પૃષ્ઠ:Aarogya ni chavi.pdf/૩૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

ટૅનિનવાળી ચા હોજરીને વિશે કરે છે. હોજરીને ટૅનિન ચડે એટલે તેની ખોરાકને પચાવવાની શક્તિ ઓછી થાય છે. એથી અપચો ઉત્પન્ન થાય છે. એમ કહેવાય છે કે, ઇંગ્લંડમાં અસંખ્ય ઓરતો આવી જલદ ચાની આદતથી અનેક રોગોનો ભોગ બને છે. ચાની આદતવાળાને પોતાના નિયમ પ્રમાણે ચા ન મળે તો તેઓ વ્યાકુળ બને છે. ચાનું પાણી ગરમ હોય છે. તેમાં ચીની (ખાંડ) પડે છે ને થોડું દૂધ એ કદાચ એના ગુણમાં ગણી શકાય. એજ અર્થ સારા દૂધમાં શુદ્ધ પાણી નાખીને તેને ગરમ કરવામાં આવે ને તેમાં ચીની (ખાંડ) અથવા ગોળ નાખવામાં આવે તો સારી રીતે સરે છે. ઊકળતા પાણીમાં એક ચમચી મધ ને અરધી ચમચી લીંબુનો રસ નાખવાથી સરસ પીણું બને છે.

જે ચાને વિશે કહ્યું તે કૉફીને વિશે ઓછાવત્તા પ્રમાણમાં લાગુ પડે છે. એને વિશે તો કહેવત છે કે

કફકટન, વાયુહરણ, ધાતુહીન, બલક્ષીણ;
લોહૂકા પાની કરે, દો ગુન અવગુન તીન.

એમાં કેટલું તથ્ય છે તે હું નથી જાણતો.

૭-૧૦-'૪૨

જે અભિપ્રાય મેં ચા કૉફી વિશે આપ્યો છે તે જ કોકો વિશે છે. જેની હોજરી નિયમસર ચાલે છે તેને ચા, કૉફી, કોકોની મદદની જરૂર રહેતી નથી. સામાન્ય ખોરાકમાંથી તંદુરસ્ત મનુષ્યો બધો સંતોષ મેળવી શકે છે, એમ હું બહોળા અનુભવથી કહી શકું છું. મેં મજકૂર ત્રણે વસ્તુનું સારી પેઠે સેવન કર્યું છે. જ્યારે આવસ્તુઓ લેતો ત્યારે મને કંઈક ઉપદ્રવ તો રહ્યા જ કરતો. એ વસ્તુઓના ત્યાગથી મેં કશું ખોયું નથી અને ઘણું મેળવ્યું છે. જે સ્વાદ ચા ઈત્યાદિમાંથી મેળવતો તેના કરતાં અધિક સામાન્ય ભાજીઓના ઉકાળામાંથી મેળવું છું.