પૃષ્ઠ:Bhadram bhadra book.pdf/૩૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

ચલાવવામાં વિચાર ફેરવવાની કશી જરૂર નથી. મારો જ દાખલો ધ્યાનમાં લેવાને ઘટતો છે. બે વરસ પર હું કંપોઝીટર હતો. તે પહેલાં છ મહિના પર હું અંગ્રેજી ત્રીજી ચોપડીમાં મોનિટર હતો. તે છતાં આજે હું એક ઍડિટર થઈ પડ્યો છું. ગ્રેજ્યુએટો મારી ખુશામત કરતા આવે છે, પૈસાદાર લોકો મને મદદમાં લે છે, મારે જ્ઞાન મેળવેલા હોવાની જરૂર પડી નથી. મારે નહિ સમજાય એવા વિષયોનો અભ્યાસ કરવાની ફરજ આવી પડી નથી. તે છતાં અર્થશાસ્ત્ર, રાજ્યનીતિ, સાહિત્ય, સંસારસ્થિતિ વગેરે બાબતો પર હું બેધડક ચર્ચા કર્યે જાઉં છું. ગમે તે બાબતની માહિતી મેળવ્યા વિના તે વિશે મત જાહેરમાં મૂકતાં મને આંચકો ખાવો પડતો નથી. પણ જુસ્સાની જરૂર છે. ઊંચુનીચું જોવાની જરૂર નથી. સારુંખોટું જોવાની જરૂર નથી, પણ તે પર હુમલો કરવાની જરૂર છે. ઍડિટરના હુન્નરથી અજાણ્યા લોકો આને ઉદ્ધતાઈ કહે છે, હું એને હિંમત કહું છું. એવી જુસ્સાવાળી હિંમત હોય, તો પછી રાજકીય હક્કો મેળવવામાં વિચારની વૃદ્ધિ રમતમાં લાવવાની શી જરૂર છે ? તો પછી સુધારાના અમલને કામનું ખેતર જ નથી. તે લાવવો જોઈતો છે નહિ.’

દરેક ભાષણકર્તા ભાષણ પૂરું કરી રહે એટલે ભદ્રંભદ્ર બોલવાનો આરંભ કરવા જતા હતા, પણ બીજો કોઈ ઊઠી બોલવા માંડે એટલે રહી જતા હતા. એક પછી એક ભાષણો થયાં જતાં હતાં. વચમાં કોઈ વખત મત લેવાતા હતા, પણ તે વખતે એટલો ઘોંઘાટ થતો કે ઘણી વાર શા માટે મત લેવાય છે તે સંભળાતું નહિ. ભદ્રંભદ્રે નિશ્ચય કર્યો કે, ગમે તેમ કરી ભાષણ કરવું તો ખરું. એક વાર મત લેવાઈ રહ્યા પછી ’હર હર મહાદેવ’ કરી ખૂબ જોરથી બૂમો પાડી, બધાનું ધ્યાન પોતાની તરફ ખેંચી બોલવા માંડ્યું,

’શ્રી પ્રમુખદેવ અને શ્રીયુત આર્યજનો ! આ મંગલ સમયે શ્રી ગણપતિ ગજાનનને નમસ્કાર કરો. શ્રીશંકરના પાદયુગ્મનું સ્મરણ કરો. શ્રીવિષ્ણુની કૃપાની યાચના કરો. શ્રી સરસ્વતીનું આવાહન કરો. શ્રી અંબિકાને ભજો. શ્રી લક્ષ્મીને પ્રસન્ન કરો. શ્રી સૂર્યદેવનું સાંનિધ્ય લક્ષમાં લ્યો. શ્રીવાયુદેવનો પ્રભાવ ઇચ્છો. શ્રીઅગ્નિદેવવી સહાયતા માંગો. શ્રી વરુણદેવને સંદેશો મોકલો. શ્રીરામકૃષ્ણાદિ અવતારોને, શ્રી વેદમૂર્તિને, શ્રીઇન્દ્રદેવોને, શ્રીગંધર્વોને, શ્રીકિન્નરોને, શ્રીગ્રહોને, શ્રીનક્ષત્રોને, શ્રીતરકોને, શ્રીપૃથ્વીમાતાને, શ્રીઆર્યભૂમિને, શ્રીસનાતનધર્મને, શ્રીકાશીને, શ્રીપ્રયાગને, શ્રીમથુરાને, શ્રીજગન્નાથને, શ્રીદ્વારિકાને, શ્રીરામેશ્વરને, શ્રીતીર્થસમૂહને, શ્રીગંગાને, શ્રીસમુદ્રને, પ્રીતિથી પૂજો. જય ! જય ! જય ! જય ! જય ! જય ! અહા ! ધન્ય તમને, ધન્ય મને, ધન્ય આકાશને ! ધન્ય પાતાલને ! કીર્તિમંત થઈ છે આજ આર્યસેના. રણમાં રગદોળ્યો છે શત્રુના ધ્વજદંડને. સંહાર કર્યો છે સકલ અરિકટકનો. સનાતન ધર્મ સિદ્ધ થયો છે. આર્યધર્મ આગળ થયો છે. વેદધર્મ પૃથ્વીમાં પ્રસર્યો છે. આપણી રૂઢિઓ વિશ્વમાં સર્વથી ઉત્તમ ઠરી છે. ઉત્તમતાનું આપણું અભિમાન આપણે ક્યાં સમાવવું, એ કઠિન પ્રશ્ન થઈ પડ્યો છે. બ્રહ્માંડ તે માટે પર્યાપ્ત નથી. આત્મા તે માટે સાધન નથી. કાલ તે માટે દીર્ઘ નથી. અહો ! જે દેશમાં આજની સમસ્ત મંડળી