પૃષ્ઠ:Balvartao.pdf/૧૨૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

દેડકાંઓનો રાજા ધ્રૂજી ગયો. ફરીથી બધાં દેડકાં પાછાં આવ્યાં. રાજાએ ધીરેથી બધાંને કહ્યું, 'આપણે બહુ બની ગયાં છીએ. આ નાગ ઢોંગી છે. મૂરખ બનાવીને આપણને ખાઈ રહ્યો છે...'

ત્યાં જ એક દેડકી બોલવા લાગી : 'મહારાજ ! મારો દીકરો કેટલા વખતથી નથી મળતો.' તો કોઈ બોલ્યું, 'મારો પતિ ગુમ થયો છે.' આમ એકી અવાજે કેટલાંય દેડકાં પોતાના સ્વજનો ગુમ થયાની ફરિયાદ કરવા લાગ્યાં.

દેડકારાજાને બહુ દુઃખ થયું. તેણે બધાંને આશ્વાસન આપ્યું અને કહ્યું, 'હવે એ નાગ નજીક કોઈ જશો નહિ. તે ભૂખ્યો-તરસ્યો પોતાની મેળે જ ભાગી જશે.'

બીજે દિવસે કોઈ દેડકો તળાવમાંથી બહાર સવારી કરવા ન આવ્યો. એટલે નાગ સમજી ગયો કે, પોતાના કપટની જાણ દેડકાંઓને થઈ ગઈ છે. હવે અહીં કશો ખોરાક મળવાનો નથી. હવે મારે બીજા તળાવની શોધમાં જવું જોઈએ.