પૃષ્ઠ:Balvartao.pdf/૯૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

આજુબાજુ નજર કરી. તો એને બે-ત્રણ કેળનાં ઝાડ દેખાયાં. એના મનમાં એક યુક્તિ સૂઝી. એણે કેળનું એક મોટું પાન તોડ્યું. તેની ભૂંગળી બનાવી. અને એ ભૂંગળીનો એક છેડો તળાવના પાણીમાં ડુબાડ્યો. અને એના બીજા છેડેથી હવા ખેંચવા લાગ્યો. આથી પાણી સીધું એના મોંમાં આવી ગયું. આ રીતે એણે ઝાડ ઉપર બેઠા બેઠા જ પાણી પીધું.

હવે એ તળાવમાં એક રાક્ષસ રહેતો હતો. તે પાણીમાં છુપાઈ રહેતો. અને જ્યારે કોઈ પ્રાણી પાણી પીવા આવે એટલે એને પકડીને ખાઈ જતો. આ એનો રોજનો ક્રમ હતો.

આજે પણ એ પાણીમાં છુપાઈને આ વાંદરાને જોઈ રહ્યો હતો. વાંદરાનું માંસ તો એનું પ્રિય ભોજન હતું. એટલે એ ખૂબ ખુશ થઈ ગયો હતો. અને વાંદરો ક્યારે પાણી પીવા તળાવની પાળ પર આવે, ક્યારે પોતાનું મોં પાણીમાં બોળે તેની રાહ જોઈ રહ્યો હતો. પરંતુ વાંદરાએ કેળના પાનની ભૂંગળી બનાવી પાણી પીધું, ત્યારે એ આશ્ચર્યચકિત બની ગયો. તે વાંદરાની અક્કલ પર આફરીન થઈ ગયો. આવું બુદ્ધિશાળી પ્રાણી એણે એની જિંદગીમાં જોયું ન હતું.