લખાણ પર જાઓ

નળાખ્યાન/કડવું ૬૩

વિકિસ્રોતમાંથી
← કડવું ૬૨ નળાખ્યાન
કડવું ૬૩
પ્રેમાનંદ
કડવું ૬૪ →
રાગ: મારુ


કડવું ૬૩ – રાગ: મારુ

ઋતુપર્ણની પીડા જાણી, નૈષધનાથ બોલ્યા ત્યાં વાણી;
ન થઇએ કાયર આંસુ આણી, એમ કહી લોહ્યાં લોચન પાણી.
આપત્કાળ કર્મ શું કહીએ,જે જે દુઃખ પડે તે સહીએ;
કોને આસરે નિશ્ચે જઇએ,પંચ રાત્રિ સેવક થઇ રહીએ.
ગુપ્ત રહ્યાનું કારજ સીધ્યું, મારું દુઃખ તમે હરી લીધું;
જે જનુનીનું પય મેં પીધું, તેણે એવડું સુખ નથી લીધું.
દશ માસ તે પેટમાં રાખે, અધિક થાય તો ઓછું ભાખે;
ત્રણ વરસ લગી કોણ રાખે, ભલાઇ તમારી થઇ જુગ આખે.
જ્યાં લગી સંપત્તિ હોય, ત્યાં લગે પ્રીત કરે સર્વ કોય;
ફર્યો સમો ત્યારે સદ્ય વિયોગ, નમતાં તે સામું ન જોય.
જે લોભના લીધા માયા માડે, થાય પરીક્ષા દુઃખને દહાડે;
ક્ષત્રી જણાએ ઉઘાડે ખાંડે, ભુડા મિત્ર તે ભીડે છાંડે.
કર્મકથા મેં મારી જાણી, ચોહો વર્ણનાં પોષ્યાં પ્રાણી;
જ્યારે વન નીસર્યાં હું ને રાણી, પ્રજાએ ન પાયું પાણી.

થયો પુષ્કર બાંધવ વેરી, અક્કેકું અંબડ નીકળ્યાં પહેરી;
કીધાં કૌતક લોકે શેરી શેરી, તે દુઃખસાગરની આવે છે લહેરી.
મને ભાઇ પ્રજાએ કહાડી નાખ્યો, સ્વાદ સંસાર સગાઇનો ચાખ્યો;
ઋતુપર્ણ તમો શરણ રાખ્યો તે ઉપકાર ન જાયે ભાખ્યો.
શત કલ્પ કરે કો ગંગાસ્નાન, કરે કોટી જગન દે દાન;
કુરુક્ષેત્ર કરે જપધ્યાન, નહિ ફળ શરણદાન સમાન;
દુઃખ દેખી કલ્પે પુરના લોક, શુભ સમે આંસુ ભરો તે ફોક;
એમ કહી ભેટ્યા પુણ્યશ્લોક, ટાળ્યો ઋતુપર્ણનો શોક.
ત્યારે ઋતુપર્ણ કહે છે શીશ નામી, અપકીર્તિ મેં બહુ પામી;
તમો સકળ નરપતિ સ્વામી, સ્વારથ અંધ થયો હું કામી.
ભીમકતનયા જનેતા જેવી, પતિવ્રતા સાધવી દેવી;
તે ઉપર કુદ્રષ્ટિ એવી, એથી અન્યાય વાત બીજી કેવી.

વલણ.

એવી વારતા અધર્મ છે, શું કરું દેહ ધારીરે;
વૈદરભી મુજમાતા જેવી, વરવાની મેં બુધ કરીરે.