઓળખ | કલ્યાણિકા માલિકને દરબાર અરદેશર ખબરદાર |
સ્વયંપ્રકાશ → |
માલિકને દરબાર
• રાગ આસાવરી — તાલ ત્રિતાલ •
મારા માલિકને દરબાર રે કો લઈ જાઓ રે સંત !
એના ઉરમંદિર મોઝાર રે કો લઈ જાઓ રે સંત !— ( ધ્રુવ )
સોળ કીધા શણગાર શરીરે,
લાખ કીધાં કંઈ લટકાં ;
દસદિશ તાકી જોઉં બધે પણ
ક્યાં માલિકનાં મટકાં ?
મારી આંખ વહે ચોધાર રે કો લઈ જાઓ રે સંત !
મારા સાહેબને દરબાર રે કો લઈ જાઓ રે સંત ! ૧
તીરથ તીરથ સ્નાન કીધાં મેં,
કીધી દર્શનયાત્રા ;
વજ્ર સમાં વ્રત લીધાં તોપણ
મળી ન એકે માત્રા :
મને સૂઝે નવ કો સાર રે, કો લઈ જાઓ રે સંત !
મારા નાથ તણે દરબાર રે કો લઈ જાઓ રે સંત ! ૨
જોતાં જોતાં આંખ મીંચાઈ,
સુણતાં ખોયા કર્ણો :
જ્ઞાન ચઢી મુજ ખભાં દબાવે,
કેમ ચલાવું ચરણો ?
મારા તૂટે તનના તાર રે, કો લઈ જાઓ રે સંત !
મારા પ્રીતમને દરબાર રે કો લઈ જાઓ રે સંત ! ૩
“ફેંકી દે શણગાર તીરથ સૌ,
ભાર ભર્યા તુજ દેહે :
એ વાદળ વચમાં શાં વસમાં ?
આવ સરળ તુજ સ્નેહે !”—
મારા છૂટ્યા એ સૌ ભાર રે, કો લઈ જાઓ રે સંત !
મારા માલિકને દરબાર રે કો લઈ જાઓ રે સંત ! ૪