લખાણ પર જાઓ

ન્હાના ન્હાના રાસ/આભને આરે ચાંદલો

વિકિસ્રોતમાંથી
← આભનાં કુંકુમ ન્હાના ન્હાના રાસ - ભાગ ૨
આભને આરે ચાંદલો
ન્હાનાલાલ કવિ
આયુષનાં પર્વ →



આભને આરે ચાંદલો

આભને આરે ચાંદલો, હો નણદલ નેણમીઠડાં !
કાંઈ રસનો ઉગ્યો રસરાજ;
હો નણદલ ! નિરખો એ ચન્દ નેણમીઠડાં.

ચોકમાં ચન્દની ઢોળાણી, હો નણદલ નેણમીઠડાં !
કાંઈ આવો એ ઝીલવાને કાજ;
હો નણદલ ! નિરખો એ ચન્દ નેણમીઠડાં.

વીરા ત્હમારા વેગળા, હો નણદલ નેણમીઠડાં !
જાણે આકાશઆરાના ચન્દ;
હો નણદલ ! નિરખો એ ચન્દ નેણમીઠડાં.

વીંધી આઘેરી વાટડી, હો નણદલ નેણમીઠડાં !
ઉરે બોલે એના પડછન્દ;
હો નણદલ ! નિરખો એ ચન્દ નેણમીઠડાં.

ઝાંખી-ઝાંખીને થાકી ગઇ, હો નણદલ નેણમીઠડાં !
એ તો હૈયે-લલાટે, ત્‍હો યે દૂર;
હો નણદલ ! નિરખો એ ચન્દ નેણમીઠડાં.

અંગ અડકે, ના ઝલાય એ, હો નણદલ નેણમીઠડાં !
એવાં પ્રીતમની ચન્દનીનાં પૂર,
એવા વ્હાલમની વાંસળીના સૂર;
હો નણદલ ! નિરખો એ ચન્દ નેણમીઠડાં.


પ્રાણ તો મ્હારા પોયણાં, હો નણદલ નેણમીઠડાં !
રાતે ઉઘડે ને દિવસે એ શાન્ત;
હો નણદલ ! નિરખો એ ચન્દ નેણમીઠડાં.

ઝીલું એ ચન્દ્રની ચન્દની, હો નણદલ નેણમીઠડાં !
મ્હારા ઉરની અગાસીએ એકાન્ત;
હો નણદલ ! નિરખો એ ચન્દ નેણમીઠડાં.

વીરા ત્‍હમારા વેગળા, હો નણદલ નેણમીઠડાં !
મીઠી મોહિની વરસે મહારાજ;
હો નણદલ ! નિરખો એ ચન્દ નેણમીઠડાં.

હૈયાના ચોકમાં ચન્દની, હો નણદલ નેણમીઠડાં !
કાંઈ આવો એ ઝીલવાને કાજ;
હો નણદલ ! નિરખો એ ચન્દ નેણમીઠડાં.