પૃષ્ઠ:Anashakti Yog.pdf/૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
-

જેલમાં ગયો, ત્યાં તો ગીતાનો અભ્યાસ કંઇક વધારે ઊંડાણથી કરવા પામ્યો. લોકમાન્યનો જ્ઞાનનો ભંડાર[૧] વાંચ્યો. તેમણે અગાઉ મને મરાઠી, હિન્દી અને ગુજરાતી અનુવાદો પ્રીતિપૂર્વક મોકલ્યા હતા ને મરાઠી ન વાંચી શકું તો ગુજરાતી તો જરૂર વાંચું એમ ભલામણ કરી હતી.

જેલની બહાર તો એ વાંચવા ન પામ્યો, પણ જેલમાં ગુજરાતી અનુવાદ વાંચ્યો. આ વાંચ્યા પછી ગીતા વિશે વધારે વાંચવાની ઇચ્છા થઈ, અને ગીતાને લગતા અનેક ગ્રંથો ઉથલાવ્યા. ગીતાની પ્રથમ ઓળખ એડવિન આર્નલ્ડના પદ્ય અનુવાદ[૨]થી સન ૧૮૮૮-'૮૯માં થઈ. તે ઉપરથી ગીતાનો ગુજરાતી તરજુમો વાંચવાની તીવ્ર ઇચ્છા થઈ અને જેટલા અનુવાદ હાથ આવ્યા તે વાંચ્યા. પણ આવું વાચન મને મારો અનુવાદ પ્રજા આગળ મુકવાનો મુદ્દલ અધિકાર આપતું નથી. વળી મારું સંસ્કૃતનું જ્ઞાન અલ્પ, ગુજરાતીનું જ્ઞાન જરાય સાક્ષરી નહીં. ત્યારે મેં અનુવાદ કરવાની ધૃષ્ટતા કેમ કરી?

  1. ગીતારહસ્ય - કા.
  2. song Celestial. - કા.