પુરાતન જ્યોત/સંત દેવીદાસ/પ્રકરણ ૧૬

વિકિસ્રોતમાંથી
← પ્રકરણ ૧૫ પુરાતન જ્યોત
પ્રકરણ ૧૬
ઝવેરચંદ મેઘાણી
૧૯૩૮
પ્રકરણ ૧૭ →


કોણ જાણે શાથી આ સાદી વાત પર અણગમો થયો.

બીજી જ પળે શાદુળના મોં ઉપર એક અકળ ખુશાલીભરી ઈન્તેજારી ચમકી. રાત્રીના અંધકાર સિવાય એ ઈન્તેજારીને કોઈ ન ભાળી શક્યું, એ ઈન્તેજારી અંધકારની જ પુત્રી હતી.

શાદુળ કમાડની લગોલગ જઈ ઊભો. પ્રથમ પહેલાં એણે કાન માંડ્યા. અંદર કોઈકનો બોલાશ હતો. શાદુળનું હૈયું ધડાક ધડાક કરી ઊઠ્યું, કોઈક જાણે એના કલેજા પર ઘણ લગાવી લગાવીને ટીપવા લાગ્યું હતું. હૈયાના ધડકારાને લીધે ઓરડીની અંદરનો બોલાશ અસ્પષ્ટ બન્યો. શાદુળને પોતાના જ અંતરાત્મા ઉપર ખીજ ચડી. એણે દાંત કચકચાવ્યા. થોડી વારે છાતીનો થડકાર નીચે બેઠો. અંદરના બોલાશમાં અમરબાઈનો સ્વર સ્પષ્ટ બન્યા.

કોની જોડે વાતો કરે છે? આટલા બધા ધીરા અવાજની વાતો સાંભળનારું મનુષ્ય તો એના હૈયાની અડોઅડ જ હોવું જોઈએ ને ! કોઈ પ્રલયનાં પાણી જાણે શાદુળના આતમ-નાવની અંદર દાખલ થયાં. ગૂંગળાટ શરૂ થયો.

ને આ શી વાતો? ભાંગ્યાતૂટ્યા આ શબ્દો પકડાતા નથી. ઘડીક હસે છે કેમ ? ઘડીક વળી રડે છે કેમ? આ પંપાળે છે કોને ? હુલાવે-ફુલાવે છે કોને? પણ સામે કોઈ કાં બોલતું જ નથી ? કોઈક શું રિસાઈને બેઠું છે? અમરબાઈની જોડે રિસામણાં લેવાનો હક જગતમાં કોઈ ને છે ખરો. શું? એ હક મને કેમ નથી મળ્યો ?

બીજો કોઈ જાતનો સંચાર ન મળે. થોડી વારે બોલચાલ થંભી ગઈ. ઊંઘતી માતાના દેહ ઉપર દોડધામ કરતાં બે બાળકો જેવાં નસકેરાં જ હવે તો બોલવા લાગ્યાં.

પ્રલયનાં પાણી શાદુળના કાનને ડુબાવીને પછી એની આંખો પર ચડ્યાં. પોતાને તો કોઈ જોતું નથી ને, એટલી ખાતરીને સારુ પોતે આજુબાજુ જોયું. દૂર એક ઘુવડ ઠૂંઠી આંબલી ઉપર બેસીને વનના હૃદયને પોતાના ઘુઘવાટથી ભેદતું હતું. ઉંદરને ખોળતી બિલાડી અંધારા ખૂણામાં આંખનાં રત્નો ઝબુકાવતી હતી. સારીયે સૃષ્ટિ પોતપોતાના કામમાં કે આરામમાં ગરકાવ હતી. જખ મારે છે જગત ! શાદુળ ભગતે કમાડની ચિરાડ સોંસરી નજર માંડી. બન્યું તેટલું જોર કર્યું. ચાંદરણાંનાં અજવાળામાં જોર કરી કરીને પણ માણસ કેટલુંક જોઈ શકે ? પૃથ્વી ઉપર એક પડછંદ દેહને શાદુળે લાંબો પડેલો દીઠો. પણ દેહનો આકાર, દેહના અવયવો, દેહના ચડઉતાર, દેહના વાંકઘોંક એને ન દેખાયા.

એટલે એણે કલ્પનાને કામે લગાડી. ઝાંખા દેખાતા એ ઢગલામાંથી કલ્પનાએ માનવ-કાયા કંડારી. ને પછી સ્ત્રીશરીરનું શિલ્પકામ કરવામાં એની કલ્પના તલ્લીન બની ગઈ.

આ બેચાર પળો તો બસ હતી. કલ્પનાએ ઝીણીમોટી તમામ નક્શી કરી નાખી. આંખોએ હવે બધું સ્પષ્ટ ભાળ્યું. આંખને જે જે કાંઈ જોવું હતું તે બધું જ કલ્પનાએ બતાવી દીધું. પછી તો એ કલ્પનાને સર્ર્જેલો નારીદેહ પોતાનાં વસ્ત્રોનીયે ખેવના શા માટે રાખે?

પ્રલયનાં નીર શાદુળના માથાની ટોચ લગી પહોંચી ગયાં. ગૂંગળાટ પરિપૂર્ણ થવાને હવે કશી જ વાર નહોતી.

એણે હળવે હળવે કમાડ પર ટકોરા દીધા.

જવાબમાં નસકોરાં જ સંભળાયાં. નાનાં બાળ જાણે કહી રહ્યાં હતાં કે, 'મા સૂતી છે.'

એણે કમાડની ચિરાડ વાટે અવાજ દીધેઃ “દેવી ! દેવી ! દેવી !”

કમાડ ઉપર પોતાના શરીરની ભીંસ વધી રહી છે એનો ખ્યાલ શાદુળને ન આવ્યો. એકાએક કમાડ ખસ્યું. જાહલ કમાડના નકૂચાના નરમાદામાંથી નર તૂટી ગયો.

"કોણ છે !” અમરબાઈએ જાગીને પડકાર કર્યો.

"કોઈ નથી."

આવો જવાબ અમુક અમુક સ્થાનમાં અનેક માણસોના મોંએથી નીકળી પડે છે. એવા જવાબમાં ધ્વનિ એવો હોય છે કે મારું પોતાનું તો અહીં આ વખતે હોવું એ સાવ સ્વાભાવિક વસ્તુ છે.

"કોણ? શાદુળ ભગત ?”

“હા અમરબાઈ.”

“ત્યારે કેમ કહ્યું કે કોઈ નથી ?”

“ના, એ તો હું જાગતો'તો, તમારી આશિષો લેવી હતી, એટલે આવેલો. પણ કમાડ કોણ જાણે કેમ ખડી ગયું.”

“એ તો ઓરડામાં રાતવેળાની મીંદડી ચાલી આવે છે એટલે મેં બંધ કરેલું હતું. શાદુળભાઈ ! બહુ જાહલ કમાડ છે એ તે હું જાણતી જ હતી. પણ કૂતરાં-મીંદડાંને રોકવા પૂરતું કામ લાગતું.”

"અંદર કોઈ હતું અમરબાઈ?” શાદુળે અવાજને હળવો પાડી નાખ્યો.

જવાબ ન મળ્યો. શાદુળે ફરીથી પૂછ્યું :

"અંદર કોણ હતું ?"

અમરબાઈ ચૂપ જ ઊભાં રહ્યાં.

"હું પૂછું છું,” શાદુળના અવાજમાંથી શકીલી સત્તાધીશી બરાડી ઊઠી, "કે તમે આટલી બધી છાની વાત કોની સાથે કરતાં'તાં બાઈ અમરબાઈ ?”

માથા પર પડતાં ચાંદરણાં આડી પોતાના હાથની છાજલી કરીને શાદુળ અમરબાઈના ચહેરા પર નજર ફેરવી. નીચાં ઢળેલાં નયને સાધ્વી ઊભી હતી. એની અબોલતાએ શાદુળનો જુવાનીભર્યો રોષ જગાડી દીધો. એ ચુપકીદીએ વહેમને મજબૂત કર્યો. એ અંદર ગયો. નજર ફેરવી. છાપરાના ખપેડા સલામત હતા. ચારે ભીંતમાં ક્યાંય ઉંદર પણ પેસી શકે તેવડું બાકોરું નહોતું.

"આ અંતરનો ઓરડો તો હજુ અણતપાસ્યો પડ્યો છે, ભગત !”

રોષે ઊકળતો શાદુળ પોતાની લાચારીભરી દશાથી વધુ દાઝતો હતો.

"શાદુળ ભગત," અમરબાઈએ મીઠાશથી સમજાવ્યું : “બાપા, વીરા, તમારી પથારીએ પોગી જાવ. રાત તો થોડી જ રહી છે. હરિનું નામ લઈને સૂજો હો ભાઈ ! નીકર મનની ભૂતાવળ જંપવા નહીં આપે.”

શાદુળે એક વાક્ય ગોખી રાખ્યું હતું તે કહી નાખ્યું :

"મેં તો તમને મારી દેવી ગણી સ્થાપ્યાં હતાં. હું મારા વિજયોને તમારાં ચરણોમાં ધરતો હતો. મને સ્ત્રીનાં ચરિત્રોની ગમ નહોતી.”

"ભગત, વીરા !” અમરબાઈ એ એને વિદાયનો બોલ સંભળાવ્યો : “સંસારમાં જઈ ને પાછા કોક દાસી બની રહે એવી કાઠિયાણી પરણી લ્યો, કેમ કે તમે ચા'ય તેવા તોય જમીન ધણી છો. તમને ધણીપતું કર્યા વગર જંપ નહીં વળે, ને અહીં ઊલટાની બેય વાતો બગડશે.”