તાર્કિક બોધ/૧૪. રૂધિર પ્રવાહ વિષે

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
← ૧૩. દેશી રાજાઓ વિષે તાર્કિક બોધ
૧૪. રૂધિર પ્રવાહ
દલપતરામ
૧૫. મોટી ઘોડાઘાડી વિષે →



रुधिर प्रवाह विषे. १४.


એક સમે ચોમાસાનો દહાડો છે, અને ચારે તરફ વાદળાંથી આકાશ છવાઈ ગયો. આકાશમાં કાટકા થઈને વીજળીના ઝબકારા ઉપરા ઉપરી થવા લાગ્યા, કે જે દેખાવ જોઈને કાચી છાતીના લોકોની છાતીઓ થડક થડક થવા લાગી. અને વર્ષાદની ગર્જના તોપોના ભડાકા જેવી થાય છે. મુશળધારે વર્ષાદ વરસે છે. દેવળોના શિખરો ઉપર બેશીને મોર ટહુકા કરે છે. અને રસ્તામાં કેડ સમાં પાણી વહ્યાં જાય છે.

સોરઠો.

વરસે બહુ વરસાદ, વળી ઝબૂકે વીજળી;
આવે સજ્જન યાદ, વધૈ વિરહની વેદના. ૧

એક કલાક સુધી વરસાદ વરશીને બંધ પડ્યો. ધીમે ધીમે વાદળાં વેરાવા લાગ્યાં, અને આકાશ ખુલ્લો થવા લાગ્યો, ત્યારે લોકો રસ્તામાં આવ જા કરવા લાગ્યા. અને કોઈએ કહ્યું કે, નદીમાં પૂર આવ્યું છે, તે સાંભળીને માણસો, ટોળેટોળાં મળીને નદી જોવા ચાલ્યાં.

એવામાં બાર ઉપર ચાર વાગ્યા. એટલે મેહેતાજીએ નિશાળીઆઓને રજા આપી, ને નિશાળ બંધ કરીને આશિસ્ટંટ મહેતાજીને તથા ચાર પાંચ માનેટરોને સાથે લઈને નદીનું પૂર જોવા ચાલ્યા, શહેરના દરવાજા બહાર નીકળીને નદી તરફ જતાં રસ્તામાં બાગબગીચાની રમણિક શોભા બની રહી છે, તે જોતા જોતા ચાલ્યા.

સોરઠો.

બન્યો મનહરબાગ, ભૂમી ત્યાં ભારો ભલી;
સુંદરિનું સૌભાગ્ય, જોબનમાં જેવું વધે. ૨

એક ડુંગરાના થડમાં થઈને નદી વહી જતી હતી. અને જેમ ગુમાસ્તાઓ રળી રળીને શેઠનું ઘર ભરતા હોય, તેમ કેટલાએક વહેળા વનનું પાણી લાવી લાવીને નદીમાં ભરતા હતા.

ડુંગરા ઉપર ચડીને જોયું તો આસપાસનું વન સુંદર રળીઆમણું જોવામાં આવ્યું, અને સર્પને આકારે વાંકી ચાલતી નદી ભરપૂર પાણીએ ભરેલી, જેવી નવજોબના સ્ત્રી જુવાનીના મદથી ઘસમસતી ચાલી આવતી હોય એવી દીઠી.

સોરઠો.

નદી સ્વરૂપી નાર, સાગર સામી ઉલટી;
પિયુ મળવાનો પ્યાર, કર્તારેરિ કેવો કર્યો. ૩

એક ડુંગરા ઉપરથી પાણીનો ધોધ પડતો હતો, તેનો દેખાવ, તથા હડહડાટ, સર્વે લોકોનાં મનને ખેંચતો હતો. તે જોવાને માણસોનાં ટોળેટોળાં ત્યાં જઈને ઉભાં રહેતાં હતાં. મેહેતાજીની મંડળી કેટલીએક વાર સુધી ત્યાં ઉભી રહી. પછી મેહેતાજીએ કહ્યું કે, ઝાઝી વાર થઈ, માટે હવે ચાલો શહેરમાં જઈએ.

ત્યારે એક માનેટરે કહ્યું કે સાહેબ, આ ધોધનો અવાજ અચરજ જેવો સંભળાય છે, માટે ઘડીક અહીં ઊભા રહીને સાંભળીએ તો ઠીક. પછી ઘડીક સુધી ઉભા રહ્યા. વળી મેહેતાજીએ કહ્યું કે, હવે તો ચાલો શહેરમાં જઈએ.

પછી તેઓ શહેર ભણી ચાલ્યા; પણ પેલા માનેટરનું મન તો ધોધનો આવાજ સાંભળવામાં મોહિત થઈ ગયું હતું. તેથી સૌની પાછળ રહીને હળવાં પગલાં ભરતો હતો. અને પેલા આવાજ સાંભળવા કાન ધરીને સુરત રાખતો હતો.

સોરઠો.

જેનૂ મન જે સાથ, લલચાઈ લાગી રહ્યું;
ગમે ન બીજી ગાય, રહે લીન તદરૂપ થઈ. ૪

રસ્તામાં એક સુંદર આસોપાલવનું ઝાડ આવ્યું, ત્યાં મેહેતાજી ઉભા રહ્યા. કેમકે, પેલો માનેટર પાછળ રહી ગયો હતો તેને આવવા દેવો હતો; અને વળી એ ઠેકાણાનો સુંદર દેખાવ જોઈને, તે વિષે સ‌ઉને સમજાવતા હતા. તે માનેટર આવી પહોંચ્યા પછી પણ કેટલીએક વાર સુધી ત્યાં ઉભા રહીને વાતો કરી; પણ તે માનેટરે બીજી કશી વાતમાં ધ્યાન આપ્યું નહિ. પેલો અવાજ ત્યાં સુધી સંભળાતો હતો, તેમાં જ તેનું મન હતું. જ્યારે ત્યાંથી ચાલ્યા ત્યારે વળી તે માનેટરે કહ્યું કે - સાહેબ પેલો ઘુઘવાટ અહીં સુધી સંભળાય છે. અને મારા મનમાં તો એવું થાય છે કે-જાણે તે ઘુઘવાટ સાંભળાવા સારૂ અહીં જ બેશી રહું.

સોરઠો.

દૃઢ જ્યાં લાગ્યું ધ્યાન, વળતી બીજું વીસરે;
ભૂખ તરસનું ભાન, રૂદયામાંહિ રહે નહીં. ૫.

મહેતાજી—જેવો આ ઘુઘવાટ અહીં સંભળાય છે. તેવો શહેરમાં શું કોઈ દિવસે સાંભળ્યો નથી ?

માનિટર—આ ઘુઘવાટ શહેર સુધી સંભળાતો નથી. અને શહેરને લાગતો બીજો કોઈ ધોધ નથી, કે તેનો ઘુઘવાટ શહેરમાં સાંભળાય.

મહેતાજી—શહેરમાં એક ઘુઘવાટ આવોને આવો જ સંભળાય છે, તે હું કોઈ કોઈ વખતે ધ્યાન રાખીને સાંભળું છું.

માનિટર—શું આજરોજ તે ઘુઘવાટ તમે શહેરમાં સાંભળ્યો હતો ?

મહેતાજી—આજરોજ પણ સાંભળ્યો છે. અને એ પ્રવાહનો ઘુઘવાટ તો હમેશાં સંભળાય છે.

માનિટર—શીયાળામાં અને ઉનાળામાં પણ સંભળાય છે ?

મહેતાજી—શીયાળામાં, અને ઉનાળામાં, તથા જે વર્ષમાં વર્ષાદનો છાંટો પડ્યો નહોય તે વર્ષમાં પણ એ પ્રવાહનો ઘુઘવાટ આવો ને આવો સંભળય છે.

માનિટર—આપના ઘર પાસે સંભળાતો હશે. પણ મારા ઘર પાસે મેં કદી સાંભળ્યો નથી.

મહેતાજી—તમારા ઘર પાસે, તથા નિશાળમાં બેઠાં બેઠાં, અને શહેરમાં હરેક ઠેકાણે રહીને સાંભળવા ધારીએ, ત્યારે સંભળાય છે.

માનિટર—આ વાત મારાથી માની શકાતી નથી. કેમકે - કોઈ માણસે મને કહ્યું નથી કે આ ઠેકાણે પ્રવાહનો ઘુઘવાટ સંભળાય છે.

સોરઠો.

“જેને જેનું જાણ, તે સમજે તે વાતમાં;
અચરજ ધરે અજાણ, માને નહીં મનાવતાં.” ૬

મેહેતાજી—ત્યારે શું હું જૂઠું બોલું છું, એમ તમને લાગે છે ?

માનિટર—આપ કદી જૂઠું બોલો નહીં, એ વિશે તો મારી ખાતરી છે. પણ આ વાત મોટી અચરજ જેવી છે. તેનું કેમ હશે ? મહેતાજી—શાસ્ત્રમાં લખ્યું છે કે હરેક માણસને બબે આંખ્યો છે. પણ વિદ્વાનને ચાર આંખો છે. માટે બીજા લોકો દેખી શકે નહીં, એટલું વિદ્વાન દેખે, તેમજ હરેક માણસને બબે કાન હોય પણ વિદ્વાનોને ચાર કાન હોય છે. માટે વગર ભણેલા સાંભળે નહિ, તે ભણેલા સાંભળે છે.

સોરઠો.

બે લોચન બે કાન, સર્વેને સંસારમાં;
ધરેદ્વિગુણ વિદ્વાન, જ્ઞાનીને, લોચન ઘણાં. ૭


માનિટર—વિદ્યાભ્યાસ તો આપની પાસે મેં કર્યો છે, પણ મારે તો ચાર કાન થયા નથી.

મહેતાજી—હજી તમારો અભ્યાસ કાચો છે; જેમ જેમ પાકો અભ્યાસ થશે, તેમ તમારે કાનનો અને આંખનો વધારો થશે.

માનિટર—ફક્ત પક્કા વિદ્યાભ્યાસ વાળા જ તે ઘુઘવાટ સાંભળતા હશે ? કે બીજા કોઈના સાંભળવામાં આવતો હશે ?

મહેતાજી—જેને વિદ્વાન સંભળાવે તેનાથી સંભળાય છે.

માનિટર—વિદ્વાન સંભળાવે તો જ સંભળાય, ત્યારે શું તેમાં કાંઈ રસાયન ક્રિયા કરવી પડે છે કે શી રીતે ?

મહેતાજી—રસાયન ક્રિયા તો કાંઈ કરવી પડતી નથી, પણ લગાર ઈશારત કરવી પડે છે.

માનિટર—એ ઘુઘવાટ ખરેખરો પાણીનો પ્રવાહ છે ?

મહેતાજી—પાણીના પ્રવાહનો નથી. લોહીના પ્રવાહનો ઘુઘવાટ છે.

માનિટર—આ તો વાત અચંબા જેવી છે. પ્રથીરાજરાસામાં, અને બીજા જુના ગ્રંથોમાં, લખ્યું છે કે, રણભૂમીમાં રૂધિરના પ્રવાહ ચાલતા હતા અને તેમાં હાથી તણાઈ જતા હતા. પણ તે વાત મારા માનવામાં આવતી નથી. કદાપિ તે વાત સાચી માનીએ, તોપણ આજના વખતમાં રૂધિરનો પ્રવાહ ક્યાંઈ જણાયો નથી, તો તેનો ઘુઘવાટ તો ક્યાંથી સંભળાય ?

મહેતાજી—આખા શરીરમાં લોહીનો પ્રવાહ હમેશાં ફરતો રહે છે, તે તમે જાણો છો કે નહિ ?

માનિટર—હા, કેટલાંએક ચોપાનિયાંમાં એ વાત તો મેં વાંચી છે. અને વળી એવું પણ સાંભળ્યું છે કે, એક જાતન સૂક્ષ્મદર્શકયંત્રથી શરીરમાંનો રૂધિરનો પ્રવાહ જોઈ શકાય છે. પણ તેનો ઘુઘવાટ સંભળાય છે, એવું મારા જાણવામાં નથી.

મહેતાજી—ત્યારે જુઓ - કે શરીરમાં ચાલતો રૂધિરનો પ્રવાહ, બીજા લોકોથી દેખી શકાતો નથી, પણ વિદ્વાનની વિદ્વત્તાથી દેખી શકાય છે. તેમ જ તેનો ઘુઘવાટ પણ વિદ્વત્તાથી સાંભળી શકાય છે.

માનિટર—ત્યારે કૃપા કરી તે મને સંભળાવો.

મહેતાજી—હવે તમારા કાનમાં આંગળીઓ ઘાલો, એટલે શરીરમાં ફરતા રૂધિરનો ઘુઘવાટ સંભળાશે.

માનિટર—(કાનમાં આંગળઓ ઘાલીને) અહાહા- આ ઘુઘવાટ રૂધિરના પ્રવાહનો હશે ?

મહેતાજી—હા, એ રૂધિરના પ્રવાહનો ઘુઘવાટ છે; આપણા દેશના ભોળા લોકો કહે છે કે રાવણની ચિતા બળે છે. તેનો ઘુઘવાટ છે; પણ તે વાત જુદી છે.

માનિટર—રાવણની ચિતાની વાત તો હું માનતો નહોતો, પણ મને એવી ખબર નહોતી કે - તે રૂધિરના પ્રવાહનો ઘુઘવાટ છે.

મહેતાજી—આપણા દેશના જોગીઓ તેને અનહદ નાદ કહે છે. અને સાંસરિક વાતથી દૂર રહેવા સારૂ એકાંતે વનમાં, ગુફામાં, કે ભોંયરામાં બેશીને પ્રાણવાયુ રૂંધીને, તે અનહદ નાદ, સાંભળવામાં મગ્ન રહે છે.

માનિટર—આ ઘુઘવાટ, તેનું કારણ સમજીને સાંભળવામાં ચમત્કાર છે ખરો. મારી આટલા વર્ષની ઉમર થઈ, તેમાં કોઈ દહાડે રૂધિરપ્રવાહનો ઘુઘવાટ મેં સાભળ્યો નહોતો. તમે આજ મને એ બાબતનું જ્ઞાન આપ્યું, ત્યારે મેં સાંભળ્યો. હવે મારી ખાતરી થઈ, કે વિદ્વાનને ચાર કાન, અને ચાર આંખો હોય છે, કેમેકે વિદ્વાનો જે દેખે છે, તે વગર ભણેલા દેખતા નથી અને વિદ્વાનો જે સાંભળે છે, તે વગર ભણેલા સાંભળતા નથી. જેમ કે અનંતકોટિ બ્રહ્માંડો છે, એવું વગર ભણેલા કહે છે ખરા, પણ તેઓ દેખતા નથી. જો પુછીએ તો સાફ ના પાડશે કે અમે સાંભળ્યું છે ખરાં, પણ દીઠાં નથી અને ભણેલા તરત કહેશે કે રાતની વખતે સૈકડો બ્રહ્માંડ અમારી નજરે પડે છે.


સોરઠો.

ઉત્તમ ગુરૂથી આમ, અંતર આંખ્યો ઉઘડે;
દાખે દલપતરામ, સ્નેહે સદગુરૂ સેવિયે. ૧

ક્રુરચંદ—ભાઈ, નવી નવી વાતો વિદ્વાન લોકો શી રીતે જોડી કહાડતા હશે ?

સુરચંદ—ભાઈ, નવી વાતો જોડી કાઢવી તે કવિતા શક્તિનું કામ છે. અને જેમ જેમ બહુ અસરકારક વાત જોડે, તેમ તેમ તેની કવિતા શક્તિ વખણાય છે. ફક્ત વાતો ગદ્યમાં જોડી કહાડવી તે અરધી કવિતા શક્તિ છે. અને તેની પદ્યમાં રચના કરવી તે પૂરી કવિતા શક્તિ છે. તે કવિતા એક કોડીની કિંમતથી તે લાખ રૂપૈયાની કિંમત સુધીની થાય છે. તે વિષે વ્યંગ, ધ્વનિ, અને લક્ષણાના સંસ્કૃત ગ્રંથોમાં તથા વ્રજભાષાના ગ્રંથોમાં વિસ્તરથી લખેલું છે.

કવિતા શક્તિ ઈશ્વરે આપેલી હોય છે, પણ જેમ જેમ અભ્યાસ કરે તેમ તેમ વધારે ખુલ્લે છે. તે વિષે મોટી ઘોડાગાડીની એક વાત કહું તે સાંભળ.