પૃષ્ઠ:Atmakatha-gandhiji.pdf/૨૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

મારો અભ્‍યાસ ચાલુ રહ્યો. હાઇસ્‍કૂલમાં હું ઠોઠ નિશાળિયો ન ગણાતો. શિક્ષકોની પ્રીતિ તો હંમેશા સાચવી હતી. દરેક વર્ષે માબાપને વિદ્યાર્થીના અભ્‍યાસ તેમ જ વર્તન વિશે પ્રમાણપત્ર મોકલવામાં આવતાં. તેમાં કોઇ દિવસ મારું વર્તન કે અભ્‍યાસ ખરાબ હોવાની ટીકા ગઇ નથી. બીજા ધોરણ પછી ઇનામો પણ લીધાં ને પાંચમા તથા છઠ્ઠા ધોરણમાં અનુક્રમે માસિક ચાર રૂપિ‍યા ને દસ રૂપિ‍યાની શિષ્‍યવૃતિ પણ મળી હતી. આ મળવામાં મારી હોશિયારી કરતાં દૈવે વધારે ભાગ લીધો હતો. એ વૃત્તિઓ બધા વિદ્યાર્થીઓને સારું નહીં, પણ જેઓ સોરઠ પ્રાંતના હોય તેમાં પહેલું પદ ભોગવે તેને સારું હતી. ચાળીસ-પચાસ વિદ્યાર્થીઓના વર્ગમાં તે કાળે સોરઠ પ્રાંતના વિદ્યાર્થી કેટલા હોઇ શકે ?

મારું પોતાનું સ્‍મરણ એવું છે કે મને મારી હોશિયારીને વિશે કંઇ માન નહોતું. ઇનામ કે શિષ્‍યવૃત્તિ મળે તો મને આશ્ર્ચર્ય થતું. પણ મારા વર્તન વિશે મને બહુ ચીવટ હતી. વર્તનમાં ખોડ આવે તો મને રડવું જ આવે. શિક્ષકને ઠપકો આપવો પડે એવું મારે હાથે કંઇ પણ થાય અથવા શિક્ષકને તેવું ભાસે એ મને અસહ્ય થઇ પડે. એક વખત માર ખાવો પડયો હતો એવું મને સ્મરણ છે. મારનું દુઃખ નહોતું, પણ હું દંડને પાત્ર ગણાયો એ મહાદુઃખ હતું. હું ખૂબ રડયો. આ પ્રસંગ પહેલા કે બીજા ધોરણનો છે. બીજો પ્રસંગ સાતમા ધોરણનો છે. તે વખતે દોરાબજી એદલજી ગીમી હેડમાસ્‍તર હતા. તે વિદ્યાર્થીપ્રીય હતા, કેમ કે તેઓ નિયમ જળવાવતા, પદ્ધતિસર કામ કરતા ને લેતા, તથા શિક્ષણ ઠીક આપતા. તેમણે ઉપલા ધોરણના વિદ્યાર્થીઓને સારુ કસરતક્રિકેટ ફરજિયાત કર્યા હતાં. મને તેનો અણગમો હતો. ફરજ પડી તે પહેલાં તો હું કદી કસરત, ક્રિકેટ કે ફુટબૉલમાં ગયો જ નહોતો. ન જવામાં મારી શરમાળ પ્રકૃતિ પણ એક કારણ હતું. હવે હું જોઉં છું કે એ અણગમો મારી ભૂલ હતી. કસરતને શિક્ષણની સાથે સંબંધ ન હોય એવા ખોટા વિચાર તે વેળા હું ધરાવતો. પાછળથી સમજયો કે વ્‍યાયામને એટલે શારીરિક કેળવણીને માનસિકના જેવું જ સ્‍થાન વિદ્યાભ્‍યાસમાં હોવું જોઇએ.

છતાં કસરતમાં ન જવાથી મને નુકસાન ન થયું એમ મારે જણાવવું જોઇએ. તેનું કારણ એ કે, પુસ્‍તકોમાં ખુલ્‍લી હવા ખાવા ફરવા જવાની