પૃષ્ઠ:Balvartao.pdf/૨૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

પોતાની ઓળખ આપી, મનનો ભાવ કહ્યો અને વધુમાં કહેવડાવ્યું કે, રાતે ચક્રપુર છુપા વેશે મળવા આવે.

નગરમાં ફરતાં ફરતાં રાત પડી ત્યારે ગુણસાગર રાજકુમારીના મહેલની પાછલી બાજુએથી પસાર થતો હતો. ત્યાં તેની નજરે ઝરૂખામાંથી નીચે પડતું દોરડું દેખાયું. તેને નવાઈ લાગી કે અહીં દોરડું કોણે બાંધ્યું હશે ! તે દોરડાની નજીક ગયો અને તેને હલાવી જોયું. ત્યાં તો ઉપરથી કોઈક ડોકાયું અને તેને ઉપર આવવા ઈશારો કર્યો.

ગુણસાગરને કંઈ સમજાયું નહિ છતાં તે દોરડાને સહારે ઉપર ચઢી ગયો. ઉપર જઈને જોયું તો રાજકુમારી સોળ શણગાર સજીને બેઠી હતી. એ ઉમળકાથી ઊભી થઈ. પરંતુ રાજકુમારને બદલે બીજા કોઈ પુરુષને જોઈ ગભરાઈ ગઈ. અને કહેવા લાગી : 'તમે કોણ છો ? ચાલ્યા જાઓ અહીંથી.'

ગુણસાગર તો કંઈ પણ બોલ્યા વગર નીચે ઊતરી ગયો અને ચાલતો થયો. રાત્રી એણે ધર્મશાળાના ઓટલે વિતાવી દીધી.