લખાણ પર જાઓ

પૃષ્ઠ:Bardoli Satyagrahno Itihas.pdf/૪૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૫ મું
બારમી ફેબ્રુઆરી
 


આપણું છે જ નહિ એમ આપણે વર્તવાનું.’ ઘણાએ જણાવ્યું : ‘અમારું ગામ મક્કમ છે. કાંઈ ડરવાનું કારણ નથી.’ ત્રણચાર ગામના લોકોએ કહ્યું : ‘આખા ગામને માટે અમને જવાબદાર ગણજો.’

શ્રી. વલ્લભભાઈએ આ પછી સૌને ખૂબ ચેતવ્યા : ‘જોખમભરેલું કામ ન કરવું એ સારું, પણ કરવું તો પછી પાર ઉતારવું. હારશો તો દેશની લાજ જશે, મજબૂત રહેશો તો આખા દેશને ફાયદો છે. વલ્લભભાઈ જેવો લડનારો મળ્યો છે તેના જોરે લડશું એવી વાત હોય તો લડશો મા. કારણ કે તમે જો તૂટી પડ્યા તો સો વર્ષ સુધી નથી ઊઠવાના એ ખચીત માનજો. હવે આપણે જે ઠરાવ કરવો છે તે ઠરાવ તમારે જ કરવાનો છે. અમે એ ઠરાવ ન કરીએ, એ ઉપર ભાષણ પણ ન આપીએ, તમે લોકો જ સમજીને એ કરવા ધારો તો કરજો.’

એક વાત અહીં નોંધવા જેવી છે. તા. ૪ થીએ તેમજ તા. ૧૨ મી એ ચોર્યાસી તાલુકામાંથી પણ ઘણા ખેડૂતો આવ્યા હતા. કફલેટા નામના એક ગામના મુસલમાનોને પોતાના ગામને અને તાલુકાને થયેલો અન્યાય બહુ જ ખૂંચતો હતો, અને ચોર્યાસી તાલુકાને લડતમાં જોડવામાં આવે એવી તેમની માગણી હતી. શ્રી. વલ્લભભાઈએ તેમની સાથે ખૂબ વાતો કરી, અને સમજાવ્યા : ‘બારડોલી સત્યાગ્રહ કેવળ બારડોલીને જ મદદ નહિ કરે, ચોર્યાસીનું કામ અનાયાસે થશે, અમારાથી આજે બે તાલુકાને પહોંચાય એવી અમારી શક્તિ નથી. તમારે ત્યાંનો અન્યાય અને અમારે ત્યાંનો સરખા જ છે, અને છેવટે બારડોલીનું થશે તે જ ચોર્યાસીનું થશે. પણ આજે તો પિછોડી જોઈને જ સોડ તાણવી જોઈએ. તમારે ત્યાં ૪૦-૫૦ ટકા જેટલા ખાતેદારો તો સૂરત રાંદેરના ધનાઢ્ય માણસો. એ લોકો પૈસા પહેલાં ભરી આવે, એના ઉપર કમિશનરનું દબાણ પણ ચાલી શકે અને પછી તમે લોકો ગભરાઈ જાઓ. હું તમને કેમ આમ ખાડામાં ઉતારું ? બાકી તમે ચોક્કસ સમજો કે જે અમારું થશે તે તમારું થવાનું છે.’ પેલા સમજ્યા અને શાંત થઈને ઘેર ગયા.

૩૯