દિવાળીબાઈના પત્રો/પત્ર ૮

વિકિસ્રોતમાંથી
← પત્ર ૭ દિવાળીબાઈના પત્રો
પત્ર ૮
દિવાળીબેન
પત્ર ૯ →


પત્ર ૮
રા. રા.
તા. ૬-૮-૮૫
 

આપનું પત્ર વાંચીને હાથથી છેક ગયા ખાતે છું. મારી ખાત્રી થઈ ચૂકી છે કે હવે તમારા હ્રદયમાં મારે વિશે ખરેખરા પ્રેમાંકુર ફૂટવા માંડ્યા છે. પણ ભગવાન! ખરેખરું કહેજો હોં! મારા સમ છે! વારૂ, આજસુધી મારા પત્રોએ જરા પણ અસર ન કરી ને હવે એકદમ કરી તેનું કારણ શું ? ક્યાંહી પ્રેમને ઘરેણે તો નહોતો મૂક્યો કે છોડાવી લાવ્યા ? બાકી હું કોઈ આજકાલની તમારા ઉપર પ્રેમ નહોતી રાખતી. મેં તમને જોયા છે ત્યારથી જ સ્વાભાવિક પ્રેમ ઉપજ્યો હતો. પણ ખરેખર વીંધી નાખી ક્યારે ? તે કહું ? જુઓ. હું તમને પ્રથમ કવિતા સંભળાવવા આવી ને એમણે કહ્યું કે 'હવે સાંભળો!' ત્યારે તમે કહ્યું કે 'તમે કહો તો ચિત્ત એકાગ્ર કરૂં.' એ વગેરે બીજા પણ બોલો. (તમારી સામે હું ફરીને બેસતી તે ય બહુ જ પ્રેમને લીધે શરમાતી) પછી જન્માષ્ટમીને દિવસે ચીઠ્ઠી લખીને બોલાવ્યા ત્યારે તો કાંઈ કહી જ શકાતું નથી. સફરજન પોતાના ભાગમાંથી મારી આગળ હસ્તાહસ્ત આવીને મૂકી ગયા હતા તે સાંભરે છે ? મેં પણ તમે જે મૂકી ગયા તે જ ખાધાં અને બીજાંમાં 'ખાટા છે' એવું દુષણ મૂક્યું તેની મતલબ 'ખાટા છે' તે ખરી ન હતી પણ મારા તરફથી તમને ખવરાવવાની હતી. પછી તે દિવસે મુખનો ચહેરો, આંખોનો, આમથી આમ, ને આમથી આમ બેસવું, સુઈ જવું, ચતુરભાઈના ઉપર હાથ નાંખવા, પ્રેમમાં ગમે તેમ બોલી પડવું. ('આવજો' એવું જતી વખત કહ્યું તે બે હાથનું ચિહ્ન કરી અજબ તરહમાં) 'મહેતાજી, મ્હોઢે કંઈ આવડતું હોય તો ગવરાવો. વાંચવાથી તો ગાનારની નજર સાંભળનાર તરફ નથી રહેતી' તે પછી આપણે બે ઘણીએ વાર ભેગા થયા હશું પણ પાછું તેવું તો કાંઈ જોવામાં આવ્યું નહિ. તેનાં (?) જોવા ભેગાં થયા ત્યારે તો જાણે તમારે ને મારે ઓળખાણ જ નથી તે જોઈ મને લાગ્યું કે 'આ સરખી વૃત્તિનું માણસ નથી, માટે એવા ઉપર તણાવું એ ફોકટ જેવું છે.' કહ્યું છે કે:

'સજ્જન કબહુ ન કીજીએ, અણસમજે કો સંગ,'
'દીપકકે મન મેં નહિ, જલ જલ મરે પતંગ.'

મને જે નીતિની વાતમાં લંબાણથી લખ્યું છે તે વિચારી જોતાં કાંઈક મનમાં માઠું લાગવાથી લખ્યું હોય એમ લાગે છે. પછી કોણ જાણે! 'મારા તુચ્છ જેવાની ભક્તિ મૂકી દઈ પોતાની નીતિ ઉપર રાખો એથી કલ્યાણ થશે.' હું તમને કૌસ્તુભમણિ કરતાં વિશેષ ગણું છું. અને હાલા તો તમારા મનના જેવા જ તમે છો. આજ સુધી મેં કોઈને નહિ જોયું હોય (?) પણ મારા મનને તમારા પગના ખાસડા જેટલીએ કોઈએ અસર કરી હોય તો ઈશ્વર આજ્ઞા. આપ લખો છો કે તમે પરણ્યા ન હોત ને આપણો પ્રેમ થયો હોત તો મોક્ષનો માર્ગ હતો. હે પ્રિયંવદ! મને તમારા જેવા સમવયી, ડાહ્યા, હસમુખા, રંગીલા, ચતુર તથા લાડપૂરણનું પાણિગ્રહણ કરવાની ઘણી લાલસા હતી. અને એવો બનાવ બન્યો હોત ત્યારે જ હું કેવી પ્રેમી, પતિ ઉપર ભક્તિવાળી છું તે જણાત. આજ હું તમને મોઢે બકવા કરી બતાવું છું એમાં શું વળે ? મારા પતિમાં ખરૂં જોતાં વઢવા સિવાય એકે ગુણ નથી. તો પણ મારૂં મન તમારા શિવાય કોઈએ રૂપથી, પૈસાથી, કે કોઈ અવર સાધનોથી ડગાવી શક્યું નથી. બલા જાણે તમે શા કારણથી આટલા બધા વ્હાલા લાગો છો ને તે હું સમજી શકતી નથી.

આપ મારી પાસે કહેવડાવવા માગો છો કે પ્રેમ ને નીતિ એ બેમાં બળવાન કોણ ? તે લખજો. પણ પ્રભુ, હું શું કહું, મને તો એકે દિશા સૂઝતી નથી. મને રોજ તાવ બહુ આવે છે. અન્ન મુદ્દલ ભાવતું નથી,નિદ્રા આવતી નથી. તમારૂં અસાધારણ સ્મરણ થવાથી મગજ ખાલી પડી ગયું છે. કોઈ મારી ખબર પૂછે છે કે 'તને કેમ છે ?' એટલે તરત આંખમાં ચોધાર આંસુ ચાલ્યાં જાય છે. જાણે મારૂં કોઈ નથી, હું અશરણ છું,ક્યાં છું ? કોને યાદ કરૂં છું, મને શું થાય છે ? હું આંધળી છું કે દેખતી, ચાલતી છું કે અપંગ; બોલતી છું કે મૂગી, બ્હેરી છું કે સાંભળું છું વગેરે કશું ય ભાન નથી. માત્ર પોપટની જેમ ગોખી રાખેલું હોય તેમ અનિયમિત રીતે તમારૂં નામ દેવાઈ જાય છે. અરે! એક વખત મારી અવસ્થા જોવા વૈદરાજ બનીને તો આવો. તમે તો મનગમતા વૈદ છો એટલે મને જરૂર સારું થઈ જશે. હવે કાંઈ બાકી રહ્યું? આમાં મને પરિણામ શું નીકળશે તે સમજાતું નથી. માત્ર હું મારા જીવતરને ભયભરેલું જોઉં છું. પણ તમે ય ડાહ્યા થઈને એકે રસ્તો સૂઝાડતા નથી. હું જાણું છું કે તમારી આ વ્યાધિમાં પડવાની મરજી નથી. કારણ કે મેં તમને સર્વ હક્ક આપ્યા છે તે છતાં શાને પૂછ્યા વાટ જુવો છો ? હું તો કહું છું કે હવે તમારી ઉપરનો મારો પ્રેમ હદ મૂકીને કેટલો આગળ ગયો તેનો લાગ-તાગ (!) જડશે જ નહિ. માટે વળી શરમ મૂકીને કહું છું કે હું તમારે શરણ છું. મારૂં સર્વ તમે છો. હું તમારી છું, જોઈએ તો મારૂં મન સુધરે એમ કરો, જોઈએ તો બગડે તેમ કરો. જેથી મને સુખ થાય એમ કરો. પણ હવે રીબાવશો માં એટલી વિનંતી છે. મારો ખૂબ તિરસ્કાર કરશો તો કાંઈક હું શરમાઈ પ્રેમને હદમાં રાખું તો રાખું. અને કાં તો હવે સાકરના હીરા ગળ્યા એ ગળ્યા! તમારા જેવા મહાત્માની આગળ 'પીર બાપજી મેં તો હસતી થી' એમ વારે ઘડીએ કરવું એ ય શરમભરેલું છે. વળી મેં ક્યાં જેવા તેવા સાથે કે ક્યાં બોત્રથી પ્રેમ બાંધ્યો છે કે તેની આપદા! આ બધું તમારા મનને નિશ્ચય થાય કે આ પ્રેમપીડામાં મઝા છે કે નહિ અથવા તમારી પૂર્ણ રીતે ખુશી હોય તો જ.

લિ... ...ના પ્રેમપૂર્વક પ્રણામ
 
♣♣