પત્રલાલસા/પરિણીત મંજરી

વિકિસ્રોતમાંથી
← શરમાળ પુરુષ પત્રલાલસા
પરિણીત મંજરી
રમણલાલ દેસાઈ
૧૯૩૧
છેટાં હૃદય →




૨૧
પરિણીત મંજરી

કહીં તું જાય છે દોરી દગાબાજી કરી કિસ્મત !
ભરોસે તેં લઈ શાને આ હરાજી કરી કિસ્મત !
મણિલાલ

મંજરી વ્યોમેશચંદ્ર સાથે પરણી. કહો કે તેને પરણાવી દીધી. માતાપિતા ખુશી થાય એમાં નવાઈ નહોતી. ગામમાં અને ગામમાં પ્રતિષ્ઠિત જમીનદાર અને ધનિકને ઘેર દીકરી અપાય એના જેવું માબાપની દૃષ્ટિએ ઈચ્છવા સરખું બીજું શું હોય ? દીનાનાથ અને નંદકુંવરની જીવનમાંની એક તૃષ્ણા સંતુષ્ટ થઈ.

લોકોને પણ આ વાત ઘણી જ ગમી. સગાંવહાલાં તથા ઓળખીતામાં પણ લગ્ન પ્રશંસાપાત્ર ગણાયું. વ્યોમેશચંદ્રને મંજરી સરખી રૂપ અને ગુણની ભરી પત્ની મળી એથી લોકો વ્યોમેશચંદ્રને મુબારકબાદી આપવા લાગ્યા. મંજરીને વ્યોમેશચંદ્ર સરખો પતિ મળ્યો તેથી મંજરીનાં માતાપિતાને લોકો મુબારકબાદી આપવા માંડ્યા. પરંતુ મંજરીને ધન્ય કહેનાર સખીઓ તો વીલી જ પડી ગઈ. તેણે લગ્નમાં કાંઈ જ હોંશ કે ઉત્સાહ બતાવ્યાં નહિ. માબાપ સમજ્યા કે દીકરીને પોતાનાથી અળગું થવું પડશે એ વિચારે લગ્નમાં ઉમંગ ઓછો થઈ જતો હશે. એવું તો બધીયે દીકરીઓને થાય છે. નંદકુંવરને પોતાનો લગ્નપ્રસંગ યાદ આવ્યો. તેઓ પણ માબાપથી વિખૂટાં પડવાના વિચારે રોતાં જ હતાં ને !

ચિતરંજન માત્ર લગ્નને દિવસે આવી તે ને તે જ દિવસે ચાલ્યો ગયો. દીનાનાથે ઘણોયે આગ્રહ કર્યો, પરંતુ તે રહ્યો નહિ.

‘દીનાનાથ ! લગ્ન કરતા પહેલાં મને પૂછવું તો હતું !' ચિતરંજને જતા પહેલાં જણાવ્યું.

‘તું રખડતો રહ્યો. તને ક્યાં શોધતો આવું ? અને આવા લગ્નમાં પૂછવા જેવું જ શું હોય ? વ્યોમેશચંદ્ર સરખા વર અમારી કોમમાં ક્યાં મળે?' દીનાનાથે પોતાનો બચાવ કર્યો. 'એ બધું તારા મત પ્રમાણે. પણ મંજરીને પૂછી જોયું ?' ચિતરંજને જણાવ્યું.

'હા, હા. નહિ તો હું લગ્ન કરું ખરો? મંજરીએ જરા પણ આનાકાની દેખાડી નથી.' દીનાનાથે કહ્યું.

'હં !' સહજ હસીને પોતે કાંઈ માનતો ન હોય એવો દેખાવ ચિતરંજને કર્યો.

લગ્નપ્રસંગે મંજરીને કપાળે કંકુ અરાડી ચિતરંજને ચાંલ્લો કર્યો. 'દીનુ ! મારા ગયા પછી જ આ બૅગ ઉઘાડજે. એમાં મારો ચાંલ્લો છે : મંજરી માટે.' અને પછી મંજરીને માથે હાથ મૂકી. 'બેટા ! સુખી થજે.' કહી સદાય આનંદમાં રહેતો ચિતરંજન સહજ શોકની છાયા મુખ ઉપર વિસ્તારતો નંદકુંવર અને દીનાનાથની રજા લઈ ઘણો આગ્રહ હોવા છતાં ચાલ્યો ગયો. બેગ ઉઘાડી જતાં તેમાં રૂ. ૧૫૦૦૦ની નોટો મૂકેલી દેખાઈ. દીનાનાથ સ્તબ્ધ થઈ ગયા. જેમણે જાણ્યું તે સઘળાં સ્તબ્ધ થઈ ગયાં. આટલી ભારે રકમનો ચાંલ્લો મંજરીને થયો તેથી તેને હર્ષ થવો જોઈતો હતો, પરંતુ આ ખબર જાણીને તેણે કાંઈ પણ જવાબ ન આપ્યો.

'મેં પેલાં દસ હજાર પાછા ન લીધા એટલે ચિતરંજને આ રસ્તો કર્યો લાગે છે. એનું ઠેકાણું શું? કેવો વિચિત્ર માણસ છે !' દીનાનાથે જણાવ્યું.

વ્યોમેશચંદ્રની ખુશાલીનો પાર નહોતો. તેમનાં બાળકો હવે સુખી થશે, ઘર વ્યવસ્થિત રહેશે. લક્ષ્મી જેવી નોકરડીઓ પોતાના ઉપર જુલમ ગુજારવાનું માંડી વાળશે, અને - પોતે નીતિમાન રહી સંસાર ભોગવી શકશે. આવા વિચારે તેમનો સમય આનંદમાં વ્યતીત થવા લાગ્યો.

નીતિના બહાના નીચે કેટલાં અનીતિમય લગ્ન થતાં હશે એનો કોઈ સમાજશાસ્ત્રી હિસાબ કાઢશે ? નીતિને અને લગ્નને કેટલો અને કેવો સંબંધ છે તેનું સહજ દિગ્દર્શન કોઈ નીતિવેત્તા કરી શકશે ? લગ્નથી નીતિ વધે છે કે ઘટે છે ? નીતિને નામોશી લાગે એવા દોષો લગ્નની સંસ્થામાં કેટલા પોષાય છે ? આ બધું આપણને કોણ કહેશે?

કદાચ આપણે સહજ દૃષ્ટિ ફેરવીએ તો ઝાંખો ખ્યાલ તો આપણને જરૂર આવી શકશે. આપણાં બાળકો, આપણાં દવાખાનાં, આપણાં કેદખાનાં, આપણાં ભિખારીઓ, એ સર્વ આપણને લગ્ન અને નીતિનો સંબંધ નહિ સમજાવી શકે ?

ગમે તેમ હોય પરંતુ વ્યોમેશચંદ્રને લગ્નથી થતો આનંદ અટકાવવાનો કોઈને અધિકાર નહોતો જ. પરણીને મંજરી ઘેર આવી. તેની વાચા ઊડી ગઈ હતી. તેની આંખનું તેજ ઓછું થતું હતું. કોઈની સોબત તેને ગમતી જ નહિ. લક્ષ્મીએ મંજરીની માનીતી થવા ઘણો પ્રયત્ન કરવા માંડ્યો. તેની પાસે બેસે, જમવાનો આગ્રહ કરે, ગાડીમાં ફરવા જવા સૂચના કરે, ઘરનાં ઘરેણાં-લૂગડાંનું વર્ણન આપે, વ્યોમેશચંદ્રના સ્વભાવનાં વખાણ કરે, તેના રૂપની અને આવડતની પ્રશંસા કરે. પરંતુ મંજરીમાં કશી પણ વાત ઉત્સાહ પ્રેરતી નહિ.

'મોટા મોટા સાહેબો અને ગોરાઓ પણ ભાઈને સલામો કરે છે.'

મંજરીને વ્યોમેશચંદ્રનું મહત્ત્વ સમજાવવા લક્ષ્મીએ પ્રયત્ન કર્યો.

'એક વખત મુંબઈ જતાં ગાડીમાં બે ગોરા સોલ્જરો આવ્યા. ભાઈને કહ્યું કે ઊતરી જાઓ. ભાઈ એમ માને ખરા કે ? એમણે તો ચોખ્ખી ના પાડી. સાહેબોએ તો ધમકી આપવા માંડી, પણ એમણે તો કાંઈ જવાબ આપ્યો નહિ. છેવટે સાહેબે એક પોટલું ફેંકી દેવા માંડ્યું. એટલે તો પછી પૂછવું જ શું ? એકદમ ભાઈએ પિસ્તોલ કાઢી સાહેબ સામે ધરી. પેલા બંને ભૂરિયા ગભરાઈને ઊતરી ગયા. આ છોકરીના માં તે વખતે જીવતાં હતાં.'

મંજરીને આ બહાદુરી ઉપર કાંઈ મોહ થયો હોય એમ લાગ્યું નહિ. તેણે નીચું જોઈ રાખ્યું.