પૃષ્ઠ:Asia nu Kalank.pdf/૭૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

વિલંબ કરતા નથી. કોઇપણ હવે અમને ડરાવી કે દબડાવી શકશે નહિ.

જૂની દુનિયાના અંધકારભર્યા આવાસોમાંથી હવે અમે પ્રકાશને પંથે ચડ્યા છીએ. સત્યને અમારો સાથી બનાવીને, સ્વાશ્રયનો જ માત્ર આધાર રાખીને, સંપૂર્ણ નિશ્ચયબળથી, એકદિલે અને એકચિત્તે અમારો અર્થ સાધવા આજે અમે બહાર પડીએ છીએ. શિયાળાના બરફ અને ઝાકળથી ઠરી ગયેલી કુદરત સૂર્યદેવના આછા કિરણોથી અને વસંતઋતુની મધુર લહરીથી આજે જાગૃત થઈ છે. તે સાથે અમે પણ આજે જાગૃત થયા છીએ. અમારા પિતૃદેવો સ્વર્ગમાં રહ્યા રહ્યા અમને સહાય કરો ! જગત્‌ના સર્વ શુભ બળો અમારી કુમકે આવો ! અને અમારા નિશ્ચયના આ દિવસથી જ સ્વાધીનતાની પ્રાપ્તિ અમોને થઇ જાઓ ! એવી જ્વલંત આશા સાથે આજે અમે અમારૂં કાર્ય શરૂ કરીએ છીએ.”

જાપાની અધિકારીઓ હજી તો પોતાની વિસ્મય–નિદ્રામાંથી જાગૃત ન્હોતા થયા, ત્યાં તો ઢંઢેરો વાચનાર અગ્રેસરે શહેરના મુખ્ય પોલિસ અધિકારીને ટેલીફોન ઉપર બોલાવી તેમને સર્વને પકડી જવા આમંત્રણ કર્યું. તેને કહેવરાવ્યું કે

૬૦