પૃષ્ઠ:Balvartao.pdf/૧૧૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

છટકી ગયેલો જોઈને વાઘે તો ગર્જના પર ગર્જના કરવા માંડી. પણ હવે શું થાય ! ગર્જના કરવાથી શિકાર થોડો મોંમાં પડવાનો હતો.

કંટાળીને વાઘ તો ઝાડ નીચે જ આંટા મારવા લાગ્યો. હવે એટલી જગ્યામાં એ ઝાડ એકલું જ હતું. એની આજુબાજુ થોડા અંતર સુધી બીજું કોઈ ઝાડ ન હતું. હવે એ ઝાડ પર એક વાંદરો પણ હતો. શિકારીને લીધે એ પણ ફસાઈ ગયો. વાંદરો પણ નીચે ઊતરવા જાય તો વાઘ તેનો કોળિયો જ કરી નાખે. અને નીચે ઊતર્યા સિવાય તો બીજે કશે જવાય નહિ. આથી વાંદરો અકળાયો અને ઝાડ પર કૂદાકૂદ કરવા લાગ્યો.

વાઘે વાંદરાને જોયો એટલે વાઘે કહ્યું,

'વાંદરાભાઈ ! તમે અકળાઓ નહિ. હું તમને નહિ ખાઈ જાઉં. ફક્ત એક કામ કરો. પેલા માણસને નીચે ફેંકી દો.'

'એ મારો શિકાર છે એને લઈને ચાલ્યો જઈશ. પછી તમારે જ્યાં જવું હોય ત્યાં જજો.'