પૃષ્ઠ:Balvartao.pdf/૩૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

દીધો અને સિંહને કમ્મરેથી પકડી, ઘુમાવી, ઘુમાવીને દૂર ફેંકયો. સિંહ એક પથ્થર સાથે અથડાયો. આથી તેનાં હાડકાં ખોખરાં થઈ ગયાં. હવે હાથી તેની સામે ધસી આવ્યો. સિંહ જીવ બચાવીને નાઠો. અને ગુફામાં ભરાઈ ગયો.

પરંતુ બીજે દિવસે તે ઊઠી ન શક્યો. તેનું આખું શરીર મારથી પિડાતું હતું. તેણે શિયાળને કહ્યું, 'હે શિયાળ ! આજ સુધી મેં તને બેઠાં બેઠાં ખવડાવ્યું છે. આજે હું બીમાર પડી ગયો છું. મારાથી શિકારે જઈ શકાય તેમ નથી. માટે તું કંઈક લઈ આવ. જેથી હું જલદી સાજો થાઉં અને ફરી શિકારે જઈ શકું.'

શિયાળ 'સારું' કહીને ગુફામાંથી બહાર નીકળ્યું. પરંતુ તેને શિકાર કરવા જવાનો કંટાળો આવતો હતો. હવે શું કરવું ? સિંહની વાત સાચી હતી. એને ખવડાવીએ તો જ એ ફરી શિકારે જઈ શકશે અને ફરી પોતાને બેઠાં બેઠાં ખવડાવી શકશે. એ ધીરે ધીરે ચાલવા લાગ્યો. અને વનની સરહદ પર આવ્યો. ત્યાં તેની નજર એક ગધેડા પર પડી. તે શાંતિથી ચરી રહ્યો હતો.