દેશી રાજ્યોનો પ્રશ્ન/રાજાઓ–૨

વિકિસ્રોતમાંથી
← રાજાઓનું સ્થાન દેશી રાજ્યોનો પ્રશ્ન
રાજાઓ
મોહનદાસ કરમચંદ ગાંધી
દેશી રાજ્ય પ્રજામંડળો →






૮૬
રાજાઓ

પ્ર૦ — મને ધાસ્તી છે કે રાજાઓના પ્રશ્નની તમે ટાળાટાળી કરી છે. સામાન્ય રીતે તમે તમારા વિષયને હંમેશાં સીધોસટ છેડો છો, પણ ગમે તેમ હો છતાં આ પ્રશ્નથી સાથે જ તમે ફેરો મારીને ચાલ્યા જણાઓ છો.

ઉ૦ — તમે મારેલા ટોણામાં ઉપરટપકે જોતાં કંઈક તથ્ય છે, પણ વસ્તુતઃ નથી. વાત એમ છે કે રાજાઓના પ્રશ્નને એક મુશ્કેલી તરીકે આ અગાઉ કદી રજૂ કરવામાં આવ્યો નથી. બ્રિટિશ ભાથામાંનું આ નવું તીર છે. આઝાદી માટે બ્રિટિશ હિંદ જ લડી રહ્યું છે. દેશી રાજ્યોની પ્રજા મહામુસીબતે વચ્ચે ઘરઆંગણાની લડત લડી રહી છે. પ્રજા, દેશી રાજ્યોની શું કે બ્રિટિશ હિંદની શું, એક જ છે. બનાવટી સરહદોની હસ્તી તેમને હિસાબે છે જ નહિ, પણ હકૂમત કરનારાઓને હિસાબે એ સરહદો ઘણી જ સાચી છે. બ્રિટિશ કાયદો બ્રિટિશ હિંદમાંથી દેશી રાજ્યની હદમાં કે એક દેશી રાજ્યની હદમાંથી બીજા રાજ્યની હદમાં જનારાને પરદેશી તરીકે ગણવાની રાજાઓને છૂટ આપે છે. અને છતાં એ સાવ સાચું છે કે દેશી રાજાઓની હસ્તી કેવળ બ્રિટિશોની દયા પર છે. બ્રિટિશ સત્તાની પરવાનગી વિના તેમનાથી હરાતું ફરાતું નથી. તેમના વારસોને બ્રિટિશ રાજ્યની મંજૂરી મેળવવી પડે છે. એ વારસોની તાલીમ અને કેળવણી પણ તેમની જ નજર હેઠળ થાય છે. બ્રિટિશ સત્તા મરજીમાં આવે ત્યારે તેમને ઉઠાડી મૂકી શકે છે. આમ બ્રિટિશ અંકુશની બાબતમાં તેઓ સામાન્ય બ્રિટિશ પ્રજાજન કરતાં બૂરી દશા ભોગવે છે. એથી ઊલટું, પોતાની પ્રજા ઉપર રાજાઓને અમર્યાદ સત્તા છે. તેઓ મરજી પડે ત્યારે તેમને ગિરફતાર કરી શકે છે ને તેમનો જીવ પણ લઈ શકે છે. કલ્પનાસિદ્ધાંતમાં બ્રિટિશ રાજ્યનો પ્રજા પ્રત્યે પણ ધર્મ રહેલો છે, પણ એનો બહુ ક્વચિત જ અમલ થાય છે. તેથી દેશી રાજ્યોની પ્રજા બેવડા અંતરાય હેઠળ કામ કરી રહી છે. આટલા વર્ણન ઉપરથી તમને સમજાયું હશે કે બ્રિટિશ સરકારની દરમ્યાનગીરી સિવાય બીજી કોઈ રીતે મહાસભા દેશી રાજાઓ પર અસર પાડી શકે તેમ નથી. પણ ખરું જોતાં બ્રિટિશ સરકાર રાજાઓ જોડે સાચો સંપર્ક સધાવા જ નહિ દે. હું પોતે તો રાજવંશી વર્ગનો નાશ ઇચ્છતો નથી. પણ હું બેશક માગું છું કે રાજાઓ કાળને ઓળખે અને પોતાની જોહુકમી સત્તાને ઘણેખરે અંશે છોડે. બળવાન બ્રિટિશ સંગીનોની રાજાઓને ઓથ છતાં, બ્રિટિશ તેમ જ રાજસ્થાની બેઉ હિંદની પ્રજાની કૂચ કોઈની અટકાવી અટકે એમ નથી. હું તો એવી આશા સેવી રહ્યો છું કે રાજાઓ તેમ જ આજના બ્રિટિશ રાજ્યકર્તાઓ સહિત રાજા પ્રજા તમામનું સામટું શાણપણ એ કૂચને પાગલ બનતી અટકાવશે. કારણ જો એને સારુ કોઈ પાધરો રસ્તો નહિ કાઢવામાં આવે તો તે આડી ફાટ્યા વિના રહેશે નહિ. હું તો મને શક્ય એવો સારામાં સારો અહિંસક પ્રયત્ન કરી જ રહ્યો છું. પણ મારી અહિંસા મારી અપૂર્ણતાઓને કારણે કદાચ નિષ્ફળ પણ નીવડે. તેથી લોહીમાં નાહ્યા વગર હિંદ પોતાના ધ્યેયને પહોંચે એમ જે કોઈ ઇચ્છતા હોય તે સૌનો આ કામમાં હું ટેકો માગું છું.

પણ જો રાજાઓ ન માને તો હું તેમના પર પણ બળજોરી કરવામાં આવે ને તેમને ફરજ પાડવામાં આવે એમ માગતો નથી. એકલું બ્રિટિશ હિંદ જ ભલે આઝાદી મેળવે. અને હું જાણું છું, રાજાઓ પણ જાણે છે, કે બ્રિટિશ હિંદની સાચી આઝાદી એમની પ્રજાની પણ આઝાદી થઈ પડ્યા વગર રહેવાની નથી. કારણ હું કહી ચૂક્યો છું કે બેઉ હિંદ એક જ છે. દુનિયાની કોઈ પણ સત્તા સદાકાળને માટે એમને જુદાં રાખી શકે એમ નથી.

હરિજનબંધુ, તા. ૨૪-૩-૧૯૪૦