પૃષ્ઠ:Balvartao.pdf/૫૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

વિચારીને એણે ઘોડાને બૂમ મારી : 'ઓ ઘોડાભાઈ ! જરા અહીં આવો અને આ મગરને સમજાવો.'

લંગડાતો લંગડાતો ઘોડો ખેડૂત પાસે આવ્યો અને બોલ્યો : 'શું છે ?'

ખેડૂતે બધી વાત ઘોડાને કરી અને કહ્યું, 'ઘોડાભાઈ, તમે મગરને સમજાવો કે, ઉપકાર પર અપકાર ન કરે અને મારો પગ છોડી દે.'

ઘોડો કહે, 'મગરભાઈ ! આ માણસનો પગ છોડતાં જ નહિ. એને ખાઈ જ જાઓ. માણસની જાત એ જ લાગની છે. જુઓને હું આજ સુધી માલિક માટે કેટલું દોડ્યો ! માલિકને કેટલા બધા પૈસા કમાવી આપ્યા ! પણ મારો પગ તૂટ્યો અને હું કામ કરી શકવા માટે નકામો બની ગયો. એટલે તરત જ મને કાઢી મૂક્યો. આટલાં વરસની શરમ ન રાખી ! માણસની જાત તો તદ્દન નગુણી ! માટે તમે આ માણસને નહિ છોડતા.'

ખેડૂત તો ચૂપ જ થઈ ગયો. એને થયું, ઘોડાને બોલાવીને ભૂલ કરી ! એ તો ઊલટો મગરને ચઢાવવા બેસી ગયો.