પુરાતન જ્યોત/સંત દેવીદાસ/પ્રકરણ ૧૩

વિકિસ્રોતમાંથી
← પ્રકરણ ૧૨ પુરાતન જ્યોત
પ્રકરણ ૧૩
ઝવેરચંદ મેઘાણી
૧૯૩૮
પ્રકરણ ૧૪ →


[૧૩]

ભળકડાનાં તિમિર વીખરાતાં હતાં. સંતે કહ્યું: “હવે ઊઠીએ દીકરી. ને હરિનાં બાળને દાતણપાણી કરાવીએ.”

"તમે ઊઠી શકશો ?”

"હવે મને શું છે? દેહ તો હકીલો બળદિયો છે. એને ખીલો ન છંડાવીએ તો તે વકરી જાય. એ બાબરા ભૂતને તો કામે જ વળગાડવો સારો.”

લાકડીને ટેકે ટેકે પોતે ઊઠ્યા અને તે જ વેળા બહાર ઝાંપા ઉપર અવાજ સંભળાયોઃ “અમરબાઈ, બોન ! બાપુના કંઈ સમાચાર ?”

“આ સાદ તો શાદુળનો—” સંત ચમક્યા.

“હા, હું ઉઘાડું છું.”

“સાંભળ, અમર !”

"કહો.”

"એક પ્રતિજ્ઞા લે.”

"શાની?”

“મારે માથે મારપીટ થયાનો એક બોલ પણ શાદુળને કાને નથી નાખવાનો.”

"શા માટે ?”

"આયરોનાં માથાં ઉતાર્યા વિના એ ઘેર નહીં આવે અથવા તો ત્યાં જઈ પોતે કટકા થઈ પડશે. મને ભયંકર માનવ-હત્યા ચડશે. વચન આપ, કે તું શાદુળને નહીં કહે.”

અમરબાઈ વધુ બેલી ન શક્યાં.

"કેમ ઉશ્કેરાયેલા છો શાદુળ ખુમાણ?” સંતે સવારની આજાર સેવા પતાવીને ગાય દોતાં દોતાં એ મહેમાન આવેલા જુવાનને પૂછ્યું.

"મોકળો થવા આવ્યો છું, હવે પાછા જવું નથી.” જુવાન કાઠીએ નિશ્ચય જણાવ્યો.

"કેમ, થાક લાગે ?”

“હવે ઈજજત-આબરૂ સલામત નથી રહ્યાં ત્યાં – સંસારમાં. કાલે તો ધોળા દિવસે હું તારા દેખી ગયો.”

"શું બની ગયું ?” જુવાને આગલા દિવસની આપવીતી કહી સંભળાવી “કાલે મારી મશ્કરી થઈ. હું ઘરે નહોતો. માલ ચારવા અને તમને ગોતવા ડુંગરામાં ગયેલો. ઘેર પાછો જઈ તંગિયો બદલી નાખવા મારી સુરવાલ ઠેલ ઉપરથી લેવા ગયો. જોઉં છું તો સુરવાલની નાડીનું ફૂમતું ભીનું હતું. સહુને પૂછવા લાગ્યો કે મારી આવી મશ્કરી કોણે કરી છે? પણ કોઈ જવાબ ન આપે. આખરે એક નોકરે સાચી વાત કહી દીધી. ગામના એક રાજગરની વહુને આડું આવ્યું હતું. કોઈએ એને કહ્યું હશે કે મારી નાડી બાળીને પાણી પિવરાવવાથી આડું ભાગશે એટલે નાડી બોળીને રાજગર પાછું લઈ ગયો છે.

"મારી શરમનો પાર ન રહ્યો. મારી નાડી બોળ્યે આડાં ભાંગે એવો હું પવિત્ર ક્યાંથી? આડું નહીં ભાંગે તો મારી ફજેતીના ફાળકા થશે. હું તરવાર પેટ નાખવાનો સંકલ્પ કરીને ઓરડામાં પુરાઈ રહ્યો. અધરાતે ખબર મળ્યા કે રાજગરની બાઈને આડું ભાંગ્યું છે. ત્યારથી આખા ગામને મોંએ મારાં શીળનાં વખાણ થાય છે. પણ એ વખાણની દુનિયામાં મારે નથી રહેવું. કોઈક દિવસ કોઈકને આડું નહીં ભાંગે તો મારું મોત ઊભું થશે એમ સમજી હું ચાલ્યો આવેલ છું.”

“શાદુળ ખુમાણ !” સંતે એને સમજ પાડી : “આ તો રૂંવે રૂંવે ચેપ લગાડનારા રક્તપિત્ત રોગની જગ્યા છે. તમે અહીં શું કરશો ?”

"જે કહેશો તે. ટે'લ કરીશ.”

“ઉતાવળ તો નથી થતી ને ??

"નહીં રે નહીં. મારા પિતા આલા ખુમાણને મારાથી મેટેરા બે દીકરા વરાવેલા-પરણાવેલા છે. હું તો રઝળું છોકરો છું. મારા તરફનો પિતાને સંતોષ નથી. મેં ઘરસંસાર બાંધ્યા નથી, કે જેથી આજ માનવીઓનો માળો વીંખવાનો દોષ મારા પર આવી શકે. હું ફક્કડ છું. જગતથી પરવારેલો છું." ભેંસાણ ગામના કાઠી આલા ખુમાણના આ શાદુળ ખુમાણ નામે પુત્રને સંત ઠીક ઠીક પ્રમાણમાં પિછાનતા હતા. શાદુળ એક સુપાત્ર જુવાન છે. ઊંચા સંસ્કારનો ધણી છે. અહીં આવતોજતો રહે છે. નામીચી કોમનો, નામીચા કુટુંબનો દીકરો છે, જગ્યામાં બેસી જશે તો જગ્યાની પ્રતિષ્ઠા વધશે.

જગ્યાની પ્રતિષ્ઠા વધશે એ અંકુર સંત દેવીદાસના અંતરમાં અણજાણ્યો ફૂટ્યો. હૃદયની ભોમમાં કોઈ રડયું ખડ્યું બીજ પડી રહેલું હોય છે તેનો ઓચિંતો કોંટો ફૂટે છે. એનો અવાજ થતો નથી, એની આંતરિક ક્રિયા સમજાતી નથી. કોઈ વાર એ બીજ વિષવૃક્ષનું હોય છે.

“ભલે બાપ શાદુળ !” સંતે વિભૂતિ લઈને તિલક કર્યું. "આજથી તું ગુરુદત્તનો મહાપંથી બન્યો. લૂગડાં બદલી લે.”

શાદુળ ખુમાણે પનિયાની કાછડી વાળી રજપૂતીનો લેબાસ દૂર ફગાવી દીધો. તે જ સાંજે સંતે શાદુળના ખભા ઉપર ભિક્ષાની ઝોળી મૂકી. પચીસ વર્ષના કાઠી કુમારે પડખેના ગામડામાં 'સત દેવીદાસ' શબદની ટહેલ નાખી.

અને તે દિવસની રાતે તો શાદુળને જાણે કે દેવીદાસની જગ્યા પોતાના જૂના જૂના માતૃધામ-શી ભાસી.

એનું એક કારણ હતું : અમરબાઈનું સાથીપણું.

‘શાદુળ ભગતને જોગી વેશ કેવો દીપે છે!' અમરબાઈના હૃદયમાં આનંદની એક લહેર ઊઠી.

શાદુળના અંતરાત્મામાં પણ ધ્વનિ થયો : ઘરમાં બબે ભાભીઓ હતી, છતાં, એકેયને મારી બહેન કહું એ હૃદયસંબંધ નહોતો જામી શક્યો. ભાભીઓ એનાં બાળગેપાળ અને ઢોરઢાંખરમાં પરોવાયેલી રહેતી. મારા ભેંસો ચારવાના કામમાં બેમાંથી એકેય ભાભીને રસ નહોતો. અહીં તો અમરબાઈ બહેન રોજ સાંજે મારે ખભેથી ઝોળી ઉતારવાની વાટ જોઈને જ પરસાળ ઉપર ઊભી રહે છે. એનાં નેણાં મને હસીને આદર આપે છે. મારે બીજી શી પડી છે !

ભિક્ષા માગવા જતાં રોજેરોજ શાદુળના પગ વધુ વેગ પકડતા ગયા. હમેશાં એકએક ગામ વધુ માગતો ગયો ને તેની વધામણી આશ્રમે જઈને અમરબાઈ બહેનની પાસે ખાતો ગયો.

રસ્તે કાળો સાપ પગમાં અફળાયો હય, ગીરનો સાવજ મળ્યો હોય, કોઈ વટેમાર્ગુ બાઈઓએ ઠેકડી કે કટાક્ષ કર્યાં તે પોતે શાંતિથી સહી લીધાં હોય, તે બધા વિશેની રજેરજ વાત શાદુળ અમરબાઈને રોજ રાતે કહેતો. ફરી ફરીને એની એ વાત કહેવાનું મન થયા કરતું. વળતા દિવસનું પ્રભાત ક્યારે પડે અને ક્યારે હું અમરબાઈ કરતાં વહેલો ઊઠીને જગ્યાનું છાણવાસીદું કરી નાખું, એ વાતને એને અજંપો લાગ્યો.

“શાદુળ ભગત ! આમ તો તમે તૂટી મરશો.”

અમરબાઈના એ બોલ ઝીલવાના હોય તો પોતે પહાડને પણ જડમૂળમાંથી ઉખેડી નાખે એટલા વેગમાં ને કેફમાં શાદુળ આવી પડતો.

ગામેગામની ગલીઓમાંથી શાદુળ ટહેલ કરીને પાછો વળતો ત્યારે પછવાડે વાતો થતી કે 'આની નાડી ધોયે તો આડાં ભાંગતાં. એવો લખમણ જતિ ! તોય એણે ભેખ ધર્યો.' શાદુળના કાન આવા બોલને પકડવા ઈચ્છતો નહોતો છતાંયે કોણ જાણે શાથી એના પગની ગતિ સહેજ ધીરી પડી જતી.