દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસ/દેશનિકાલ

વિકિસ્રોતમાંથી
← શેઠ દાઉદ મહમદ વગેરેનું લડતમાં દાખલ થવું દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસ
દેશનિકાલ
મોહનદાસ કરમચંદ ગાંધી
ફરી ડેપ્યુટેશન →


તો છોડી જ દીધી હતી. પણ જેઓને હિંદુસ્તાન મોકલી દેવામાં આવ્યા તેઓમાંના ઘણા તો ગરીબ અને ગભરુ હતા; કેવળ વિશ્વાસથી જ લડતમાં જોડાયા હતા. તેઓની ઉપર આટલો જુલમ થાય એ અસહ્ય લાગ્યું. તેઓને મદદ પણ કઈ રીતે દેવાય તે સમજવું મુશ્કેલ હતું. પૈસા તો થોડા જ હતા. આવી લડતમાં પૈસાની મદદ દેવા જતાં લડત ખોઈ બેસાય; તેમાં લાલચુ માણસો દાખલ થઈ જાય. તેથી પૈસાની લાલચે તો એક પણ માણસને ભેળવવામાં આવતો નહોતો. લાગણીની મદદ દેવી એ ધર્મ હતો.

મેં અનુભવે જોયું છે કે લાગણી, મીઠો બોલ, મીઠી નજર જે કામ સાધે છે તે પૈસો નથી સાધી શકતો. પૈસાના લાલચુને પણ જે લાગણી ન મળે તો તે છેવટે ત્યાગ કરે છે, એથી ઊલટું પ્રેમને વશ રહેલા અનેક સંકટો સહન કરવા તૈયાર રહે છે.

તેથી આ દેશનિકાલીઓને સારુ લાગણી જે કંઈ કરી શકે તે કરવાનો ઠરાવ કર્યો. તેઓને આશ્વાસન આપ્યું કે હિંદુસ્તાનમાં તેઓને સારુ ઘટતો બંદોબસ્ત કરવામાં આવશે. વાંચનારે જાણવું જોઈએ કે આમાંના ઘણા તો ગિરમીટમુક્ત હતા. તેઓને સગાંસાંઈ હિંદુસ્તાનમાં ન મળે. કોઈ તો વળી દક્ષિણ આફ્રિકામાં જ જન્મેલા હોય. બધાને હિંદુસ્તાન પરદેશ જેવો તો ખરો જ. આવા નિરાધાર માણસોને હિંદુસ્તાનને કિનારે ઉતારી મેલીને રઝળતા મૂકવામાં આવે, એ તો ઘાતકીપણું જ ગણાય. તેથી એઓને ખાતરી આપી કે તેઓને સારુ હિંદુસ્તાનમાં બધો બંદોબસ્ત કરવામાં આવશે.

આ બધું કરવા છતાં તેઓની સાથે કોઈ મદદગાર ન હોય ત્યાં લગી તેમને શાંતિ ન જ મળે. આ દેશનિકાલ થનારાઓની પહેલી ટુકડી હતી. સ્ટીમર ઊપડવાને થોડા જ કલાક બાકી હતા. પસંદગી કરવાને વખત ન હતો. સાથીઓમાંના ભાઈ પી. કે. નાયડુ ઉપર મારી નજર પડી. મેં પૂછયું :

'તમે આ ગરીબડા ભાઈઓને વળાવવા હિંદુસ્તાન જશો ?'

'કેમ નહીં ?'

'પણ સ્ટીમર તો હમણાં જ ઊપડશે.'

'ભલે ને ઊપડે.' 'પણ તમારાં લૂગડાંલત્તાનું શું? ભાતાનું શું?'

'લૂગડાં પહેર્યા છે તે જ; ભાતુ સ્ટીમરમાંથી મળી રહેશે.'

મારા હર્ષનો ને આશ્ચર્યનો પાર ન રહ્યો. પારસી રુસ્તમજીના મકાન ઉપર આ વાત ચાલેલી. ત્યાં જ તેમને સારુ કંઈ કપડાં, કામળા વગેરે ભીખી, તેમને રવાના કર્યા.

'જોજો, રસ્તામાં આ ભાઈઓની પૂરી સંભાળ રાખજો, સુવાડીને સૂજો. હું મદ્રાસમાં મિ. નટેશનને તાર કરું છું. તે કહે તેમ કરજો.'

"હું સાચો સિપાહી નીવડવા પ્રયત્ન કરીશ.” આટલું કહી તે રવાના થયા. જ્યાં આવા વીર પુરુષો હોય ત્યાં હારવાનું હોય જ નહીં એમ મેં વિચારી લીધું.. ભાઈ નાયડુનો જન્મ દક્ષિણ આફ્રિકામાં થયો હતો. તેમણે હિંદુસ્તાન કદી જોયું ન હતું. મેં મિ. નટેશન ઉપર ભલામણપત્ર આપ્યો હતો. મિ. નટેશનને તાર પણ કર્યો.

એ વખતે હિંદુસ્તાનમાં પરદેશોમાં વસતા હિંદીઓનાં દુ:ખોનો અભ્યાસ કરનાર, તેમને મદદ કરનાર, તેમને વિશે રીતસર ને જ્ઞાનપૂવર્ક લખનાર મિ. નટેશન એક જ હતા, એમ કહીએ તો ચાલે. તેમની સાથે મારો પત્રવ્યવહાર નિયમિતપણે ચાલ્યા કરતો. જ્યારે આ દેશનિકાલ થયેલા ભાઈઓ મદ્રાસ પહોંચ્યા, ત્યારે તેમને મિ. નટેશને સંપૂર્ણ મદદ કરી. ભાઈ નાયડુ જેવા સમજદાર માણસ સાથે હોવાથી મિ. નટેશનને પણ ઠીક મદદ મળી. તેમણે સ્થાનિક ઉઘરાણું કરી, તેઓ દેશનિકાલ થઈ આવ્યા છે, એવું તેઓને જણાવા જ ન દીધું.

સ્થાનિક સરકારનું આ કામ જેટલું ઘાતકી હતું તેટલું જ ગેરકાયદેસર હતું. સરકાર પણ એ જાણતી હતી. સામાન્ય રીતે લોકોને ખબર નથી રહેતી કે સરકાર ઘણી વેળા પોતાના કાયદાનો ઇરાદાપૂર્વક ભંગ કર્યે જ જાય છે. ભીડ આવે ત્યારે નવા કાયદા કરવાનો વખત રહેતો નથી, એટલે કાયદા તોડીને પોતાનું મનમાન્યું કરી લે છે ને પછી કાં તો નવા કાયદા કરાવે છે અથવા કાયદાનો થયેલો ભંગ પ્રજાની પાસે ભુલાવી દે છે.

હિંદીઓ તરફથી આ સરકારે કરેલા કાયદા બાબત ખૂબ હિલચાલ થઈ. હિંદુસ્તાનમાં પણ શોર મચ્યો ને સ્થાનિક સરકારને આમ ગરીબ હિંદીઓને દેશપાર કરવું ભારે થઈ પડયું. હિંદીઓએ ભરવાં જોઈએ તે કાયદેસર પગલાં પણ ભર્યા. અપીલો કરી તેમાં પણ જય મળ્યો, ને છેવટે હિંદુસ્તાન લગી દેશપાર કરવાની પ્રથા તો બંધ થઈ.

પણ આની અસર સત્યાગ્રહી લશ્કર ઉપર પડયા વિના ન રહી. હવે જેઓ રહ્યા તે ખાસ લડવૈયા રહ્યા. 'રખેને હિંદુસ્તાન મોકલી દેશે તો' , એ ધાસ્તીનો ત્યાગ બધા ન કરી શકયા.

કૉમનો જુસ્સો ભાંગવાનું ઉપરનું એક જ પગલું સરકારે નહોતું ભર્યું. ગયા પ્રકરણમાં હું જણાવી ગયો છું કે સત્યાગ્રહી કેદીઓની ઉપર દુઃખ પાડવામાં સરકારે મુદ્દલ કસર નહોતી રાખી. તેઓની પાસે પથ્થર ફોડાવવા સુધીનું કામ કરાવતા હતા. આટલેથી બસ ન થયું. પ્રથમ બધા કેદીઓને સાથે રાખતા, હવે તેઓને નોખા રાખવાની નીતિ ગ્રહણ કરી ને દરેક જેલમાં કેદીઓને ખૂબ તાવ્યા. ટ્રાન્સવાલનો શિયાળો બહુ સખત હોય છે. ઠંડી એટલી બધી પડે કે, સવારના કામ કરતાં હાથ ઠંડા થઈને અકડાઈ જાય. તેથી કેદીઓને સારુ શિયાળો કઠણ થઈ પડે. આવી સ્થિતિમાં કેટલાક કેદીઓને એક નાની જેલમાં રાખ્યા – જ્યાં કોઈ તેઓને મળવા પણ ન જઈ શકે. આ ટુકડીમાં નાગાપન કરીને એક નવજુવાન સત્યાગ્રહી હતો. તેણે જેલના નિયમો પાળ્યા. જેટલી સોંપવામાં આવી તેટલી મજૂરી કરી. સવારે વહેલો સડકોની પૂરણી ભરવા જતો. તેમાંથી તેને સખત ફેફસાંનો વરમ લાગુ પડ્યો ને છેવટે તેણે પોતાનો વહાલો પ્રાણ આપ્યો. નાગાપનના સાથીઓ કહે છે કે તેણે અંત લગી લડતનું જ સ્તવન કર્યું. જેલ જવાથી તેને પશ્ચાત્તાપ ન થયો. દેશને ખાતર મળેલા મોતની તેણે મિત્રની જેમ ભેટ કરી. અા નાગાપન આપણા ગજ પ્રમાણે માપતાં નિરક્ષર ગણાય. અંગ્રેજી, ઝૂલુ વગેરે ભાષા અનુભવથી બોલી જાણે. અંગ્રેજી જેવું તેવું કદાચ લખતોયે હોય, પણ એને વિદ્વાનની પંક્તિમાં તો ન જ મુકાય. છતાં નાગાપનની ધીરજ, તેની શાંતિ, તેની દેશભક્તિ, તેની મરણાન્ત લગીની દૃઢતાનો વિચાર કરીએ, ત્યારે તેને વિશે કંઈ વધારે ઇચ્છવાપણું રહે ? ભારે વિદ્વાનો ન ભળ્યા છતાં ટ્રાન્સવાલની લડત ચાલી શકી, પણ નાગાપન જેવા સિપાહી ન મળ્યા હોત નો લડાઈ ચાલી શકત ?

જેમ નાગાપનનું મૃત્યુ જેલના દુ:ખથી થયું તેમ નારાણસામીનું દેશનિકાલ થતાં થયું. તેને દેશનિકાલની હાડમારી મૃત્યુરૂપ નીવડી. અા બનાવોથી કામ હારી નહીં, પણ નબળા માણસો તેમાંથી ખસ્યા. નબળા પણ યથાશક્તિ ભોગ આપી ચૂકયા. નબળા જાણી તેમની અવગણના ન કરીએ. એવો રિવાજ પડી ગયો છે કે આગળ વધનારા પાછળ રહેનારનો તિરસ્કાર કરે છે ને પોતાને ભારે માને છે. હકીકત તો ઘણી વાર તેથી ઊલટી હોય છે. જેની પાસે પચાસ રૂપિયા આપવાની શક્તિ હોય તે પચીસ રૂપિયા આપી બેસી જાય ને પાંચની શક્તિવાળો પૂરા પાંચ આપે, તો પાંચ આપનારે વધારે અાપ્યું એમ જ આપણે ગણીશું. છતાં પચીસ આપનાર પેલા પાંચ આપનારની સામે ઘણી વાર કુલાય છે. પણ આપણે સમજીએ છીએ કે તેને ફુલાવાનું કંઈ જ કારણ નથી. તેમ જ પોતાની નબળાઈને લીધે આગળ નહીં ચાલનાર જો પોતાની બધી શક્તિ વાપરી ચૂકયો હોય, તો મન ચોરનાર ભલે માપ જોતાં વધારે શક્તિ વાપરતો હોય છતાં તેના કરતાં પેલો વધારે યોગ્ય છે. તેથી જેઓ લડત સખત થતાં ખસી ગયા તેમણે પણ દેશસેવા તો કરી જ. હવે એવો વખત આવ્યો કે જ્યારે વધારે સહનશક્તિની ને વધારે હિંમતની જરૂર હતી. તેમાં પણ ટ્રાન્સવાલના હિંદીઓ પાછા ન પડ્યા. લડત ચલાવવાને સારુ જોઈએ તેટલા તો રહ્યા જ.

પણ અામ દિવસે દિવસે લોકોની કસોટી થતી ચાલી, હિંદીઓ જેમ વધારે બળ બતાવવા લાગ્યા તેમ સરકારે પણ વધારે બળ વાપર્યું, તોફાની કેદીઓને અથવા જેમને ખાસ નમાવવા હોય એવાને સારુ હમેશાં કેટલાંક ખાસ કેદખાનાં રાખવામાં આવે છે; તેમ ટ્રાન્સવાલમાં પણ હતું, આવા એક કેદખાનાનું નામ 'ડાયક્લુફ' હતું. ત્યાંનો દરોગો પણ સખત, ત્યાંની મજૂરી પણ સખત. છતાં તેને પણ પૂરા પડે તેવા કેદીઓ મળી ચૂકયા. તેઓ મજૂરી કરવા તૈયાર હતા પણ અપમાન સહન કરવા તૈયાર ન હતા. દરોગાએ તેમનું અપમાન કર્યું એટલે તેઓએ ઉપવાસ શરૂ કર્યા. શરત આ હતી : "જ્યાં લગી તમે આ દરોગાને દૂર નહીં કરો અથવા અમારી જેલ નહીં બદલો, ત્યાં લગી અમે ખોરાક લેવાના નથી.” અા ઉપવાસ શુદ્ધ હતા. ઉપવાસ કરનારા છૂપી રીતે કંઈ ખાય તેવા ન હતા. વાંચનારે જાણવું જોઈએ કે, આવા કેસમાં જે ઊહાપોહ અહીં થઈ શકે છે તેને સારુ ટ્રાન્સવાલમાં બહુ અવકાશ ન હતો. વળી ત્યાંના નિયમો કઠણ હતા. આવે સમયે પણ કેદીઓને જોવા જવાનો રિવાજ ન હતો. સત્યાગ્રહી કેદખાનામાં ગયો એટલે ઘણે ભાગે તેને પોતાનું સંભાળી લેવું પડતું. લડાઈ ગરીબોની હતી ને ગરીબાઈથી ચાલતી હતી, એટલે આવી પ્રતિજ્ઞાનું જોખમ બહુ હતું. છતાં આ સત્યાગ્રહીઓ દૃઢ રહ્યા. તે વખતનું તેમનું કાર્ય આજના કરતાં વધારે સ્તુત્ય ગણાય, કેમ કે, તે વેળા આવા ઉપવાસની ટેવ પડી ન હતી. પણ આ સત્યાગ્રહીઓ અડગ રહ્યા ને તેમને ફતેહ મળી. સાત ઉપવાસ પછી તેઓને બીજી જેલમાં મોકલવાનો હુકમ નીકળ્યો.