કુસુમમાળા/હ્રદયપ્રતિબિમ્બ

વિકિસ્રોતમાંથી
← વસન્તમાં એક સ્હવારનો સમય કુસુમમાળા
હ્રદયપ્રતિબિમ્બ
નરસિંહરાવ દિવેટિયા
એક નદી ઉપર અજવાળી મધ્યરાત્રિ →


હ્રદયપ્રતિબિમ્બ

વસન્તતિલકા

ભૂરું વિશાળ નભ વિસ્તરીને પડ્યું'તું,
ને સૂર્યતેજ હશી મન્દ તહિં સૂતું'તું,
મધ્યે સુનેરીવરણી કંઈં વાદળીઓ
સંદેશ શા લઈ જતી હતી પાતળીઓ! ૧

સૌન્દર્ય એ મધુર કેરું કરંત પાન
નૅનોથી હું તહિં ઊભો ભૂલી સર્વ ભાન;
મીંચાય ના નયન તો પળમાત્ર મ્હારાં,
સૌન્દર્ય એ તણી જ્યહાં વરસંતી ધારા. ૨

આનન્દ એ અનુપમાં તરતાં તરતાં
અંતે મીંચાઈ મુજ લોચન ત્ય્હાં ઢળંતા;

એ સ્વપ્ન જેવી સ્થિતિમાંહિં રહી તથાપિ
એ રમ્ય મૂર્તિ મનમાં મુજ ત્યાંહિં છાપી. ૩

પાછું વિશાળ ભેરું વ્યોમ ઊભું છવાઈ,
પાછી તરંતી ઝીણી વાદળી ત્હેની માંહિં;
ને આંખ્ય તો રહી મીંચી બધી તેહ વેળા,
જ્ય્હાં પ્હેલી મૂર્તિથી વિશેષ રૂડી રમે આ. ૪

હા! તો ય એ છબિ રહી પળવાર ઊભી,
કૂડો વહ્યો અનિલ ને ગઈ એહ ડૂબી,
ડૂબી અને ઊઘડિયાં નયનો જ મ્હારાં,
આકાશ દીઠું પણ પેલી છબી ગઈ કય્હાં?-૫

હાવી અનેક રમણીય રમે છબીઓ
આ સૃષ્ટિમાં ઘડી ઘડી જ નવી નવીઓ,
ત્હેમાંની એક પણ આમ લગાર ર્‌હે જ્ય્હાં,
તો સર્વકેરું પડવું પ્રતિબિમ્બ તે કય્હાં? ૬

છે આટલી તદ્યપિ આ હ્રદયે વશેલી
ઈચ્છા અલભ્ય સુખ મેળવવે શું ઘૅલી,-
જે જે રમે અનુપ રૂપ જ સૃષ્ટિ મધ્ય
ત્હેનું થજો વિમળ દર્પણ હૈડું સદ્ય. ૭



ટીકા[ફેરફાર કરો]

આ કાવ્ય તથા ઉપર તરત ગયેલું કાવ્ય એ બંને એક જ દેખાવથી હૃદયમાં પ્રેરિત થયેલાં છે.

કડી ૧, ઉત્તરાર્ધ - આમતેમ દોડતી વાદળિયો તે જાણે સંદેશા લઈ જતી હોય એમ સંભાવના કરી છે.

કડી ૨, ચરણ ૧. ઊભો - હું.

કડી ૩, ચરણ ૧. તરંતાં તરંતાં - તરવાની ક્રિયા કરનાર - હું.

કડી ૪, ચરણ ૬. પાછું - આંખ્યો મીંચેલી છતાં, ફરી (બ્‍હારનું આકાશ વગેરે રચનાથી ભિન્ન) મનની નજર આગળ એ જ રચના દેખાઈ.

ચરણ ૪. પ્‍હેલી મૂર્તિ - બ્‍હારયની રચના. આ- મનની અંદર ઊભી થયેલી રચના.

કડી ૫, ચરણ ૨. કુડો વહ્યો અનિલ - જળપટમાંનું પ્રતિબિમ્બ પવન વહ્યાથી ભૂસાઈ જાય છે તેમ આ હૃદ્દયમાં પડેલી છબિ વિરુધ્ધ વિચાર ઉત્પન્ન થયે જતી રહી.

-૦-