તાર્કિક બોધ/૬. શાસ્ત્રીઓની સભા

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
← ૫. લખેલી વાત માનવા વિષે તાર્કિક બોધ
૬. શાસ્ત્રીઓની સભા
દલપતરામ
૭. લાલા અને કીકાનું સ્વપ્ન →



शास्त्रीओनी सभा विषे. ६.

જેમ આ વખતમાં કોઈ ગૃહસ્થ પરગામ જાય છે, ત્યારે ત્યાંની નિશાળમાં પરીક્ષા લઈને, ઈનામ વહેંચે છે. તેમ જ જુનો ચાલ એવો છે કે, કોઈ સારા ગૃહસ્થને ઘેર જ્યારે સારું ટાણું હોય, ત્યારે શાસ્ત્રીઓની સભા કરીને દક્ષિણા વહેંચે છે.

એક શાહુકારના દીકરાનાં લગ્ન થયાં. ત્યારે તેને બાપે ત્યાંના ચાલ પ્રમાણે પંડિતોની સભા ભરી હતી. તે સભામાં વેદિયા, શાસ્ત્રી, પુરાણી, જોશી અને વૈદ્ય આદિક આવ્યા હતા. તેમાં એક જોશી કાશીએ ભણી આવેલો હતો. તેનાં સ‌ઉ વખાણ કરતા હતા કે, આવો જોશી આખા દેશમાં નથી. તે નળિકાયંત્ર બાંધીને દિવસે તારા દેખાડી શકે છે.

હવે જે છોકરાનાં લગ્ન થયાં, તે છોકરો સ્કૂલનો વિદ્યાર્થી હતો; તેથી તેને હરેક વિદ્યાનો શોખ હતો; માટે તે સાંભળવા બેઠો કે, જોઈએ સભાના પંડિતો શી શી ચરચા કરે છે ?

પ્રથમ વેદિયા વેદના મંત્ર ભણવા લાગ્યા. અને બીજા કરતાં મને ઘણાં મંત્રો પુસ્તક વિના મહોંપાઠે ભણતાં આવડે છે, એવું અભિમાન તેઓ દેખાડતા હતા, જ્યારે એક જણ અજાણ્યો મંત્ર ભણવા લાગે, ત્યારે બીજા તેની સાથે ભણી શકે, તેઓના મહોં ઉપર અભિમાનનો ડોળ જણાય, અને જેને તે મંત્ર મહોપાઠે ન હોય, તે ચૂપ રહે; તેથી તેનું મહો અપમાન પામ્યાની પેઠે જાખું પડતું હતું. ભણી રહ્યા પછી દેશનો, અથવા કોઈ પરદેશનો વેદિયો, ત્યાં ન હોય, એવાંની તારીફ કરતા હતા કે, ફલાણો એક છે તે તો સાક્ષાત નારાયણ રૂપ છે, કેમકે યજુર્વેદના ચૌદે કાંડ, અથવા સામવેદના દશે ગ્રંથ તે ઊંઘમાં ભણી જાય છે.

પછી શાસ્ત્રીઓ શબ્દ સાધવાની ચરચા કરવા લાગયા. તેઓમાં જેને શબ્દ સાધવાનાં ઘણાં સુત્ર યાદ હોય, તે વખાણતો હતો. અને તેઓ ચરચા કરતા કરતા છેલી વારે ઘુસે થઈને એકબીજા સાંમી આંખો તાણીને લડતા હતા. સંસ્કૃતમાં બોલતાં થાક્યા, એટલે પ્રાકૃત બોલીને ગાળાગાળી કરવા લાગ્યા. એક કહેતો હતો કે, મહારંડના તું કાંઈ ભણ્યો નથી. અને બીજો કહેતો હતો કે, તું કાંઈ ભણ્યો નથી. નૈયાયકી પણ એ જ રીતે "त्यावच्छिंनं यावच्छिंन" એવાં એ વાક્ય ફરી ફરીને બોલીને ઘાંટા કાઢીને લડતા હતા. જેનો ઘાંટો ધીમો પડે તે હાર્યો કહેવાતો હતો.

પછી યજમાને હાથ જોડી, પગે લાગીને લડાઈ પતાવી. બ્રાહ્મણોએ કહ્યું કે એ તો અમારી સભાની એવી જ રીત છે, માટે તમારે ગભરાવું નહિ. પછી પુરાણીઓ સામસામા શ્લોક બોલવા લાગ્યા; કે કિયો ગ્રહ કેંદ્રિયો હોય ત્યારે સારૂં ફળ આપે અને કિયો ગ્રહ ખોટું ફળ આપે ?

પછી વૈદો પ્રશ્નોત્તર કરવા લાગ્યા કે, વૈદે કેવું શુકન જોઈને જવું ? કિયા વારને દિવસે રોગીને ઔષડ આપવું ? અને કિયા વારે આપવું નહિ ? એવી ચરચા ત્રણ કલાક સુધી ચાલી. પછી શેઠને તેના ઘરને બ્રાહ્મણે કહ્યું કે; શેઠજી, હવે દક્ષિણા વહેંચો; મેં યાદી લખી રાખી છે. જો ઉત્તમ દક્ષિણા આપવી હોય, તો વેદિયા દરએકને ત્રણ રૂપૈયા, શાસ્ત્રી દરએકને રૂ. ૨૨, પુરાણી, જોશી અને વૈદને એકેક રૂપૈયા પ્રમાણે આપો.

અને મધ્યમ દક્ષિણા આપવી હોય તો, ઉપલા અનુક્રમે રૂ. ૨, રૂ. ૧, રૂ. ૦-૮-૦ આપો. અને કનિષ્ટ આપવી હોય તો, રૂ. ૧, રૂ. ૦-૮-૦, રૂ. ૦-૪-૦ પ્રમાણે આપો. શેઠે પોતાના દીકરાને કહ્યું કે, આ કામ સારૂં છે એમ તને લાગતું હોય, તો તારે હાથે દક્ષિણા વહેંચ. છોકરે કહ્યું કે, બ્રાહ્મણોને વિદ્યા ભણવાની હોંશ વધે. માટે આ કામ ઘણું સારૂં છે; પણ આમાં કેને વધારે જ્ઞાન છે ? અને કેને ઓછું જ્ઞાન છે ? અથવા કેનામાં વધારે કે ઓછી બુદ્ધિ છે ? તે વાત મને સમજાઈ નથી. માટે વધતી ઓછી દક્ષિણા શી રીતે વહેંચું ? અત્યાર સુધી જે તેઓએ ઠાલી નકામી માથાકુટ કરી, તેથી મને ફક્ત એટલું જ સમજાયું કે, ફલાણો મુખ્ય શાસ્ત્રી છે તે બહુ ક્રોધી છે અને ફલાણો બિચારો શાંત સ્વભાવનો છે. બીજી મને કશી વિગત પડી નથી. માટે કહો તો, એટલા જરા ગુણ કે અવગુણ ઉપર નજર રાખીને વધતી ઓછી દક્ષિણા વહેંચું. અને કહો તો થોડા પ્રશ્નો પુછીને, તેઓના જ્ઞાનની પરીક્ષા કરીને તે પ્રમાણે વહેંચું ?

શેઠ બોલ્યા કે, તારે પુછવું હોય તો પુછ. પણ ઝાઝીવાર લંબાણ કરીશ નહિ કેમકે ઘણીવાર થઈ તેઓ આવ્યા છે.

છોકરો—(વેદિયાઓને પુછે છે) મહારાજ, તમે જે મંત્ર ભણ્યા; તેમાં શી મતલબ છે ?

વેદિયા—વેદનો અર્થ થાય નહિ, અમે તો ફક્ત ભણી જાણીએ.

છોકરો—ત્યારે તેથી તમારે કે અમારે શો લાભ થવાનો ? કેમકે એથી કશું જ્ઞાન મળવાનું નહિ.

વેદિયા—ભણવાથી અને સાંભળવાથી કલ્યાણ થાય.

શાસ્ત્રી—એ તો અંગ્રેજી ભણ્યા છે. તે એવી વાત માનશે નહિ.

છોકરો—(શાસ્ત્રીને પુછે છે) "દેવનો" એ કેટલામી વિભક્તિ કહેવાય ?

શાસ્ત્રી—પ્રાકૃતમાં વિભક્તિ હોય નહિ; અમે તો સંસ્કૃત જાણીએ.

છોકરો—"देवस्य" એનો અર્થ શો ?

શાસ્ત્રી—દેવ જે તેનો.

છોકરો—ત્યારે "देवः यः तस्य" એનો શો અર્થ ?

શાસ્ત્રી—એનો પણ એ જ અર્થ છે.

છોકરો—ત્યારે પ્રથમ એક જ શબ્દનો આટલો બધો લાંબો અર્થ તમે કેમ કર્યો ?

શાસ્ત્રી—પ્રાકૃતમાં એક જ શબ્દથી અર્થ થઈ શકે નહિ.

છોકરો—તમે પ્રાકૃત બોલો છો, અને તે ભણ્યા નથી, એવું કેમ કહો છો ? પ્રાકૃત જાણ્યા વિના સંસ્કૃત ભણાય જ નહિ.

શાસ્ત્રી—અમારા સમજવામાં એવું છે કે પ્રાકૃતમાં ધાતુ કે પ્રત્યય નથી.

છોકરો—(નૈયાયકને) લંકાની હવેલિયો ચંદ્રને અડકે એટલી ઉંચી હતી, અને રવણને દશ મોઢાં, ને વીશ હાથ હતા, એ વાત કિયા પ્રમાણથી સાચી માનવી ?

નૈયાયક—શાસ્ત્રમાં જે લખી હોય, તે વાત સાચી જ માનવી. એમાં સંશય કરવો નહિ.

છોકરો—ત્યારે ન્યાયશાસ્ત્ર ભણવાનું કારણ શું ?

નૈયાયક—ન્યાયશાસ્ત્રથી તર્ક કરતાં આવડે, અને હરેક વાક્યનો તર્ક કરવો. અને પછી આઠ પ્રકારનાં પ્રમાણ મળે, ત્યારે તે વાક્ય સિદ્ધ થાય.

છોકરો—ત્યારે મેં પ્રશ્ન પુછ્યો તેનો તર્ક કરવો કે નહિ ?

નૈયાયક—શાસ્ત્રની વાતનો તર્ક કરવો નહિ.

છોકરો—એવું ન્યાયના ગ્રંથમાં લખેલું છે ? કે તમારી અક્કલથી કહો છો ?

નૈયાયક—અમારી સમજણ પ્રમાણે

છોકરો—(પુરાણીને) પુરાણ એટલે શું ?

પુરાણી—મહાભારત, ભાગવત આદિક અઢાર પુરાણ છે.

છોકરો—કેટલાં પુરાણ છે, એમ હું પુછતો નથી, પણ પુરાણ શબ્દનો અર્થ પુછું છું.

પુરાણી—પુરાણ એટલે જુનું.

છોકરો—ત્યારે શું તેમાં જુની વાતો હશે ?

પુરાણી—હાજી.

છોકરો—ભોજ કે વિક્રમની વાત તેમાં હશે ?

પુરાણી—નાજી, એથી અગાઉની વાતો છે.

છોકરો—તે પુરાણ ક્યારે થયેલાં હશે ?

પુરાણી—એ તો ત્રેતાયુગમાં, અથવા દ્વાપરમાં થયેલાં.

છોકરો—અશોકરાજાનું નામ કોઈ પુરાણમાં છે કે નહિ ?

પુરાણી—જાણ્યામાં છે તો ખરૂં.

છોકરો—અશોકરાજાને કેટલાં વર્ષ થયાં ?

પુરાણી—તે અમે જાણતા નથી.

છોકરો—અશોકની વખતનો શિલાલેખ ગિરનાર ઉપર છે, અને તેથી તેનાં વર્ષ જણાઈ આવે છે. અને તેના ઉપરથી એ પુરાણ ક્યારે બન્યું હશે તે પણ કહી શકાય.

પુરાણી—એ વાત કાંઈ સંભવતી નથી.

છોકરો—(જોશીને) વર્ષના દહાડા કેટલા.

જોશી—ત્રણસેં ને સાઠ.

છોકરો—ટીપણું કાઢીને ગણી જુઓ.

જોશી—એ તો વધતા ઓછા થાય છે ખરા.

છોકરો—વધતા ઓછા થવાનું કારણ શું ? અને શા ઉપરથી એટલા દહાડાનું વર્ષ ઠરાવ્યું હશે ?

જોશી—સૂર્ય બાર રાશી ફરી રહે, ત્યારે વર્ષ થાય.

છોકરો—આજ કિયું નક્ષત્ર છે ?

જોશી—દશ ઘડી રાત જતાં અશ્વિની ઉતરીને ભરણી બેસશે.

છોકરો—ક્યાંથી ઉતરશે અને ક્યાં બેસશે ?

જોશી—ટીપણામાં ઉતરશે, અને ટીપણામાં બેસશે.

છોકરો—તે વખતે શો ફેરફાર જોવામાં આવશે ?

જોશી—જોવામાં તો બધા દહાડા સરખા હોય, એમાં કશો ફેરફાર હોય નહિ. તે કરતાં તમે કાંઈ ફેરફાર બતાવી શકતા હો તો કહી દેખાડો.

છોકરો—મારા સમજવામાં એવું છે કે, પશ્ચિમથી તે પૂર્વ સુધી અને આકાશમાં એક લીટી કલ્પિયે, તે જ લીટી પૃથ્વી નીચે થઈને પશ્ચિમના છેડાને મળે. એટલામાં નિશાનીઓ રાખવા સારૂં તારાના જથાનાં નામ પાડેલાં છે, તે નક્ષત્ર ૨૭ કહેવાય છે. તેમાંના અશ્વિની નામના નક્ષત્રની હદ છોડીને, દશ ઘડી રાત જતાં ભરણીની હદમાં આજ ચંદ્રમા આવશે. એનું નામ અશ્વિની ઉતરીને ભરણી બેઠું.

જોશી—હા, એ તો અમે જાણીએ છૈએ.

છોકરો—એ જ વખતે બરાબર એમ થશે કે નહિ, તેનો તમે કોઈ સમે આકાશમાં જોઈને તપાસ કર્યો છે.

જોશી—અમે તો ગણિતનો તપાસ કરીએ. પણ આકાશમાં જોઈને તો અમે તપાસ કર્યો નથી.

છોકરો—વારૂ, તમે એટલું બતાવી શકશો, કે આકાશમાં કિયે ઠેકાણેથી તે કિયા ઠેકાણા સુધી અશ્વિનીની હદ કહેવાય ?

જોશી—એવું તો અમે કાંઈ જાણતા નથી.

છોકરો—ત્યારે જ્યોતિષના ગ્રંથો થયાને ઝાઝાં વર્ષ થયાં, તેથી તેમાં ફેરફાર થઈ ગયો હોય, તો તમે જાણો ?

જોશી—એવું જાણવાની શક્તિ આજ કોઈનામાં નથી.

છોકરો—વિલાયતમાં દર વર્ષે જ્યોતિષ વિષે નવો નવો શોધ થાય છે તેથી એ વિદ્યાનો ત્યાં ઘણો વધારો થયો છે. વારૂં, તિથિ એટલે શું ?

જોશી—તિથિ એટલે તિથિ, બીજું અમે કશું જાણતા નથી. (એવામાં સાંઝ પડી એટલે બાઇડીઓ ચંદ્ર સામું જોઈને કહેવા લાગી, કે આ બીજ ઉગી છે. ત્યારે કેટલીએકે કહ્યું કે ત્રીજ ઉગી છે.

છોકરો—જુઓ મહારાજ. આ બાઇડીઓના જેટલું પણ તમે સમજતા નથી. કે તિથિ એટલે ચંદ્રની કળા. આપણા વર્ષની તિથિઓ ત્રણસેં ને સાઠ, અને દહાડા ત્રણસેને સાડી ચોપન આશરે થાય છે.

જોશી—એ વાતની અમને ખબર નથી.

છોકરો—(વૈદને પૂછે છે) માણસે ખોરાક ખાધો હોય, તે પેટમાં ઉતરવાની નળી કેવી છે ?

વૈદ—અમને ખબર નથી.

છોકરો—આંખ આગળની ધોરી રગ ક્યાં સુધી લાંબી છે ?

વૈદ—તે પણ અમે જાણતા નથી.

છોકરો—(પોતાના ઘરના બ્રાહ્મણને કહે છે) કેટલા બ્રાહ્મણોને દક્ષિણા આપવી છે ?

બ્રાહ્મણ—પચીસ જણ હાજર છે, અને પંદર જણા આવી શક્યા નથી; તેઓને ઘેર દક્ષિણા પહોંચાડવી પડશે.

છોકરો—(બાપને કહે છે) આ કામ મારાથી બની શકશે નહિ. કેમકે વાજબી જણાતું નથી.

શેઠ—આપણે પચ્ચીસ રૂપૈયા ખરચીને શોભા લેવાનું કામ છે. કે ફલાણા શેઠને ઘેર સભા કરી હતી, એવું કહેવાય. બીજી કાંઈ મતલબ નથી.

પછી ઘરના બ્રાહ્મણના કહ્યા પ્રમાણે શેઠે દક્ષિણા વહેંચી. એ રીતે ક્રૂરચંદ, અને સુચંદ, વાતો કરતા જાય છે, ત્યાં આગળ જતાં એક શહેર આવ્યું. ત્યાં વિધવા શેઠાણીનો દીકરો ગુજરી ગયેલો તેથી તે બહુ રોતી, અને કુટતી હતી. તેને સુરચંદે ઘણી શીખામણ દીધી; પણ તે બાઈ છાનિ નહિ રહી. ત્યારે

સુરચંદ—બાઈ, આ સંસાર સ્વપ્ન છે, માટે તેમાંથી તું જાગીશ ત્યારે આ રોવા કુટવાનું સંભારીને તું શરમાઈ જઈશ. અને પસ્તાઈશ કે, સ્વપ્નાની જુઠી વાત હતી, અને મેં શા વાસ્તે એટલો ક્લેશ કર્યો.

બાઈ—ભાઈ, મારી નજરે ઉછરેલો, લાડવાયો દીકરો ગુજરી ગયો, તે સ્વપ્નની વાત કેમ કહેવાય ?

સુરચંદ—એ વિષે લાલા, અને કીકાના સ્વપ્નાની વાત કહું તે સાંભળ.