પૃષ્ઠ:Balvartao.pdf/૨૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

ઊંચા ઝાડ પરથી પાન ખાઈ લેતો. જમીન પરથી કુણું કુણું ઘાસ ખાતો. એને તો મજા આવી ગઈ.

આમ ને આમ ઘણો સમય પસાર થઈ ગયો. એક વાર જંગલમાં તોફાન-આંધી ચડી. પુષ્કળ પવન ફૂંકવા લાગ્યો. ચારે તરફ ધૂળની ડમરીઓ ચઢવા લાગી. તેને લીધે છતે દિવસે અંધારું થઈ ગયું. વૃક્ષો તો ભૂવાની જેમ જોર જોરથી ડોલવા લાગ્યાં. ઊંટે પોતાની ગરદનને બચાવવા પોતાની નજીક લાવવા કોશિશ કરી. પણ આટલી લાંબી ગરદન બધી જ કેવી રીતે નજીક આવે ! તેમાં એક વૃક્ષ તેની ગરદન પર જ પડ્યું. ઊંટને થયું, 'હાય ! હવે તો જીવ નીકળી જ જશે. વૃક્ષના ભારથી તેની ગરદન ચગદાવા માંડી.'

એટલે આર્તસ્વરે પ્રભુને પોકારવા માંડ્યા. તરત જ ભગવાન હાજર થયા અને પૂછ્યું, 'તેં મને ફરી કેમ યાદ કર્યો ?'

'પ્રભુ.... મારી ગરદન... પેલા ઝાડ નીચે દબાઈ ગઈ છે... એને બહાર કાઢો.'