પૃષ્ઠ:Balvartao.pdf/૭૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

'આટલાં બધાં પક્ષીઓ કેમ ભેગાં થયાં છો ? આજે શું છે ? કોઈ ઉત્સવ છે ?'

ત્યારે ચકલીએ કહ્યું, 'કાગડાભાઈ ! ઘુવડને રાજા બનાવવાનો બધાએ નિર્ણય કર્યો છે.'

'કેમ ?' કાગડાને આશ્ચર્ય થયું.

કાબરે માંડીને સભામાં થયેલી સર્વ વાત કાગડાને કરી.

'અરે ભાઈઓ !' કાગડાએ બધાને કહેવા માંડ્યું, 'આ તમે એકદમ ખોટું કરો છો ! આ ભયાનક દેખાવવાળું પક્ષી આપણો રાજા બને એમાં આપણી ઇજ્જત શું ? વળી તે દિવસે અંધ બની જય છે. તો તે આપણી રક્ષા શું કરવાનું ? આપણે ખુલ્લામાં ફરનારા છીએ જ્યારે આ તો સદા સંતાઈને રહેવાવાળું પક્ષી છે ! આપણા બોલ અને સહવાસ મનુષ્યોને ગમે છે. જ્યારે આનું ડાચું જોવાનુંયે મનુષ્યો પસંદ કરતાં નથી. એના તો અવાજથી બધાં થથરી જાય છે. એ તો તદ્દન અપશુકનિયાળ છે. આને રાજા બનાવવો એ તો મહા મૂર્ખાઈનું કાર્ય છે.'