પૃષ્ઠ:Balvartao.pdf/૯૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

વાંદરો તો ઊપડ્યો રાજા પાસે. સીધો દરબારમાં પહોંચી ગયો અને રાજાને પ્રણામ કરી ઊભો રહ્યો. રાજા અને એનો કુંવર આ બુઢ્ઢા વાંદરાને જોઈને ખુશ થઈ ગયા. ત્યાં જ રાજાની નજર વાંદરાના ગળા પર પડી. તેના ગળામાં ઝળહળતા હારને જોઈને રાજા નવાઈ પામ્યો. અને બોલ્યો, 'હે વાનર ! તારા ગળામાં બહુમૂલ્ય હાર દેખાય છે. તે તને ક્યાંથી મળ્યો ?'

વાંદરો મનોમન ખુશ થઈ ગયો. જે રીતે વાત શરૂ થવી જોઈએ, એ જ રીતે વાત શરૂ થઈ હતી. તેણે ગળામાંથી હાર કાઢીને રાજાના હાથમાં મૂક્યો અને કહ્યું, 'મહારાજ ! હું આ હાર આપને બતાવવા આટે જ આવ્યો છું. આપ એનું મૂલ્ય કરાવો.'

રાજાએ એ હાર રાજ્યના મુખ્ય ઝવેરીને આપ્યો. ઝવેરીએ હાર જોઈને કહ્યું, 'મહારાજ ! આ હારના બધા જ હીરા એટલા કીમતી છે કે આ હારની કિંમત સામે આપના રાજ્યનો ભંડાર છે તેવા દશ ભંડારો જોઈએ. તોય કિંમત ઓછી કહેવાય.'