પૃષ્ઠ:Balvartao.pdf/૧૧૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે


સાપની કપટવિદ્યા

મૈકલ પર્વત પર એક નાગ રહેતો હતો. શરીરે તે બળવાન અને લાંબો હતો. આથી તે લાંબો કાળ સુધી સુરક્ષિત રહીને જીવ્યો.

સમય જતાં ઘરડો થયો. હવે તેનામાં શિકાર કરવાની શક્તિ અને અપળતા ઘટી ગઈ હતી. દાંત પણ તૂટી ગયા હતા. આથી તે ધારેલો શિકાર કરી શકતો ન હતો.

ભૂખ્યો ભૂખ્યો તે વધુ અશક્ત બનવા લાગ્યો. તેને થયું, આમને આમ તો હું મરી જઈશ. જીવતાં રહેવા માટે મારે કંઈક તો કરવું જ જોઈએ. એટલે તે વિચારવા લાગ્યો. અચાનક તેને એક યુક્તિ સૂઝી આવી.

તે તો આનંદમાં આવી ગયો અને પહાડથી સડસડાટ નીચે ઊતરવા લાગ્યો. એ એક તળાવને કિનારે પહોંચ્યો. જ્યાં દેડકાઓનું મોટું રાજ્ય હતું. પુષ્કળ દેડકાંઓ ત્યાં રહેતાં હતાં. એને જોતાં જ બધાં જ દેડકાં તળાવમાં ભાગી ગયાં. પરંતુ એ કોઈ દેડકાં પાછળ દોડ્યો નહિ.