દેશી રાજ્યોનો પ્રશ્ન/ઉપવાસ વિષે

વિકિસ્રોતમાંથી
← રાજકોટની પ્રજા પ્રત્યે દેશી રાજ્યોનો પ્રશ્ન
ઉપવાસ વિષે
મોહનદાસ કરમચંદ ગાંધી
સમય ઓળખો ? →







૬૧
ઉપવાસ વિષે

ઉપવાસ એ આદિકાળથી ચાલતી આવેલી પ્રથા છે. ઉપવાસ આત્મશુદ્ધિને અર્થે અથવા તો કોઈ ઉચ્ચ કે નીચ હેતુની સિદ્ધિને અર્થે કરવામાં આવે છે. બુદ્ધે, ઈસુએ તેમ જ મહંમદ પેગંબરે ઈશ્વરસાક્ષાત્કારને અર્થે ઉપવાસ કરેલા. રામચંદ્રજીએ પોતાની વાનરસેનાને સારુ માર્ગ માટે મહાસાગર સામે ઉપવાસ કરેલા. પાર્વતીએ મહાદેવજીને પોતાના પતિ તરીકે મેળવવા સારુ ઉપવાસ કર્યા હતા. મારા ઉપવાસોમાં ઉપર જણાવેલા મહાન દાખલાઓનું તેમના કરતાં હળવા હેતુસર પણ મેં અનુસરણ માત્ર કર્યું છે.

મારા છેલ્લા ઉપવાસના ઔચિત્યની ચર્ચામાં ન ઊતરતાં હું એક જ પ્રશ્નનો ઉત્તર આપીશ. એમ પૂછવામાં આવ્યું છે કે, હું સેવાગ્રામથી નીકળ્યો ત્યારે ઉપવાસ કરીશ એ વાત હું જાણતો હતો કે નહિ ? હકીકત એ છે કે છેલ્લાં કેટલાંક વર્ષથી ઉપવાસની બાબતમાં હું સારી પેઠે કાયર બની ગયો છું. સને ૧૯૩૩ ના છેલ્લી જેલ વેળાના મારા ઉપવાસ સંખ્યામાં ઝાઝા નહોતા થયા ( ૭ થયેલા), પણ તેથી મને અતિ દેહકષ્ટ થયેલું. જે દિવસે મને છોડ્યો તે દિવસે તો મેં મરણભેટની તૈયારી કરી નાંખેલી. મારી માંદગીની પથારી આસપાસની ઝીણીમોટી ચીજો ઘણીખરી મેં સારવાર કરનારી પરિચારિકાને આપી દીધી હતી. તે દિવસ પછી હંમેશ મને ઉપવાસનો ડર રહ્યા કર્યો. આ પછી તા. ૬ઠ્ઠી અને ૧૩ મી એપ્રિલના ૨૪ કલાકના દર વરસના ઉપવાસોએ પણ મને બતાવી આપ્યું છે મારું શરીર હવે કોઈ પણ લાંબા ઉપવાસ ખમી શકે એવું રહ્યું નથી.

તેથી હું સેવાગ્રામથી નીકળ્યો તે ઘડીએ રાજકોટ જઈને ઉપવાસ આદરવાનો ખ્યાલ હળવા મનથી કરવાનું મારે માટે અસંભવિત હતું. જો તેવા કશા સંકલ્પ સાથે હું નીકળ્યો હોત તો તેવા સંકલ્પની મિત્રોને અગાઉથી ખબર આપવાને હું વચનથી બંધાયેલો હતો. આમ પૂર્વસંકલ્પ જેવું કશું હતું જ નહિ. એ વસ્તુ તો એકાએક જ મને સ્ફુરી, અને તે મારા અંતરાત્માની તીવ્ર વેદનામાંથી જ જન્મી. ઉપવાસ અગાઉના મારા આર્ત હૃદયની પ્રાર્થનામાં વીત્યા હતા. જે રાત્રે ઉપવાસનો મારો નિરધાર થયો તેની આગલી રાતના અનુભવે મને સાવ ગૂંગળાવી નાંખ્યો હતો. શું કરવું તે મને સૂઝે નહિ. સવાર પડ્યું ને મને માર્ગ સાંપડ્યો. મારે શું કરવું રહ્યું હતું તે મેં જાણ્યું હતું, પછી ભલે તેની ગમે તે કિંમત આપવી પડે. પ્રભુનો જ દોરવ્યો હું દોરાઉં છું એવી મારી શ્રદ્ધા ન હોત તો મેં કર્યો તે નિશ્ચય હું કદાપિ કરી શકત નહિ.

આટલું રાજકોટના ઉપવાસ વિષે.

ઉપવાસ એ સત્યાગ્રહના શસ્ત્રાલયમાં એક મહાશક્તિવાળું શસ્ત્ર છે. હરકોઈથી ચલાવી શકાય તેવું તે નથી જ. નરી શારીરિક લાયકાત એ એને સારુ લાયકાત નથી. ઈશ્વરમાં જીવંત શ્રદ્ધા સિવાય એ સાવ નિરુપયોગી છે. વિચારરહિત મનોદશાથી કે નરી અનુકરણવૃત્તિથી તે કદી ન થવો જોઈએ. પોતાના અંતરાત્માના ઊંડાણમાંથી જ તે ઊઠવો જોઈએ. મારા સાથીઓમાંથી એકેને રાજદ્વારી ક્ષેત્રમાં ઉપવાસ કરવાની પ્રેરણા આજ સુધી કદી નથી થઈ, એ નોંધવાજોગ બિના છે. અને એ પણ હું આભારની લાગણી સાથે કહી શકું એમ છું કે એમણે મારા ઉપવાસો પ્રત્યે કદી રોષ દર્શાવ્યો નથી. મારા આશ્રમવાસી સાથીઓએ પણ બહુ જૂજ પ્રસંગો સિવાય ઉપવાસને સારું અંતરનાદ અનુભવ્યો નથી. વળી એમણે એવી મર્યાદા પણ પોતાના ઉપર સ્વીકારી લીધી છે કે, પ્રાયશ્ચિત્તસ્વરૂપના ઉપવાસોની બાબતમાં સુધ્ધાં કોઈને ગમે તેટલો તીવ્ર અંતરનાદ હોય તોપણ મારી રજા વિના કોઈ ઉપવાસ કરે નહિ.

આમ ઉપવાસ એ એક અમોઘ શસ્ત્ર હોવા છતાં તેને અવશ્ય કડક મર્યાદાઓ રહેલી છે. જેઓ તેમાં અગાઉથી સારી પેઠે ઘડાયા છે તે જ તેને ચલાવી શકે. વળી મારા ધોરણથી માપી જોતાં તો ઘણાખરા ઉપવાસ સત્યાગ્રહી ઉપવાસની કક્ષામાં જ આવી શકે એમ નથી હોતા, પણ જાહેર પ્રજા જેને ‘લાંઘણ’ કહે છે તેવા હોય છે. એટલે કે તે કશા યોગ્ય વિચાર વગર અને પૂર્વતૈયારી વગર ઉપાડેલા હોય છે. આવી લાંઘણ જો વારંવાર ઉપાડવામાં આવે તો આજે તેની જે જરાતરા અસર છે તે પણ નષ્ટ થશે અને તે નરી હાંસીને પાત્ર બની જશે.

રાજકોટ, ૧૩–૩–૩૯
હરિજનબંધુ, ૧૯–૩–૧૯૩૯