લખાણ પર જાઓ

પાપ તારું પરકાશ જાડેજા

વિકિસ્રોતમાંથી
પાપ તારું પરકાશ જાડેજા
સતી તોરલ


તોરલ-કાઠીઆણી.

જેસલ તોર્લની જગ્યા અંજાર (કચ્છ)માં છે તે.

પાપ તારું પરકાશ જાડેજા, ધરમ તારો સંભાર રે
તારી બેડલીને બૂડવા નહિ દઉં, જાડેજા રે તોરલ કહે છે જી. ટેક.

તોડી સરોવર પાળ, સતી મેં તોડી સરોવર પાળ રે;
ગૌધન તરસ્યાં વાળીઆં, તોરલ દેરે જેસલ કહેછેજી. પાપ.

હરણ હર્યાં લખચાર, સતી મેં હરણ હર્યાં લખચાર રે;
વનના મોર્લા મારીઆ, તોરલ દેરે જેસલ કહેછે જી. પાપ.

લૂંટી કુંવારી જાન, સતી મેં લૂંટી કુંવારી જાન રે;
સાત વીશું મોડબંધા મારીઆ, તોરલ દેરે જેસલ કહેછેજી. પાપ.

ગોંદરેથી વાળેલ ગાય, સતીમેં ગોંદરેથી વાળેલ ગાય રે;
બેન ભાણેજા દુભિયા, તોરલ દેરે જેસલ કહે છે જી. પાપ.

જેટલા મથેજા વાળ, સતી રાણી જેટલા મથેજા વાળરે;
એટલાં કુકર્મો મેં કર્યાં, તોરલ દેરે જેસલ કહેછેજી. પાપ


બોલ્યા જેસલ પીર, કઆથી રાણી બોલ્યા જેસલ પીરરે;
મને સંત ચરણમાં રાખનો, તોરલ દેરે જેસલ કહેછેજી. પાપ.



અન્ય સંસ્કરણ

[ફેરફાર કરો]

પાપ તારું પરકાશ…
પાપ તારું પરકાશ જાડેજા, ધરમ તારો સંભાર રે
તારી બેડલીને બૂડવા નહિ દઉં, જાડેજા રે
—એમ તોરલ કહે છે જી

વાળી ગોંદરેથી ગાય, તોળી રાણી
વાળી ગોંદરેથી ગાય રે
બહેન ભાણેજાં મારિયાં, તોરલ દે રે
—એમ જેસલ કહે છે જી

પાદર લૂંટી પાણિયાર, તોળી રાણી
પાદર લૂંટી પાણિયાર રે
વનના મોરલા મારિયા, તોરલ દે રે
—એમ જેસલ કહે છે જી

ફોડી સરોવર પાળ, તોળી રાણી
ફોડી સરોવર પાળ રે
વન કેરા મૃગલા મારિયા તોરલદે રે
—એમ જેસલ કહે છે જી

લૂંટી કુંવારી જાન, તોળી રાણી
લૂંટી કુંવારી જાન રે
સતવીસું મોડબંધા મારિયા, તોરલદે રે
—એમ જેસલ કહે છે જી

હરણ હર્યાં લખચાર, તોળી રાણી
હરણ હર્યાં લખચાર રે
એવાં કરમ તો મેં કર્યાં, તોરલદે રે
—એમ જેસલ કહે છે જી

જેટલા મથેજા વાળ, તોળી રાણી
જેટલા મથેજા વાળ રે
એટલા કુકરમ મેં કર્યાં, તોરલદે રે
—એમ જેસલ કહે છે જી

પુણ્યે પાપ ઠેલાય, જાડેજા
પુણ્યે પાપ ઠેલાય રે
તારી બેડલીને બૂડવા નહિ દઉં, જાડેજા રે
—એમ તોરલ કહે છે જી