પૃષ્ઠ:Balvartao.pdf/૧૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે


અમૂલ્ય વાત


મગધ દેશમાં ચક્રપુર નામે સુંદર નગર હતું. નગરમાં સર્વ વાતે પ્રજા સુખી અને સમૃદ્ધ હતી. ચોર-લુંટારાનો ઉપદ્રવ ન હતો. અધિકારીઓ ન્યાય અને સદાચારથી પોતાની ફરજનું પાલન કરતા હતા.

નગરમાં ધનવંતરાય નામનો અત્યંત સમૃદ્ધિવાળો અને ગુણવાન નગરશેઠ રહેતો હતો. રાજા પણ તેનું ઘણું માન રાખતા. દેશ-પરદેશમાં નગરશેઠનો વ્યાપાર ચાલતો. તેને ચાર પુત્રો અને એક પુત્રી હતાં. બધા પુત્રો સદાચારી, હોશિયાર અને પરાક્રમી હતા.

નગરશેઠે મોટા ત્રણ દીકરા અને એક દીકરીનાં લગ્ન કરી નાખ્યાં હતાં. ત્રણ ત્રણ વહુઓ અને પૌત્રોથી ઘર ભર્યું ભર્યું રહેતું.

દરેકને બધી વાતે સુખ હોય, પણ એક વાતનું પણ દુઃખ તો હોય, હોય ને હોય જ. નગરશેઠને પણ એક વાતનું દુઃખ હતું. શેઠનો નાનો પુત્ર ગુણસાગર ધૂની અને ખર્ચાળ હતો.