પૃષ્ઠ:2500 Varsh Purvenu Hindustan.pdf/૩૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૧
દરિદ્રી બ્રાહ્મણ.

અને તેના પરની છાપને જોઈને તેને ઘણું જ આશ્ચર્ય થયું. તેણે એકદમ ગોવાળિયાને કહ્યું કે, “ભાઈ રે, તું આ બાળક મને સોંપી દે, સદાને માટે ન સોંપી શકતો હોય, તો અમુક સમયને માટે તો એને મારી જોડે રહેવા જ દે. એ મહાન ભાગ્યશાળી થવાનો છે, એમાં તો હવે રંચ માત્ર ૫ણ શંકા જેવું નથી, માત્ર એને અનુકૂલ સાધનોની આવશ્યકતા છે. હું બધી વિદ્યાઓનો જાણનારો છું ને મારે સ્વાભાવિક રીતે આ બાળકમાં પ્રેમભાવ થએલો છે. માટે એ બાળક તું મને આપી દે.”

બ્રાહ્મણની એ યાચના જાણીને ગોવાળિયાના મુખમંડળમાં ચિન્તાની છાયાનું દર્શન થવા લાગ્યું. એથી વળી પણ તે બ્રાહ્મણ તેને આશ્વાસન આપતો બોલ્યો, “ભાઈ ! દશરથ રાજાએ રામચંન્દ્રનો હસ્ત વિશ્વામિત્ર ઋષિના હસ્તમાં આપ્યો હતો અને વિશ્વામિત્રે રામચંદ્રને સર્વ વિદ્યાઓનું શિક્ષણ આપ્યું હતું; તેવી રીતે તારા પુત્રને પણ હું શસ્ત્ર અને અસ્ત્રવિદ્યાનું શિક્ષણ આપીને રામચંદ્ર જેવો રણશૂર યોધો બનાવીશ. એની કિંચિન્માત્ર પણ ચિન્તા તારે કરવાની નથી. એ રાજબીજ છે.” ગોવાળિયાના હૃદયનું કાંઈ એથી સમાધાન થયું નહિ. “મેં આટલા દિવસ સુધી અત્યન્ત પ્રેમથી પાળેલા આ પુત્રની બ્રાહ્મણ યાચના કરે છે, તે કેવી રીતે આપી શકાય.” એવી ચિન્તામાં તે પડી ગયો અને બ્રાહ્મણને હવે શું ઉત્તર આપવું, એની તેને સૂઝ ન પડી. પરંતુ બ્રાહ્મણને અનુકૂલ થાય, એવું ઉત્તર તે બાળકે જ આપ્યું. એ બ્રાહ્મણ અને તેના પિતાના એ સંભાષણનો આરંભ થયો, ત્યારે તે બાળક ત્યાં હતો નહિ, પરંતુ બ્રાહ્મણે જ્યારે “એ બાળકને મારા સ્વાધીનમાં આપો.” એ વાક્ય ઉચ્ચાર્યું, તે વેળાએ તે દોડતો દોડતો આવીને પોતાના દીન પિતાને કહેવા લાગ્યો કે, “બાપા, મને તમે આને આધીન કરો. મારા માટે જરા પણ ચિન્તા રાખશો નહિ, તમે તો હમેશ એમ કહ્યા કરો છો કે, આ યવનોનો ઉચ્છેદક કોઇ પણ થવો જોઈએ; તો પછી જો હું જ તેમનો સંહારક થાઉં, તો શું ખોટું છે ? તમે તે યવનોના રાજાને જોયેા હતો, ખરોને? તમે હમેશ વાતો કરો છો કે, તેનો પોશાક આવો હતો, તેનો ઘોડો આવેા હતો અને તે પોતે આવો હતો, તો તેવો હું પણ કેમ ન થાઉં વારુ? બાપા, તમારા આશીર્વાદથી અને આ ઋષિમહારાજની કૃપાથી હું ખરેખર પરાક્રમી થઇશ. એ યવનોએ લઈ લીધેલા સમસ્ત દેશને તેમની પાસેથી પાછું મેળવીશ અને એક મહાન સ્વતંત્ર રાજ્યની સ્થાપના કરીશ. પછી બાપા, તમારી આ ઢોરો ચારવાની મહેનત ટળી જશે અને તમે સુખમાં પોતાના દિવસો