પૃષ્ઠ:Balvartao.pdf/૫૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

ખેડૂતે જોયું તો તળાવમાં રહેલો મગર એને બોલાવતો હતો. એ ગભરાતો ગભરાતો જરા નજીક ગયો.

મગર સમજી ગયો કે, માણસ મારાથી બીએ છે. એટલે નજીક નથી આવતો. એણે કહ્યું, 'ભાઈ ! તું ગભરા નહિ. હું તને શું કરી શકવાનો હતો ? પાણી વગર હું મરવા પડ્યો છું. તું મારો ભગવાન ! મારું એક કામ ન કરે ?

ખેડૂતને મગર પર દયા આવી. બિચારો પાણીનો જીવ. પાણી વગર કઈ રીતે જીવવાનો હતો ! એ વધુ નજીક આવ્યો અને બોલ્યો : 'કહે, તને મારું શું કામ પડ્યું ?'

'તું જુએ છે કે પાણી વગર હું જીવી શકું તેમ નથી. અને હવે આ તળાવ આ બળબળતા તાપમાં થોડા દિવસમાં જ સૂકુંભઠ્ઠ થઈ જશે. પછી હું કેવી રીતે જીવીશ ? એક ઉપાય છે કે, તું મને ઊંચકીને કોઈ વધારે પાણી હોય તેવા તળાવમાં મૂકે તો મારો જીવ બચે.'

'બાપ રે ! તને ઊંચકીને બીજા તળાવમાં મૂકું ? બીજા તળાવ સુધી જવાનું તો બાજુએ રહ્યું... તને ઊંચકવા આવું એટલે જ તું મને ચાઉં કરી જાય. તારા જેવા યમદૂત પાસે