ગાંધીજીનો અક્ષર દેહ - ૧/દક્ષિણ આફ્રિકાના હિંદીઓના સવાલની ઐતિહાસિક ભૂમિકા

વિકિસ્રોતમાંથી
← આ પુસ્તકની પ્રસ્તાવના ગાંધીજીનો અક્ષરદેહ
દક્ષિણ આફ્રિકાના હિંદીઓના સવાલની ઐતિહાસિક ભૂમિકા
[[સર્જક:મોહનદાસ કરમચંદ ગાંધી|મોહનદાસ કરમચંદ ગાંધી]]
પિતાને પત્ર  →


દક્ષિણ આફ્રિકાના હિંદીઓના સવાલની ઐતિહાસિક ભૂમિકા

૧૮૯૩ની સાલમાં ગાંધીજી દક્ષિણ આફ્રિકા ગયા ત્યારે તેમાં નાતાલ, કેપ, ટ્રાન્સવાલ અને ઑરેન્જ ફ્રી સ્ટેટ એમ ચાર સંસ્થાનોનો સમાવેશ થતો હતો, દંતકથાઓમાં ગવાયેલા હિંદને માર્ગે જતાં કેવળ અકસ્માતથી દક્ષિણ આફ્રિકાની શોધ કરનારા યુરોપિયનોના વંશજો આ સંસ્થાનોનો રાજવહીવટ ચલાવતા હતા. શરૂઆતમાં પૂર્વના મુલકોના માર્ગમાં મુકામ કરવાના સ્થળ તરીકે અને પાછળથી પોતાના વતન તરીકે તેમણે ત્યાં વસવાટ આરંભ્યો અને તેની ખિલવણી કરી.

૧૮૯૩ની સાલમાં એ મુલકમાં વર્ચસ ધરાવનારા ડચ અથવા બોઅર અને બ્રિટિશ લોકો હતા. તેમાંથી ટ્રાન્સવાલને ઑરેન્જ ફ્રી સ્ટેટમાં ડચ લોકોનું અને નાતાલને કેપમાં બ્રિટિશ લોકોનું વર્ચસ હતું. બ્રિટિશ લોકોએ એ પ્રદેશમાં આવી ડચ લોકો પાસેથી ૧૮૦૬ની સાલમાં કેપનો અને ૧૮૪૩ની સાલમાં નાતાલનો કબજો પડાવી લીધો ત્યાં સુધી આશરે બસો વરસ લગી ત્યાં ડચ લોકોનું લગભગ બિનતકરાર રાજય ચાલતું હતું. આ બે બનાવો બન્યા પછી ઘણાખરા ડચ લોકોએ દેશના અંદરના ભાગમાં જઈ ટ્રાન્સવાલ અને ઓરેન્જ ફ્રી સ્ટેટનો કબજો કર્યો. આમ છતાં ડચ લોકોના પ્રદેશમાં બ્રિટિશોનો અને બ્રિટિશોના પ્રદેશોમાં ડચ લોકોનો વસવાટ હતો ખરો.

આ બન્ને પ્રજાઓ વચ્ચે કાયમ ઘર્ષણ રહેતું. બન્નેને મુલકમાં પોતાની સરસાઈ સ્થાપવી હતી; આખરે બોઅર યુદ્ધ (૧૮૯૯-૧૯૦૨)માં ઘર્ષણ છેલ્લી હદે પહોંચી ગયું. તે યુદ્ધને અંતે દક્ષિણ આફ્રિકાનો આખોયે મુલક બ્રિટિશ સામ્રાજયનો ભાગ બન્યો. ડચ પ્રજાના કબજાના વિસ્તારોમાં વસવાટ કરીને રહેલા બ્રિટિશ તેમ જ હિંદી પ્રજાજનોના વાજબી હકો તેમને મેળવી આપવાને અસલમાં અમે આ યુદ્ધ ખેડયું છે એવો બ્રિટિશ લોકોનો દાવો હતો.

ગાંધીજી દક્ષિણ આફ્રિકામાં પહેાંચ્યા તે વખતે ચારે સંસ્થાનો એકબીજાથી સ્વતંત્ર હતાં અને સૌ પોતપોતાની નીતિને અનુસરતાં. પોતાના પ્રજાજનોના હિતનું રક્ષણ કરવાને લંડનની બ્રિટિશ સરકાર એ વખતે પોતાના એજન્ટ એ સંસ્થાનોમાં રાખતી અને કંઈક અંશે તેમની સરકારોની નીતિરીતિ પર કાબૂ ધરાવતી પણ પાછળથી ૧૯૧૦ની સાલમાં બ્રિટિશ નેજા નીચે દક્ષિણ આફ્રિકાનું સંઘરાજ્ય રચીને, આ સંસ્થાનો એકત્ર થયાં અને તેમને સ્વરાજના પૂરા અધિકાર મળ્યા ત્યારે લંડનની શાહી સરકારે તેમની બાબતમાં તેમ જ દક્ષિણ આફ્રિકાની સંધ સરકારની બાબતમાં દખલ ન કરવાની નીતિ અખત્યાર કરી. દક્ષિણ આફ્રિકા હવે ડોમિનિયનના દરજજાનું સંસ્થાન છે. તેથી બ્રિટિશ કૉમનવેલ્થનું સ્વરાજના અધિકાર ભોગવતું સભ્ય છે અને પોતાનો વહીવટ પોતાની રીતે પોતાની ઇચ્છા મુજબ ગોઠવવાને સ્વતંત્ર છે એવી શાહી સરકારની એ નીતિ અખત્યાર કરવા માટેની દલીલ હતી. લંડનની શાહી સરકારના એશિયાઈ પ્રજાજનોની ફરિયાદોના નિકાલનો વિષય દક્ષિણ આફ્રિકાના સંઘરાજ્યના ગવર્નર જનરલ-ઇન-કાઉન્સિલને હસ્તક ગયો અને એ બાબતમાં દક્ષિણ આફ્રિકાની સરકારની નીતિ પર પ્રભાવ પાડવાની બ્રિટિશ શાહી સરકારની શક્તિ રહી નહીં. પણ ગાંધીજીના દક્ષિણ આફ્રિકાના વસવાટના ઘણા મોટા ભાગ દરમિયાન એવી સ્થિતિ નહોતી.'

દક્ષિણ આફ્રિકાના મુલકમાં ખેતીની ખિલવણીને માટે અને તેની ખનિજસંપત્તિનો ઉપયોગ કરવાને માટે ત્યાંનાં સંસ્થાનોના ગોરાઓને મજૂરોની જરૂર હતી. મજૂરો તરીકે આફ્રિકાવાસી તેમને સ્થિર અને આધાર રાખવા લાયક જણાયા નહોતા કેમ કે પોતાની જમીનમાંથી જે કંઈ આછુંપાતળું મળે તેના પર દહાડા કાઢવામાં તેમને સંતોષ હતો અને તેમાંના મોટા ભાગના રોજ પર કામ કરવાને ઈંતેજાર નહોતા. બ્રિટિશ સંસ્થાનોએ તેથી હિંદના બ્રિટિશ રાજકર્તાઓ સાથે હિંદી મજૂરોને કરારથી બાંધી દક્ષિણ આફ્રિકામાં મંગાવવાની વ્યવસ્થા કરી. ૧૮૬૦ની સાલમાં એવા મજૂરોની પહેલી ટુકડી દક્ષિણ આફ્રિકા પહોંચી. પોતાના કરારની મુદત પૂરી થયે આ મજૂરો કાં તો હિંદ પાછા ફરી શકતા અથવા ફરી પાંચ વરસની મુદતને માટે નવા કરારથી બંધાઈ દક્ષિણ આફ્રિકામાં રહી શકતા અથવા પોતાને હિંદ પાછા ફરવાને માટે આગબોટના ભાડાની રકમ જેટલી કિંમતની જમીન સરકાર તેમને આપે તેના પર સ્વતંત્ર નાગરિકો તરીકે ત્યાં રહી શકતા.

આ મજૂરો સામાન્યપણે હિંદના ગરીબમાં ગરીબ લોકોમાંથી આવતા, તંદુરસ્તીને પોષક સ્વચ્છ રહેણીકરણીની તાલીમ વગરના અને ઘણી બાબતોમાં પછાત હતા. તેમની પાછળ તરત જ તેમની જરૂરિયાતો પૂરી પાડવાને હિંદી વેપારીઓ આવ્યા. દક્ષિણ આફ્રિકાની હિંદી વસ્તીની મૂળ શરૂઆત આ રીતે થઈ.

આવી જાતના બીજા મજૂરોને દક્ષિણ આફ્રિકા મોકલવાને માટેનો નવો કરાર કરતી વખતે ૧૮૬૯ની સાલમાં હિંદુસ્તાનની સરકારે ચોખ્ખી શરત કરાવી હતી કે પોતાના કરારની મુદત પૂરી થયા બાદ એ મજૂરોને સમાન દરજજો મળશે, તેમને રાજ્યના સામાન્ય કાનૂનો લાગુ પડશે અને તેમની સાથે કાયદાની બાબતમાં અથવા વહીવટના અમલની બાબતમાં ભેદભાવ રાખવામાં નહીં આવે. આવા મજૂરોની માગણી કરનારી નાતાલની સરકારે આ શરત મંજૂર રાખી હતી અને ત્યાર બાદ'૧૮૭૫ની સાલમાં લંડનની બ્રિટિશ સરકારે પણ તે વાત મંજૂર રાખી હતી. વળી પોતાના ૧૮૫૮ની સાલના ઢંઢેરામાં બ્રિટિશ રાણીએ "અમારા હિંદી મુલકના વતનીઓને" "અમારા બીજા પ્રજાજનોના અધિકાર જેવા જ અધિકારો" રહેશે એવી બાંયધરી આપી હતી.

પણ ડચ લોકો હિંદીઓ દક્ષિણ આફ્રિકામાં ટકી પડે તે વાતનો પહેલેથી એકસરખો વિરોધ કરતા આવ્યા હતા. ચીની સમેત બીજા એશિયાવાસી મજૂરોને ઠરાવવામાં આવેલી મુદતને માટે લાવવામાં આવે અને તે પૂરી થયે તરત જ તેમને પોતપોતાના મુલકમાં પાછા મોકલી દેવામાં આવે એવી તેમની ઈચ્છા હતી. આફ્રિકાવાસી કાળા લોકોને તેમને માટે નક્કી કરી આપવામાં આવેલા વિસ્તારોમાં અલગ રાખી પોતાનાં સંસ્થાનો કેવળ ગોરાં રહે એવું તે ઇચ્છતા હતા.

ત્યાં વસવાટ કરીને રહેલા બ્રિટિશ લોકોની પણ એવી જ ઇચ્છા હતી કેમ કે બીજા યુરોપિયન ધંધાદારીઓની માફક ખેતીમાં તેમ જ વેપારમાં હિંદીઓ તેમને પણ ભયંકર હરીફો જણાયા હતા. હિંદી ખેડૂતે એ મુલકમાં નવાં ફળો અને શાકભાજી દાખલ કરી તેમને ઓછે ખરચે ને મોટા જથ્થામાં પેદા કરવા માંડયાં અને તેથી ગોરા ખેડૂતને મળતા ભાવ ઊતરી ગયા. હિંદી વેપારી ઓછે ખરચે રહેતો, દુકાન ચલાવવાને સાધનો કે માણસોમાં નહીં જેવો ખર્ચ કરતો એટલે બ્રિટિશ કે ડચ વેપારીઓના કરતાં ઓછે ભાવે પોતાનો માલ વેચી શકતો. તેથી ગોરાઓને એવી બીક લાગી કે હિંદીઓને મુલકમાં છૂટથી આવવા દેવામાં આવશે અને ફાવે તે રીતે વેપારમાં કે ખેતીમાં જામી જવા દેવામાં આવશે તો તે બધા મળીને પોતાને લાચાર કરી મૂકશે.

તે મુજબ હિંદીઓ પર અસંખ્ય નિયંત્રણો ને અંકુશો મુકાયાં. એમાંનો સૌથી પહેલો નિયંત્રણનો કાયદો ડચ પ્રજાસત્તાક ટ્રાન્સવાલનો ૧૮૮૫ની સાલનો ત્રીજો કાનૂન હતો. તેનાથી એવું ઠરાવવામાં આવ્યું કે એશિયાવાસીઓ ડચ નાગરિકત્વના અધિકાર મેળવી નહીં શકે. તેનાથી એવી ફરજ પાડવામાં આવી કે "જાહેર તંદુરસ્તીને ખાતર" હિંદીઓને માટે ખાસ અલગ કાઢવામાં આવેલા લત્તાઓમાં જ તેમણે રહેવું. તેવા લત્તાઓ સિવાય બીજે તેઓ સ્થાવર મિલકત રાખી નહીં શકે, તેમનામાંના જે વેપારને સારુ રાજયમાં પ્રવેશ કરે તેમનું લવાજમ લઈ એક રજિસ્ટર રાખવામાં આવે અને ધંધો કરવાને તેમણે પરવાનો મેળવવો જોઈએ.

ઇંગ્લંડની નામદાર રાણી અને ટ્રાન્સવાલ ડચ પ્રજાસત્તાકની વચ્ચે ૧૮૮૪ની સાલમાં થયેલી સમજૂતીની ચૌદમી કલમનો જોકે આ કાનૂન છડેચોક ભંગ કરતો હતો કેમ કે તે કલમમાં જાહેર કરવામાં આવ્યું હતું કે "આફ્રિકાના અસલ વતનીઓ સિવાયનાં" બધાં માણસોને ટ્રાન્સવાલના પ્રજાસત્તાકના કોઈ પણ ભાગમાં પ્રવેશ કરવાની, મુસાફરી કરવાની, રહેવાની, મિલકત રાખવાની અને પોતાનો વ્યવસાય ચલાવવાની પૂરેપૂરી સ્વતંત્રતા રહેશે અને તેમના પર ડચ નાગરિકો પર નાખવામાં નહીં આવ્યા હોય એવા કોઈ કરવેરા નાખવામાં નહીં આવે. એ સંસ્થાનમાં વસતા બ્રિટિશ પ્રજાજનોનાં હિતની સંભાળ રાખવાને બ્રિટિશ હાઈ કમિશનર ત્યાં રહેતો હતો. પણ શું ડચ કે બ્રિટિશ, સંસ્થાનમાં "થઈ રહેલા એશિયાવાસીઓના આક્રમણના જોખમની" વાતો કરનારા ટ્રાન્સવાલના બધાયે ગોરાઓની ચળવળના દબાણથી તેણે લંડનની સરકારને એ કાનૂનનો વિરોધ ન કરવાની સલાહ આપી અને તેને અનુસરીને લંડનની બ્રિટિશ સરકારે આ હિંદી વિરોધી ધારાની સામે કોઈ પણ જાતનો વાંધો ન ઉઠાવવાના પોતાના નિર્ણયની જાહેરાત કરી.

બીજા બ્રિટિશ પ્રજાજનોની સાથે હિંદીઓને સરખા હક રહેશે એવી શાહી સરકારની આગળની જાહેરાતો છતાં દક્ષિણ આફ્રિકામાંના હિંદીઓને લગતી પોતાની નીતિ તેણે આ રીતે ફેરવી નાખી તેને પરિણામે ડચ તેમ જ બ્રિટિશ એમ બંને હકૂમત હેઠળના પ્રદેશોમાં શાહી સરકારને પોતાના પ્રજાજનોનું સંરક્ષણ કરવાની પૂરી સત્તા હતી, તે વખતે સુધ્ધાં એકલા ડચ હકૂમત નીચેના ટ્રાન્સવાલમાં જ નહીં, બ્રિટિશ હકૂમત હેઠળના નાતાલમાં પણ હિંદીઓ અને બીજાઓ વચ્ચે ભેદભાવ કરનારા કાયદાઓને માટે રસ્તો મોકળો થઈ ગયો.

આખાયે દક્ષિણ આફ્રિકામાં હિંદીઓની સામે રેલવે ગાડીઓમાં, બસોમાં, નિશાળોમાં અને હોટલોમાં તેમની નીતિને કારણે ભેદભાવથી વહેવાર રાખવામાં આવતો હોઈ તેમને પરવાનો કઢાવ્યા વગર એક સંસ્થાનમાંથી બીજામાં જવા દેવામાં આવતા નહોતા. ૧૮૯૪ની સાલમાં જ્યાં હિંદીઓની વસ્તી વધારેમાં વધારે હતી તેવા નાતાલ જેવા બ્રિટિશ સંસ્થાનમાં તેમનો દરજજો ઉતારી નાખનારો અને તેમને પોતાના રાજકીય અધિકારોનો અમલ કરવામાં રોકનારો તેમનો મતાધિકાર રદ કરનારો કાયદાનો ખરડો મંજૂર થવાની અણી પર હતો.

૧૮૯૩ની સાલના મે માસમાં ગાંધીજી વકીલ તરીકે પોતાના ધંધાને લગતું એક કામ લઈને દક્ષિણ આફ્રિકા ગયા હતા, ૧૮૯૪ની સાલમાં કાયદાને લગતું પોતાનું કામકાજ પતાવી તેઓ દક્ષિણ આફ્રિકા છોડવાની તૈયારીમાં હતા તેવામાં અખબારોમાં એ કાયદાના ખરડાનો ઉલ્લેખ તેમના જોવામાં આવ્યો. એ ખરડાનો અર્થ પોતાના દેશબાંધવો કે જેમાંના મોટા ભાગના અભણ હતા તેમને માટે કેવો થશે એ બીના તરફ ગાંધીજીએ તેમનું ધ્યાન ખેંચ્યું ત્યારે તે લોકો પોતાને મદદ કરવાને ત્યાં રોકાઈ જવાને ગાંધીજીને સમજાવી શકયા. આ અને હિંદીઓની એવી બીજી ફરિયાદોમાં તેમને ન્યાય મેળવી આપવાના કામમાં ગાંધીજીને એકવીસ વરસ સુધી એટલે કે ૧૯૧૪ની સાલ સુધી તે દેશમાં રોકાવું પડયું.