નિરંજન/નવો વિજય

વિકિસ્રોતમાંથી
← નવો તણખો નિરંજન
નવો વિજય
ઝવેરચંદ મેઘાણી
૧૯૩૬
સ્નેહની સાંકળી →


12
નવો વિજય

પ્રોફેસર ક્યારે સરકી ગયા તેનું ધ્યાન પ્રિન્સિપાલને ન રહ્યું. સિગારના તેમ જ વિચારના ધુમાડાએ એની અધમીંચી આંખોને આવરી લીધી હતી. એનામાં પુરાતન બ્રિટનનો પ્રાણ જાગતો હતો. કંઈક સદીઓનાં પડદા ભેદીને એ પ્રાણ ચાલ્યો આવતો હતો. એ પ્રાણના હાથમાં સમશેર, પગોમાં તૂટેલી બેડીઓના ટુકડા, ગળામાં ફાંસીની રસીનો ગાળિયો, ને મસ્તક પર જલદેવતાનો મુગટ હતો. એની છાતી ઉપર હતું સંસ્કારનું પુષ્પ. એ પુષ્પની પાંદડીઓ જાણે કે એક પછી એક વેરાતી હતી.

કેટલાં કેટલાં સમરાંગણો ખેલીને, કેટલી યાતનાઓની બરદાસ્ત કરતો કરતો એ પ્રજાપ્રાણ પોતાના એક નાના ફૂલને બચાવી ચાલ્યો આવતો હતો ! ગોરા પ્રિન્સિપાલના હૃદયમાં ભણકારા ઊઠતા હતા કે 'આપણો આત્મા ભાવનાભ્રષ્ટ થયો. એની સંસ્કારપાંદડીઓ ખરતી જાય છે. સદીઓની તવારીખ ઉપર આપણા આત્માનો ભૂકંપ કાળલીલા ખેલે છે. આપણને આત્મભ્રષ્ટ કર્યા – આ ગુલામ દેશનાં વિદ્યારત્નોએ. આપણી લશ્કરી બુરાકોએ કદી નથી કરી તેવી કતલ આ ભણેલા દેશીઓએ આપણી ભાવનાઓની કરી છે. આપણે સામ્રાજ્ય મેળવ્યું. પણ આત્માને વેચ્યો. ને આપણા દલાલો આ રહ્યા – જેઓ વિદ્યાલયો ચલાવે છે.' આવો પ્રાણ કોઈક જ વાર બોલે છે. એકાદ વાર તો એ ચોક્કસ બોલે છે. એના સૂર વારંવાર સંભળાતા નથી.

આંખો ચોળતાં ચોળતાં પ્રિન્સિપાલે ફરીથી ચશ્માં ચડાવ્યાં. કલમ હાથમાં લઈને તુમારો પર સહીઓ કરવા લાગ્યા. વચ્ચે એ એક વાર હસ્યા ને એણે નાનકડું આત્મસંભાષણ કર્યું: “બાય જોવ ! આઈ એમ ગેટિંગ ઇન એ ડેન્જરસ મૂડ. (ખરેખર, હું કોઈક ભયાનક મનોદશામાં પેસી રહ્યો છું.)"

ને એણે કપાળ પરથી પસીનો લૂછ્યો. સાથે પેલા નવા ભાવને પણ ભૂસ્યો.

આ જ વેળા પ્રોફેસરે પોતાના ખંડમાં નિરંજનને તેડાવી પોતાની આગ ખાલી કરવા માંડી હતી: “તમે આ નામંજૂર થયેલી વાર્તા પ્રિન્સિપાલને કેમ મોકલી હતી?”

નિરંજને કશું કહ્યું નહીં. પ્રોફેસરે પોતાની અગ્નિધારા ચાલુ રાખી: “તમે મને શા માટે અળખામણો કર્યો? તમને શું એમ થઈ ગયું છે કે તમે બહુ સારી વાર્તા લખી શકો છો? તમારે મને બરતરફ કરાવીને શું મારી જગ્યા મેળવવી છે?”

આ બધા સવાલો શી રીતે ઊઠ્યા છે તેની કશી ગમ વગરનો નિરંજન એવો એક ધ્રાસકો અનુભવતો ઊભો રહ્યો કે પ્રિન્સિપાલે એની વાર્તાના પ્રશ્ન પર કોણ જાણે કેવાય ધડાકાભડાકા કર્યા હશે !

એકાએક એની નજર પરબીડિયા પર ગઈ, ને પ્રોફેસરે પોતાના હાથમાં દબાવેલો છતાં એ પ્રિન્સિપાલની સહીનો આસમાની શેરો વાંચી શકાયો: “એક્સેપ્ટ.”

"જાઓ, ઉજાણી જમજો. તમારી વાર્તા મંજૂર કરાવવા માટે મારે જમીન-આસમાન ડોલાવવાં પડ્યાં છે. પ્રિન્સિપાલને હવે ફરીથી ન ખીજવશો, નહીં તો તમારી કેરિયર...”

નિરંજન સમજી ગયો કે પ્રોફેસર ઊઠાં ભણાવવા માગે છે. એણે જરા આંગળી મૂકી જોઈ: “આપે એ શ્રમ લેવાની જરૂર નહોતી. મેં મારી કેરિયર સળગાવી મૂકવાનો નિશ્ચય કર્યા પછી જ આ પગલું લીધું હતું. હું હમણાં જ પ્રિન્સિપાલ પાસે જાઉં છું.”

"નહીં નહીં,” પ્રોફેસરે નિરંજનનો હાથ ઝાલ્યો, “ન જતા.”

પ્રોફેસરને કુસ્તીમાં ચીત કરીને કેમ જાણે નિરંજન ચડી બેઠો હોય એવી ખુમારી એનામાં પ્રગટી ઊઠી. ચાર દિવસ પર પેલા દાદર પરના સંગ્રામે આપેલી ખુમારી તો આજની ખુમારી પાસે કંઈ હિસાબમાં ન રહી. એની આંખોમાં તિરસ્કાર અને ધૃણા ટપકવા લાગ્યાં.

“અને તમે – તમે લખેલાં પાઠ્યપુસ્તકો વડે આજે ગુજરાતનું યૌવન ઘડાય છે ! કેમ?” છેલ્લો ગોળીબાર કરીને નિરંજન ત્યાંથી ચાલ્યો ગયો.

કૉલેજના કારકુનોમાં એક રતનશા પારસી હતા. રતનશાની છીંકણીની દાબડી વિદ્યાર્થી આલમમાં માનીતી હતી. ચપટી ચપટી છીંકણી લઈને રતનશાનાં ગુલતાન માણનારા જુવાનો સારી સંખ્યામાં જડી આવતા. વિદ્યાર્થીઓમાં ખાસ કશું આંદોલન કરવાનો શોખ થઈ આવે ત્યારે રતનશા માથા પર અધેલા જેવડી કાળી ટોપી મૂકીને પરસાળમાં ચક્કર લગાવવા નીકળી પડતા, હાથમાં છીંકણીની દાબડી રાખતા અને જુવાનોનું ટોળું જ્યાં ઊભું હોય ત્યાં રસનું મધ્યબિંદુ બની જતા.

“સાહેબજી, બાવા! સાહેબજી!” કહીને આજે રતનશાએ પોતાની ચોગમ એક ટોળું રચાવી કાઢ્યું.

“કેમ રતનશા! શા નવીન છે તમારી ઑફિસના?” વિદ્યાર્થીઓની કૌતુકવૃત્તિના દીવડા પેટાતા હતા.

"હવે નવીનબવીનને જવા દોને બાવા ! નવીનમાં કાંઈ માલ નથી. આ જૂની મારી તપખીરની દાબડીનો રસ ઉડાવોને, મગજ તર કરી લેઓને, બાવા!”

એમ કહી રતનશા દાબડીને ટકોરા દઈ કૂંડાળે ફેરવવા લાગ્યા.

“પેલાને - તમારા પેલા બેવકૂફને – આખલાએ ઠીક સીધો કર્યો, યાર!" એ વાક્ય બોલતાંબોલતાં રતનશાએ ત્રણચાર વાર આગળપાછળો ને આજુબાજુ ત્રાંસી વાંકી આંખો કરી, વક્ર મોઢું રાખી મિચકારા માર્યા, પ્રિન્સિપાલને રતનશા રૂબરૂમાં ‘સર’ કહેતા, પછવાડે 'આખલો' નામે, ઓળખાવતા.

આવા મિચકારાની પાછળ મનોભાવ એ હોય છે કે દુનિયા દોંગાઈ વડે જ માણવા જેવી છે.

એમ તપખીર કરતાં પણ વધુ તીખું કુતૂહલ જગાડીને પછી રતનશાએ આગલા દિવસનો, પ્રિન્સિપાલ તથા ગુજરાતી પ્રોફેસર વચ્ચે બનેલો મામલો કહી સંભળાવ્યો અને પોતે બાજુની ઓફિસમાં બેઠાંબેઠાં એ મામલો સાંભળવા સારુ થઈને પાંચ મિનિટ સુધી પોતાની એક છીંકને કેવી રીતે દબાવી રાખી હતી તેની હોશિયારી ગાઈ.

જામગરી સળગાવીને એ ચાલ્યો ગયો. થોડી વારમાં તો નિરંજનની વાર્તા વિશેનો ઇતિહાસ આખી કૉલેજે જાણ્યો. સ્ત્રી-વિદ્યાર્થીઓમાં પણ વાત પ્રસરી ગઈ અને નિરંજનને પણ શી ઘટના બની ગઈ હતી તેનો પૂરો ચિતાર મળ્યો.

એક જ કલાકમાં નિરંજન વિદ્યાલયનો ‘વીર' બની ગયો. સહુ કોઈ એની જોડે હાથ મિલાવી શાબાશી આપવા લાગ્યા.

આ તમાશો નિરંજનને સુખ ન આપી શક્યો. એનું દિલ ડંખતું હતું. યુરોપિયનો તરફ એને પ્રેમ નહોતો. ગોરી ચામડીમાં મઢાયેલું પ્રિન્સિપાલનું તોછડું ભેજું એના અંતરની છૂપી હિંસાનો વિષય હતું. આગલે દિવસે ઊકળેલું પોતાનું લોહી એળે ગયું તેનો પણ એને ઓરતો હતો. તેમ જ આવો એક ગોરો પોતાની વાર્તાના કરુણ તત્ત્વથી દ્રવી પડે એ એને ન ગમે તેવું સત્ય હતું.

વળી અંતરમાં તો એને ભાન હતું કે આ બધી શાબાશીને પાત્ર હું શી રીતે? આ ધન્યવાદો ખરી રીતે તો પ્રિન્સિપાલ પર વરસવા જોઈએ. પણ એ પરદેશીને, એ રાજ કરતી સત્તાના પ્રતિનિધિને, આટલા બધા ખાનદાન તેમ જ ખેલાડી બનવાનો શો હક છે? પોતાની બહાદુરીમાં પ્રિન્સિપાલ મોટો ભાગ પડાવી જતા લાગ્યા. અને સુનીલા – સુનીલા હમણાં જ અહીંથી નીકળીને સાઈકલ પર ચડી ઘેર ચાલી ગઈ. એણે તો મને કશીય શાબાશી ન આપી. અભિનંદનના ભાવથી ભીંજેલો એક આછો મલકાટ પણ એના હોઠ ઉપરથી ન ઝર્યો. એની આંખો તો ઊલટાની ઠંડાગાર મૌનની વાણીમાં એવું કશુંક બોલતી હતી કે, 'જાણ્યું જાણ્યું, ભલા માણસ ! તમે બહુ બહુ તો એક સુંદર વાર્તા લખી કાઢી. પણ ખરી ભવ્યતા કંઈ એ વાર્તામાં નથી, એ વાર્તા પ્રત્યે મોટું મન દાખવનાર વિદેશી પ્રિન્સિપાલમાં છે.'

ત્રણ દિવસ સુધી સુનીલા, સરયુ અને બાકીની તમામ દુનિયા વીસરાઈ ગઈ હતી. એ બધા ફરીથી એના અંતરને સતાવવા લાગ્યાં, તોફાનનો તોર ઓસરી ગયો તે ઠીક ન થયું. આ જિંદગી નશો કરીને જ જીવવા જેવી નથી શું ? કોઈપણ એકાદ આવેશનું મદિરાપાન જો કઠોર ધરતી પરના સંસારને ભુલાવી નાખી આપણને અવાસ્તવના નીલાકાશમાં લહેરાવતું હોય, તો એવા કોઈ આવેશના ચાલુ કેફમાં જ કાં ન જીવવું ?

ત્રણ દિવસના આકાશવિહારને અંતે પૃથ્વી પર પટકાયેલો નિરંજન ફરીથી પેલાં ત્રણેય જણાંની મોટર-સહેલગાહ ઉપર કલ્પનાનાં હરણાં કુદાવવા લાગ્યો. એના કલાકો એ માનસિક નરકાગારમાં વીતતા થયા.

દુઃખની પળો તો સીસાના રસથી ભરેલી હોય છે. એ દોડતી નથી, ચાલે છે – કીડીના કરતાંય કમતી વેગે, અને ચક્કીની માફક ચગદતી ચગદતી.