તાર્કિક બોધ/૧૫. મોટી ઘોડાઘાડી વિષે

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
← ૧૪. રૂધિર પ્રવાહ વિષે તાર્કિક બોધ
પ્રકરણનું નામ
દલપતરામ



मोटी *[૧] घोडागाडी विषे. १५.

મનહરછંદ.

સાધવા હરેક કામ સાધનનો શોધ કરો,
સાધનથી ગરીબ જીતે મોટા મહીશને;
સાધન વિનાનો શૂરો કહો તે શું કરી શકે.
સાધનથી એકલો પૂરો પડે પચીશને;
એક ઘોડો એક જ પુરુષને ઉપાડી શકે.
વીશ ઘોડા હોય તો વાહન થાય વીશને;
દાખે દલપત શ્રેષ્ટ ગાડીનું સાધન હોય;
બે ઘોડા જોડેલા તાણી જાય એકત્રીસને. ૧

એક દિવસે મુંબઈમાં એક ઉદાર ગૃહસ્થની એવી ઈચ્છા થઈ કે, નિશાળમાં જઈને હુશિયારમાં હુશિયાર વિદ્યાર્થી હોય, એવા એક જણને પચીશ, કે ત્રીસ રૂપૈયા ઈનામ આપું.

પછી સવારના દશ કલાક વાગતાં એક બે પોતાના મિત્રોને લઈને નિશાળમાં જઈને બેઠા. અને માસ્તરને કહ્યું કે, ઉપલા વર્ગને બોલાવો. પછી માસ્તરે તે વર્ગને બોલાવ્યો; તેમાં દશ વિદ્યાર્થીઓ હતા. માસ્તરે કહ્યું કે, આ વર્ગમાં થોડોક અંગરેજી અભ્યાસ પણ ચાલે છે, વળી બીજા વર્ગના ૧૦ ને બોલાવીને બીજી હારમાં બેસારીને કહ્યું કે, ગુજરાતી અભ્યાસમાં આ વર્ગ ઉત્તમ છે. શેઠે માસ્તરની આંકણી હતી તે હાથમાં લીધી અને પહેલા વર્ગનાને પૂછ્યું કે, બુદ્ધિપ્રકાશનાં ૨૦૦ પૃષ્ઠ ભરાય એવો આંકણી વિશે એક નિબંધ રચવા વાસ્તે રૂ. ૫૦૦નું ઈનામ ઠરાવીને છ મહિનાની મુદ્દત કરીએ અને જેનો નિબંધ સઉથી સરસ જણાય તેને ઇનામ મળે. એવો ઠરાવ કરીએ, તો તમારા વર્ગમાંથી એ નિબંધ રચવાની કબુલાત આપી શકે એવા કોણ કોણ છે?

ત્યારે દશે જણાએ કહ્યું કે, આંકણી વિષે ઘણું તો બે કે ત્રણ પૃષ્ઠ લખી શકાય પણ ૨૦૦ પૃષ્ઠ ભરી શકાય નહિ.

શેઠ : જ્યારે તમારી એટલી હિમત નથી. ત્યારે હજી તમારી તર્કશક્તિ સારી પેઠે ઉઘડી નથી એવું જણાય છે.

પછી ગુજરાતી વર્ગમાં પ્રભુરામ નામે એક વિદ્યાર્થી તર્કશક્તિવાળો હતો, તેની મરજી થઈ કે એ નિબંધ રચવાની હું કબુલાત આપું. પણ વળી તેણે વિચાર્યું કે, અંગરેજી વર્ગનાને પુછે છે, તેની વચે મારે બોલી ઉઠવું યોગ્ય નહિ. મારા વર્ગમાં પુછશે ત્યારે હું બોલીશ.

શેઠે જાણ્યું કે, સઉથી વધારે અભ્યાસવાળા આ ૧૦ જણા છે તો પછી બીજાઓને પુછવાની જરૂર નથી. એવું ધારીને ફરીથી પુછ્યું; કે બે માળની ઘોડાગાડી મુંબઈમાં તમે દીઠી હશે અને જો દીઠી ન હોય તો આ ચિત્ર જુઓ. સઉએ કહ્યું કે, તે અમે દીઠી છે. ત્યારે શેઠે કહ્યું કે, આજ છ કલાક સુધીમાં બુદ્ધિ પ્રકાશનાં પાંચ પૃષ્ઠ ભરાય એવડો નિબંધ એ ગાડી વિષે કોણ કોણ રચી આપશે?

સઉએ કહ્યું કે કાલની મુદ્દત રાખો. તો અમે તપાસ કરીએ કે ગાડીઓ કેઈ કંપનીએ કરી છે. કિયે દહાડે પહેલ વહેલી ચાલી. દરએક ગાડીનું કેટલું ખર્ચ થયું. દરરોજ કેટલું ખર્ચ અને કેટલી પેદાશ છે. ઈત્યાદિ પુછીને, પાંચ કે છ પૃષ્ઠનો નિબંધ દરએક જણ રચી આપીએ.

શેઠ—પુછીને કે બીજી ચોપડીઓમાંથી તરજુમો કરીને લખો, તે તમારી તર્કશક્તિ કહેવાય નહિ. અને અમારે તો તમારી તર્કશક્તિની પરીક્ષા કરવી છે. માટે તમારા મનમાં નવા તર્ક ઉપજાવીને રમુજી નિબંધ લખો. પછી સઉએ કહ્યું કે, અમે તો એ વિષે એટલાં પૃષ્ટ ભરી શકીએ નહિ.

શેઠ—તે ગાડી વિષે લખી ન શકો તો, આંકણી, મેજ, શિલેટ, કે પેન, એ ચાર માંહીથી ગમે તે એક વસ્તુ ઉપર આજ છ કલાકમાં લખી શકો તેટલાં પૃષ્ઠ લખો. સઉથી સરસ નિબંધ હશે, તેના દર પૃષ્ઠના ત્રણ રૂપૈયા પ્રમાણે હું ઈનામ આપીશ. એમ કહીને અંગરેજી તથા ગુજરાતી એ બંને વર્ગના વિદ્યાર્થીઓને કોરા કાગળો આપીને વેગળે વેગળે લખવા બેસાર્યા.

સાંજના ૪ વાગતાં બધા નિબંધો તપાશા, તેમાં સઉથી સરસ પેલા પ્રભુરામનો લખેલો નિબંધ હતો; તે આ નીચે લખીએ છૈએ.

શૃંગારરસ

કાઠિયાવાડનો એક રજપુત સરદાર મુબાઈ જોવા સારૂં આવ્યો હતો. તેની સાથે આશરે ૨૫ માણસો હતાં અને મહમાદેવીના ચોકમાં એક માળો ભાડે રાખીને તેમાં તેણે ઉતારો કર્યો હતો.

એક સમે તેના કેટલાક નોકરો ચૌટામાં જણશ ભાવ લેવા ગયેલા, કોઈ કોટમાં ગયેલા અને કેટલાએક નીચેના માળામાં સુતા હતા. કોઈ બેઠા હતા. કોઈ તો બાજી રમતા હતા અને પેલો ઠાકોર તો ત્રીજે માળે બારીએ બેશીને આસપાસની મોટી મોટી હવેલીઓના કરા, પછીતો, અગાશીઓ, છજાં અને છાપરાં વગેરેનો દેખાવ જોતો હતો.

કેટલીએક હવેલીઓ ગુલાબી રંગથી રંગેલી, તે જાણે કે સાંઝને સમે પૃથ્વીને લગતો ગુલાબી રંગનો આકાશ દેખાતો હોય, એવી શોભતી હતી અને કેટલીએક તો શ્વેત ચળકતા રંગથી રંગેલી. તે જાણે કે બરફ વાળી હીમાચળ પર્વત ટેકરી હોય તેવી દેખાતી હતી.

કેટલીએક તો કાળા રંગથી રંગેલી તે જાણે કે વર્ષાદનાં વાદળાં પૃથ્વી ઉપર ઘશાં હોય, એવી દેખાતી હતી. કેટલીએક પીળા રંગથી રંગેલી તે જાણે કે સોનાની હોય, કે સોનાની ગારે લીંપેલી હોય એવી દેખાતી હતી.

એક એક માળને દશ દશ સુધી બારીઓ, એને એવી ઉપરા ઉપર સાત સાત માળની બારીઓની ઉભી હારો, તથા આડી હારોની માંડણી બરાબર સીધી લીટીમાં દેખાતી હતી. તે જેમ ચંદરવામાં કે ગાલીચામાં, બીબાથી કે ગુંથણીથી ભાત્ય પાડી હોય, એવી દેખાતી હતી.

તે બારીઓનાં બારણાં કાચનાં ચળકી રહેલાં, તે જાણે કે, મોટા મોટા કાચના તખતાની હારો ગોઠવેલી છે અને બારીએ કાચની હાંડી લટકી રહેલી, તે જાણે કે તે હવેલીના નાકની બુલાખનું મોતી ચળકે છે. હવેલી ઉપર ખબુતરનું જોડું બેઠું હતું તેને જોઈને કહે છે કે, આ ખબુતરો મહા ભાગ્યશાળી છે, કે આવી સુંદર હવેલી ઉપર સજોડે બેઠાં છે.

વળી રસ્તામાં ઘોડા ગાડીઓ હારાદોર દોડતી હતી. તેનો ધધડાટ કાને સંભળાતો હતો. તે જાણે કે સમુદ્રના પાણીનો કે મોટી નદીના પ્રવાહનો ધધડાટ સંભળાય છે. વળી ટાઉન હાલના મેદાનની હવેલીઓને સંભારીને કહેવા લાગ્યો કે, તે ચારે તરફ એક જ ઘાટની હવેલીઓ જુદા જુદા ધણીની હશે, કે આયના મહેલમાં એક વસ્તુ હોય તે ચારે તરફના આયનામાં દેખાય, તેમ એક જ હવેલીનાં પ્રતિબિંબ હવામાં ચારે તરફ દેખાતાં હશે. અરે, જો મને આ ટેકાણે ભમરો સરજ્યો હતો તો આ બધી હવેલીઓમાં ચારે તરફ ફરીને જોઈ આવત. જો આમાંથી લઈ જવાની હોત, તો એક હવેલી ઉપાડીને મારે ગામ લઈ જાત અને ત્યાંના લોકોને દેખાડત કે મુંબઈમાં આવી હવેલીઓ છે. તે વિના આ શોભાની બધી વાત તેઓના મનમાં ઉતરશે નહિ.

વળી તે વિચારે છે, કે મારા ગામમાં તો એક દરબારની હવેલી છે, અને બીજી બે ત્રણ લખશેરીઓ હવેલીઓ છે. તે હવેલીઓ આની આગળ તો કશા હિસાબમાં નથી અને આ દર એક હવેલી હલકામાં હલકી પણ પચાસ હજાર રૂપૈયાની હશે; ત્યારે તેના ધણી પાસે ઘરાણું ગાંઠું અને પૈસો ટકો મળીને, ઓછામાં ઓછી પચાસ હજારની બીજી મુડી તો જરૂર હશે, માટે આ મુંબઈમાં જેટલી હવેલીઓ છે, તેટલા તો લખશેરી ગણવા જ જોઈએ. રાત ને દહાડો ઘોડાગાડીઓની દોડાદોડ મટતી જ નથી; તેથી કહી શકાતું નથી કે, આ શહેરમાં ઘોડાગાડીઓ કેટલી હશે અને ગાડી રાખનારને ઘાસ, દાણા, ગાડીવાનનો પગાર તથા તબેલાના ભાડા વગેરેના થઈને વર્ષ દહાડે રૂ. ૬૦૦નું તો ખર્ચ હશે જ. ત્યારે એ લોકો બધું મળીને વર્ષે દહાડે કેટલું કમાતા હશે? આ હવેલીઓના પાયામાં સોના રૂપાની ખાણો હશે કે શું? મારા ગામના વેપારી મુશ્કેલીથી વર્ષમાં બસે ત્રણસે રૂપૈયા પેદા કરે છે અને આ લોકોની પાસે પારશમણી હશે? કે કોઈ દેવ તેઓને નાણાં આપી જતો હશે?

જેણે પૂરાં પુણ્ય કર્યાં હશે, તેઓ મુંબઈમાં રહેતા હશે. જેણે મુંબઈ જોઈ નથી તેનો જન્મ વ્યર્થ ગયો. હું જાણું છું કે સ્વર્ગ તે આ જ હશે.

શાર્દૂલ વિક્રીડિત વૃત્ત.

દેવી દેવ સમાન માનવિ દિસે, વૈમાનશાં વાહનો;
શોભા સુંદર મંદિરોનિ નિરખી, મેળો મહોત્સાહનો;
શું હું જાગૃત છું જરૂર ઉરમાં, કે સ્વપ્નની વાત છે;
સાચું મુંબૈ નામ આ શહર છે, કે સ્વર્ગ સાક્ષાત છે. ૧

ભયાનક રસ.

એવામાં તેની નજરે એવો દેખાવ પડ્યો, કે ચૌટા વચે હાથી દોડતો આવે છે. તેની પીઠ ઉપર હોદામાં કેટલાએક લોકો બેઠા હતા અને અગાડી મહાવત બેઠો હતો; એવું તેણે દીઠું, કે તરત ગભરાઈ ઉઠ્યો અને દાદરા ભણી દોડ્યો.

એક સમે દસરાની અસ્વારીમાં પોતાના રાજાનો હાથી ગાંડો થયો હતો. તે મહાવત સુધાંને લઈને નાઠો હતો; તે સમે સૌના હોશ ઉડી ગયા હતા, તે વાત બધી તેને સાંભરી આવી. અને જાણ્યું કે ચૌટા વચે મોટો હાથી દોડ્યો આવે છે. તે કઈકને છુંદી નાખશે તેથી દાદાકે જઈને બુમો પાડીને, પોતાનાં માણસોને બોલાવ્યાં.

ઓ ભીમડા, અલ્યા ઓ માધિયા, રામલા તમે ક્યાં છો, અરે તમે ક્યાં છો. કોઈ છે કે નહિ? કેમ કોઈ બોલતું નથી. એવું સાંભળીને નોકર ચાકરો ગભરાઈ ગયા અને જાણ્યું કે, ઠાકોર એકલા ત્રીજે માળે બેઠા હતા, માટે ભૂતબુત વળગ્યું કે, શું થયું!! ઠાકારનું શરીર થરથર ધ્રુજતું હતું. અને આંખો ચકર વકર થઈ ગયેલી, અને ગભરાયેલા જણાતા હતા. તથા શરીરે પરશેવો બહુ વળ્યો હતો.

નોકરો—સાહેબ, સાહેબ, ખમાં, ખમાં. શું છે! શું છે?

ઠાકોર—અરે દોડો, દોડો, આપણું કોઈ માણસ નીચે ગયું હોય તો તેને ઝટ ઉપર બોલાવો. નહિ તો હમણાં સત્યાનાશ વળી જશે.

નોકર—અરે સાહેબ કહો તો ખરા શું છે? ધાડબાડ પડી છે કે શું!

ઠાકોર—અરે તમે મને પછી પુછજો, જાઓ જાઓ, કોઈ હેઠળ ગયું હોય તો તેની સંભાળ લ્યો કે તે સાજો નરવો રહ્યો છે કે નહિ. અરે બીજાનું તો ગમે તેમ થાઓ; પણ મારી માશીના દીકરા ઉમજીભાઈ અને બુમજીભાઈ ક્યાં છે; તેઓને બોલાવો. નોકર—એ તો બંને જણા કોટમાં ગયા છે. તે હજી મોડા આવશે.

ઠાકોર—અરે હાયહાય, ઓ બહુચર મા. હવે ઉમજીભાઈ અને બુમજીભાઈને હું સાજાનરવા દેખીશ તો, અણવાણે પગે ચાલીને હું તારે પાર આવીશ, અને અત્યારથી પાઘડી નહિ બાંધું. એમ કહીને, માથા ઉપર નવઘરૂં બાંધ્યું હતું તે ફેંકી દીધું. અને એક ધોળો ફેંટો માથે બાંધ્યો અને હાથ જોડીને ઉંચું જોઈને, કહ્યું કે, ઓ અંબાવ મા. જો હું ઉમજીભાઈ અને બુમજીભાઈનું મહો દેખાશ તો તારે પારે આવીને, માનગત પૂરી કર્યા પછી હું માથે પાગડી બાંધીશ.

અરે હાય હાય, ઘેરથી નીકળ્યા ત્યારે કાળી બલાડી આડી ઉતરી હતી, ત્યારે મેં તો પાછા વળવાનું મન કર્યું હતું; પણ સઉએ કહ્યું કે, ડાહે પડખે ગઈ માટે એ તો સારા સુકન કહેવાય. પણ મારા મનમાં તે દહાડાનો ખરખરો રહેતો હતો. તે જુઓ, શુકનનો ભાવ ભજવ્યો ખરો? અરે શુકન તો દીવો છે. હવે ઘેર જઈને શું મોઢું દેખાડીશું.

નોકર—અરે ઠાકોર, ખમાં તમને, અને ખમાં ઉમજીભાઈ બુમજીભાઈને, કહો તો ખરા શું છે? કાંઈ ખોટું સ્વપ્નું લાગ્યું, કે કાંઈક કોતક દીઠું?

ઠાકોર—અરે આપણા દરબારનો હાથી, તે દહાડે દશરાની અસ્વારીમાં ગાંડો થઈને નાઠો હતો; તેવો જ એક ગાંડો હાથી અહિંનાં ચૌટા વચે દોડતો આવે છે. માટે કઈક માણસોનો ઘાણ વળી જશે.

નોકર—તે ક્યાં છે. (એમ કહીને જોવા સારૂ બારીભણી જાય છે)

ઠાકોર—અરે ભલા માણસ. આઘો જઈશ નહિ. નહિ તો બારીમાં લાંબી સુંઢ કરીને તને પકડીને રસ્તામાં પછાડશે.

નોકર—(બીતો બીતો બારીએ ડોકીઉં કરીને, જોઈને બોલ્યો) સાહેબ, હાથી નથી; આ તો કાંઈક બીજું છે. આવો આવો જુઓ તો ખરા; જોવા જેવું છે.

ઠાકોર—(બારીએ જઈને જુએ છે) અહો આ શું હશે? ચાલો ચાલો હેઠળ જઈને જોઈએ. આ તો કાંઈ નવાઈ જેવું છે.

પછી તે બધા લોકો જોવા સારૂ હેઠળ ગયા. અને માંહોમાંહી બોલ્યા કે આ તો આગગાડીના જેવી બે માળની ઘોડા ગાડી છે. તેમાં બાર માણસો નીચેના માળમાં અને સોળ જણ ઉપલા માળમાં બેઠા હતા. તેઓ જુદી જુદી નાતોના હતા. તે ગાડીમાંથી નીકળતા ગયા, તેમ ઠાકોર એકે એકે ગણતો હતો.

પહેલો નીકળ્યો પારશી, નેં બીજો બાબુ, ત્રીજો ત્રવાડી મેવાડો, નેં ચોથો ચમાર, પાંચમો પખાલી, નેં છઠો છીપો, સાતમો સિપાઈ, નેં આઠમો ઓદીચ, નવમો નાગર ને દશમો દુબળો અગીઆરમા ઉમજીભાઈ, નેં બારમા બુમજીભાઈ, તેરમો તિલંગો ને ચૌદમો ચડીમાર, પંદરમો પાવૈયો, ને સોળમો શ્રીમાળી, સત્તરમો સન્યાસી, નેં અઢારમો આહીર, ઓગણીસમો ઓળગાણો, ને વીશમો વીશનગરો, એકવીસમો ઈરાની, ને બાવીશમો બાવો, ત્રેવીસમો તરગાળો, ને ચોવીશમો ચુનારો, પચીશમો પીંજારો, ને છવીશમો છાશવાળો, સત્યાવીશમો સિંધી, નેં અઠ્યાવીશમો ઓઝો.

આગળ બે હાંકનારા બેઠા હતા, અને પાછળ એક સીસોડી બજાવનાર ઉભો હતો, તેની કોટમાં હજામના જેવી કોથળી ભરાવેલી હતી. તેમાં સઉની પાસેથી પૈસા લઈ લઈને ભરેલા હતા. બધા લોક ઉતરી રહ્યા પછી,—

તતુડીવાળો—છછ દોઢીઆં. છછ ડોઢીઆં. ઓ વાણિઆ, ઓ વાણિઆ. એ; એ; આવવું છે કે? આમલી, આમલી.

ઠાકોર—(એક દોકાનવાળાને પુછે છે) આ આમલી, આમલી શું કહેતો હશે?

દોકાનવાળો—તે એમ કહે છે કે અહિંથી જે બેસશે તેને કોટમાં આમલીનું ઝાડ છે. ત્યાં ઉતારશે અને છ પૈસા લેશે. પછી જોતાં જોતાંમાં ઉતારૂઓ ભરાઈ ગયા, એટલે ગાડીની પાછળ બારણાં આગળ ઉભો રહીને તતુડીવાળે તતુડી બજાવી. એટલે ઘોડાવાળે કોટ તરફ ગાડી દોડાવી.

ઠાકોર વગેરે બોલ્યા—ઓહોહોહોહો, એ જાય. એ જાય. એ જાય. -ગઈ!!! ગઈ.

નોકર—સાહેબ, તમે સુંઢ કે દંતુસર જોયા વિના એકદમ શી રીતે જાણ્યું કે ગાંડો હાથી આવે છે?

ઠાકોર—મારા મારા જનમારામાં આવી ગાડી દીઠેલી નહિ. અને તેનો ઉપલો ભાગ મારી નજરે પડતાં જ મને ગાંડોહાથી સાંભરી આવ્યો. એ રીતે વાતો કરતા સઉ સઉને ઠેકાણે ગયા.

આ વિષયથી આપણને એટલો બોધ મળે છે કે. આપણા પૂર્વજોએ એવી અચરજવાળી ગાડી નજરે દીઠી નહિ હોય. તેવી ગાડીઓ તથા બીજા કેટલાએક સાંચા અંગરેજોની સોબતથી આપણા લોકો કરવા લાગ્યા. તેમ જ વિશેષ ઉદ્યોગ કરશે તો જતે દહાડે વિલાયતના લોકો જેવા આપણા લોકો હુશીઆર થશે. અને અચરજ ભરેલાં કામ કરશે. તેથી આપણો દેશ ધનવાન અને સુખી થશે.

એ નિબંધ સાંભળીને શેઠ બોલ્યા કે આ તમારા નિબંધની કિંમત તો વધારે છે. પણ હાલ હું તમને ત્રીશ રૂપૈયા ઈનામ આપું છું. અને મારી ખાતરી થઈ કે આંકણી વિષે બસે પૃષ્ઠનો નિબંધ તમે રચી શકો એવી તર્કશક્તિ તમારામાં છે. એમ કહીને સલામ કરીને ઘેર ગયા.

દોહરો

શેઠ વડો સોસાઈટી, મુજ આત્મા પ્રભુરામ;
રમૂજ માટે આ રચી, રચના દલપતરામ, ૧

એ રીતે સુરચંદને મહોડેથી નાના પ્રકારનો તાર્કિક બોધ સાંભળીને, ક્રુરચંદની ક્રુરતા જતી રહી અને દયાળુ તથા ઉદ્યોગી થયો.


સમાપ્ત

  1. *આમનિબસ. તેને ઠેકાણે હાલ મુંબઈમાં રેલપર ટ્રામગાડી ચાલે છે.