દેશી રાજ્યોનો પ્રશ્ન/હૃદયમંથન

વિકિસ્રોતમાંથી
← રામદુર્ગનો હત્યાકાંડ દેશી રાજ્યોનો પ્રશ્ન
હૃદયમંથન
મોહનદાસ કરમચંદ ગાંધી
નવો પ્રયોગ →






૬૯
હૃદયમંથન

તા. ૨૩મી એપ્રિલે રાજકોટથી ઊપડતા પહેલાં, ગઈ વેળાની જેમ ગાંધીજીએ પરિષદના કાર્યકર્તાઓને ભેળા કરી પોતાનું હૈયું તેમની આગળ ઠાલવ્યું. અઢી કલાક જેટલી ચાલેલી આ વાતચીતમાં પોતે કાર્યકર્તાઓ તરફથી કેવી આશાઅપેક્ષાઓ બાંધેલી છે એ તેમણે વિસ્તારપૂર્વક સમજાવ્યું. તેનો સાર નીચે પ્રમાણે:

છેલ્લા ૧૫ દિવસથી હું રાજકોટનું ગૂંચવાયેલું કોકડું ઉકેલવા મહેનત કરી રહ્યો છું. ૧૫ દિવસની આ તનતોડ મહેનતનું સરવૈયું કાઢું તો પરિણામ કદાચ મીંડું જ નીકળે ! સ્થૂલ પરિણામ જોતાં કદાચ એક ડગલું પણ પ્રગતિ આ બાબતમાં નથી થઈ એમ કહું તો ચાલે. છતાં જે કામ ઉપાડ્યું હતું તે તો કરી જ છૂટવાનું હતું. અને મને પૂર્ણ શ્રદ્ધા છે કે આ મહેનત એળે નથી ગઈ.

આખરે મુસલમાન ભાઈઓ સાથે સમાધાની ન થઈ શકી એ વાતનું મને વિશેષ દુઃખ છે. આ બાબતમાં મને ભારે આશા બંધાઈ હતી. પણ જ્યારે વિધિ વિપરીત હોય છે ત્યારે બધા પાસા અવળા જ પડે છે. સર મૉરીસ ગ્વાયરના ચુકાદા પ્રમાણે સમિતિ પણ નથી થવા પામી. આવી પરિસ્થિતિમાં મારે અહીંથી જવું પડે છે.

ઠાકોર સાહેબે કરેલી પ્રતિજ્ઞાનું પાલન કરાવવા વિષે વડી સરકારે આપેલી ખોળાધરી પ્રમાણે અમલ કરાવવા ખાતર હું પરમ દિવસે ગિબસન સાહેબને મળવા ગયો હતો. અને મેં આગ્રહ કર્યો હોત તો તે તો હા જ કહેત. પણ અમારી વાતો ચાલતી હતી એટલામાં મને સૂઝી આવ્યું કે, ‘હું આ શું કરી રહ્યો છું? કરવા જેવી જે વાત છે તે તો જુદી જ છે.’ મેં ગિબસન સાહેબને કહ્યું, ‘જે કહેવા માગું છું એ તમે પણ કબૂલ કરશો કે એક શરાફી વાત છે.’ મેં જ્યારે એ સંભળાવી ત્યારે તેમણે કહ્યું, ‘હા, તમે કહો છો એ વાત છે તો શરાફી.’

હવે મારા એ પગલાની પાછળ કયું માનસ છે એ બતાવું. મને એક વસ્તુ ખટકી રહી હતી. અહિંસામાં હિંસકની હિંસાને શમાવવાની શક્તિ હોવી જોઈએ. જો અહિંસાનો એ ગુણ સિદ્ધ ન થઈ શકે તો માની લેવું જોઈએ કે તેમાં ક્યાંક ને ક્યાંક ખામી છે. દક્ષિણ આફ્રિકામાં હિંંદી પ્રજાએ સત્યાગ્રહની લડતને પરિણામે જે મેળવ્યું તે કંઈ શત્રુતાથી મેળવ્યું નહોતું; અને અંતે તો જનરલ સ્મટ્સ મારા જીવનભરના મિત્ર બન્યા. લંડનમાં ગોળમેજી પરિષદ વેળાએ પણ તેમણે ખૂબ મદદ કરેલી. એમનું ચાલત તો બધું જ અપાવત. દક્ષિણ આફ્રિકામાં છેલ્લી સમાધાની થઈ ત્યારે તેમણે કહેલું કે, “મેં તો ગાંધીના માણસો ઉપર સારી પેઠે સખ્તી કરી પણ તેમણે એ મૂંગે મોંએ સહન કર્યું. આવા લોકો ઉપર ક્યાં સુધી સખ્તી કર્યા કરું?’

તમે એમ નહિ માનતા કે દરબાર વીરાવાળાને જીતવું એ જનરલ સ્મટ્સને જીતવા કરતાં વધારે અઘરું છે. મારા મનમાં વિચાર આવ્યા કરે છે કે જે દક્ષિણ આફ્રિકામાં શક્ય હતું તે અહીં કાં શક્ય ન હોય ? જનરલ સ્મટ્સે જે ઉદ્‌ગારો કાઢ્યા તેવા દરબાર વીરાવાળાને મોંએથી કાં ન નીકળે? દક્ષિણ આફ્રિકામાં તો ખોબા જેટલા હિંદી હતા અને સામે આખી બોઅર પ્રજા મંડાયેલી હતી. એક આખા તંત્ર સામે હિંદીઓની લડત હતી. અને તંત્ર તો હમેશાં જડતામાં જકડાયેલાં હોય છે. અહીંયાં તો સવાલ માત્ર દરબાર વીરાવાળાના હૃદયમાં પ્રવેશ કરવાનો છે. તમારી પાસેથી એ પરમ પુરુષાર્થ મારે જોઈએ. દરબાર વીરાવાળા અહીંથી ન જાય ત્યાં સુધી અહીં સુલેહશાંતિ થવાની નથી એમ કહેવું એ અહિંસાની ભાષા નથી. અહિંસાનું લક્ષણ તો સીધું હિંસાના મોંમાં દોડી જવું એ છે. ગાયને જ્ઞાન હોય અને બધી સમજીને સીધી દોડી સાવજના મોંમાં પેસે તો સંભવ છે કે સાવજની ગોમાંસની રુચિ ચાલી જાય. કેટલીક વેળા હું વિચારું છું કે હું અહીંયાં આવ્યો હતો ઠાકોર સાહેબ જોડેના મારા વંશપરંપરાના સંબંધની મદાર ઉપર, પણ આવીને તો મેં અહીં અવળું કર્યું. મેં તો ચક્રવર્તી સત્તાને વચ્ચે નાંખી. આ કેવી કુમતિ મને સૂઝી! હવે કાં હું તાજના પ્રતિનિધિને તેણે આપેલી ખોળાધરીમાંથી મુક્ત ન કરું ? કાં મારાથી થયેલી ભૂલની છડેચોક પોકારીને જાહેરાત ન કરું?

પણ મારે કબૂલ કરવું જોઈએ કે મારી હિંમત એટલે લગી નથી ગઈ. છતાં આ વિચારો હું તમારી આગળ મૂકીને જાઉં છું. તમે તમારાં અંતર સારી પેઠે તપાસો; અને તમારું અંતઃકરણ પણ એ જ સાક્ષી પૂરે તો સમજી લેવું કે વિરોધીના હૃદયમાં પ્રવેશ કરવામાં જ તમારી અને મારી અહિંસાની ખરી કસોટી છે.

મારા હૃદયમંથનને પરિણામે મેં જે શોધ કરી તે આ છે: રાજ્યની સામે ઝૂઝીને ગમે તે હકો તમે મેળવો, પણ તે તમે તેટલે જ અંશે પચાવી શકશો જેટલે અંશે તમે રાજ્યના હૃદયમાં પરિવર્તન કરાવી શક્યા હશો; એથી વધારે અંશે નહિ. હકો મેળવવા સારુ જો તમારે સફળ સત્યાગ્રહ કરવો હોય તો તમારી ભાષા સુધરવી જોઈએ. પછી તમારા આચારો, તમારા વિચારો જુદું જ રૂપ પકડશે. અહિંસા ભીરુનું શસ્ત્ર નથી. એ તા પરમ પુરુષાર્થ છે, વીરોનો ધર્મ છે. સત્યાગ્રહી બનવું હોય તો તમારું અજ્ઞાન, આળસ બધું જવું જોઈએ. સતત જાગૃતિ તમારામાં આવવી જોઈએ, તંદ્રા જેવી વસ્તુ જ તમારામાં ન રહેવી જોઈએ. આમ થાય ત્યારે જ અહિંસા ચાલી શકે. તમારામાં જ્યારે ખરી અહિંંસા આવશે ત્યારે પછી તમારી વાણી, આચાર, વહેવાર બધામાંથી અમી ઝરશે અને ઇચ્છા અનિચ્છાએ પણ ‘શત્રુ’એ તેને ઓળખવી પડશે.

આ કઈ રીતે બને? એક દાખલો આપું. ગઈ કાલે પાંચ કલાક સુધી દરબાર વીરાવાળા સાથે મારી વાતો ચાલી. એમનો સ્વભાવ તો અગાઉ જે હતો તે જ કાલે પણ હતો. હું મારી મીઠી ભાષામાં તેની વક્રતાનું દર્શન પણ તેમને કરાવતો જતો હતો. પણ અમારી વચ્ચેનું વાતાવરણ આ વખતે જુદા જ પ્રકારનું હતું. એમણે મને કહ્યું, ‘મારાં એ કમનસીબ છે કે હું તમને નથી સમજાવી શક્યો કે આથી વધારે મારાથી આપી જ ન શકાય.’ મેં જવાબ આપ્યો, ‘હું કબૂલ કરું છું કે આજે હું વહેમાયલો માણસ છું. હું તમારાથી ડરી ગયો છુ. પણ આપણે એકમત ન થઈએ ત્યાં લગી તમારી સાથે એક ઓરડામાં પુરાવા તૈયાર છું. તમે મારી શંકાઓનું નિરાકરણ કરો.’ ખાંસાહેબ ફતેહમહમદખાન પણ ત્યાં હાજર હતા. તે પણ આ વાતચીતમાં ભળ્યા અને દરબાર વીરાવાળાને આગ્રહ કરવા લાગ્યા કે, ‘ગમે તેમ કરીને આનો નિવેડો આણો. પ્રજા આ બધાથી હવે થાકી છે.’ આ પ્રસંગનાં બધાં મધુર સ્મરણો તમને આપું એટલો વખત નથી, પણ એક વાત તમારે ખાસ જાણવા જેવી છે ખરી. પરિષદનાં માણસો પ્રત્યે એમનામાં સખત તિરસ્કાર હતો. અગાઉ તો હું આ હસી કાઢતો. પણ આ વેળાએ મને એ ખૂંચ્યું. અહિંસામાંથી એક પ્રકારનો ભય ઊપજી શકે છે. જેવો દીકરો જ્યારે વાળુ કર્યા વગર રિસાઈ ને સૂઈ જાય છે ત્યારે માતાને ઊપજે છે. પણ અહિંસાનું પરિણામ તિરસ્કારમાં કેમ આવે?

અહિંસાની આ વ્યાખ્યા તમારા ગજા ઉપરાંતની હોય તો તમે મને કહી શકો છો અને તમે તમારો સ્વતંત્ર માર્ગ લેવા છૂટા છો. હું બહાર રહ્યો મારાથી બનશે તેટલી સહાયતા આપ્યા કરીશ. પણ જો અહિંંસાનો પંથ ખેડ્યે જવાનો જ તમારો નિશ્ચય હોય તો તમારે સમજવું જોઈએ કે સંપૂર્ણ આત્મશુદ્ધિના પ્રયત્નમાં મરી ફીટવું એ અહિંસાની શરત છે. ચોવીસે કલાક અહિંસાનું સ્તવન કરનારા સાધક તરીકે ખાંખદ કરી કરીને અંતરમાં ભરાઇ રહેલા દોષોને ખોળી કાઢીને તમારા આગળ મૂકવા એને હું મારો ધર્મ સમજીશ. આમ કરતાં તમને સહાયતા કરવાની મારી શક્તિ હજારગણી વધે.

પ્રથમથી જ હું તમને તમારા પોતાના બળ ઉપર જ ઝૂઝવાની વાત કરતો આવ્યો છું. પણ હવે એક જુદા પ્રકારની શક્તિ હું તમારામાં જોવા માગું છું. બધી બાબતમાં તમારે સારુ મારે વિચાર કરવો પડે એ મને તેમ જ તમને બેઉને અસહ્ય થઈ પડવું જોઈએ. તેથી હું આ વખતે બધો બોજો તમારા ઉપર નાંખીને જવાનો છું. અહિંસા અને હિંસાની વચ્ચે તમારે તમારી છેવટની પસંદગી કરી લેવી રહી છે. તમે કોઈ દિવસ કાયર ન થાઓ એમ હું ઇચ્છું છું. મર્યાદાપૂર્વકની હિંસામાંથી કોઈક દિવસ શુદ્ધ અહિંસા તમે શીખો એ સંભવ છે, પણ ત્રિશંકુની જેમ તમે હિંસા અને અહિંસા એ બેની વચ્ચે અધ્ધર લટક્યા કરો તો એ ભયંકર સ્થિતિ છે. આ માર્મિક સમસ્યા આજે જેમ તમારી સમક્ષ તેમ આખા દેશની સમક્ષ ઊભેલી છે. એનો ફડચો તમારે તરત કરી લેવો રહ્યો છે. જો તમે અહિંસાને જ વળગો તો તમારી એ અહિંંસા મારી આપેલી નહિ પણ સ્વતંત્ર પ્રેરણારૂપે તમારામાં આવવી જોઈએ.

એટલે મારી વાત તમારે ગળે ઉતરતી હોય તો એના અમલનો કાર્યક્રમ હું તમને દોરી આપું. પરિષદના સાતેય પ્રતિનિધિ તમે દરબાર વીરાવાળાની પાસે જાઓ. ગમે તેટલાં કડવાં વેણ એ તમને સંભળાવે, તિરસ્કાર બતાવે, તે બધું ધીરજપૂર્વક, શાંતિપૂર્વક સહન કરવાની તમારી તૈયારી જોઈએ. આવી અનેક અગ્નિપરીક્ષાઓમાંથી પસાર થયા પછી જ હું દક્ષિણ આફ્રિકામાં સત્યાગ્રહની શક્તિ મેળવી શક્યો હતો. તમારામાં એટલે સુધી શક્તિ આવવી જોઈએ કે તમે દરબાર વીરાવાળાને જઈ ને કહો કે, ‘અમારે તો ગાંધીને આમાંથી મુક્ત કરવા છે. ચક્રવર્તી સત્તાની દરમ્યાનગીરીની કક્ષામાંથી પણ નીકળી જવા ઇચ્છીએ છીએ. અમારે તો ૨૬મી ડિસેમ્બરની જાહેરાતનો રાજ્ય પાસે અમલ પણ તમને વચ્ચે રાખીને કરાવવો છે, તમને કાઢી કઢાવીને નહિ. તમને અમે કેવી રીતે રીઝવી શકીએ એ તમે જ સૂચવો જેથી આખા દેશને સારુ રાજકોટ એ રાજા અને પ્રજા વચ્ચેના મીઠા સંબંધના દાખલારૂપ બને’.

આવી અહિંંસાની સાધનાને સારુ સાધન તરીકે, અહિંંસાના પ્રતીક તરીકે, રેંટિયાથી વધારે ચડિયાતું એવું બીજું કોઈ સાધન હું તમને બતાવી શકતો નથી.

મારી અહિંસા એ એક શાસ્ત્રીય પ્રયોગ છે. શાસ્ત્રીય પ્રયોગમાં નિષ્ફળતા જેવી વસ્તુને સ્થાન નથી. ધારેલું પરિણામ મેળવતાં અંતરાયો આવે છે ત્યારે ઘણી વાર એમાંથી ભારે વૈજ્ઞાનિક શોધો થાય છે. જો અહિંસા ઉપર કાયમ રહેવા ઇચ્છતા હો તો આવા માનસથી તમારે મેં સૂચવેલા અહિંસાના આ પ્રયોગમાં ઊતરવું રહ્યું છે.

હરિજનબંધુ, ૧૪–૫–૧૯૩૯